Amit Mishra Retirement : 42 વર્ષીય દિગ્ગજ ક્રિકેટર અમિત મિશ્રાએ 25 વર્ષની સેવા બાદ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. લેગ સ્પિનર અમિત મિશ્રા આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 22 ટેસ્ટ, 36 વન ડે અને 10 ટી-20 મેચો રમ્યો છે, જેમાં અનુક્રમે 76, 64 અને 16 વિકેટ ઝડપી હતી. અમિત મિશ્રાએ તેની કારકિર્દીમાં 152 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 535 વિકેટ, લિસ્ટ એ મેચોમાં 252 વિકેટ અને 259 ટી-20 મેચોમાં 285 વિકેટ ઝડપી હતી.
અમિત મિશ્રાએ વારંવાર થતી ઈજાઓ અને ઉભરતા ક્રિકેટરો માટે તકો સર્જવાની ઈચ્છાનો હવાલો આપીને ગુરુવારે 4 સપ્ટેમ્બર, 2025ના રોજ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અમિત મિશ્રાના કેટલાક અનિચ્છનીય રેકોર્ડ પણ હતા. આવા જ 8 રેકોર્ડ આ પ્રમાણે છે.
અમિત મિશ્રાના 8 અનિચ્છનીય રેકોર્ડ
- ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી ખરાબ સ્ટ્રાઇક રેટ (348) રાખવાના મામલે 36માં નંબર પર
- ટેસ્ટ મેચની એક ઇનિંગમાં સૌથી વધુ રન (203) આપવાના મામલે 31માં નંબર પર છે.
- વન-ડે ઈન્ટરનેશનલ કરિયરમાં બેસ્ટ બોલિંગ એવરેજ (23.60)ના મામલે 44માં નંબરે છે.
- વન-ડે ઈન્ટરનેશનલ કરિયરમાં બેસ્ટ સ્ટ્રાઈક રેટ (29.9)ના મામલે 37માં નંબરે છે.
- એકદિવસીય આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં એક ઈનિંગમાં સૌથી વધુ પાંચ વિકેટ (2) લેવાના મામલે 50માં નંબરે છે.
- તે ઈનિંગમાં (33 વર્ષ અને 340 દિવસ) પાંચ વિકેટ ઝડપનારો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે.
- વન-ડે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં સૌથી વધુ સળંગ મેચ (180) મિસ કરવાના મામલે 14માં ક્રમે છે.
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત સૌથી વધુ મેચો (224) મિસ કરવાના મામલે 37માં નંબરે છે.
અમિત મિશ્રાએ સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી
અમિત મિશ્રાએ એક્સ પર લખ્યું કે આજે, 25 વર્ષ પછી, હું ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. એક એવી રમત જે મારો પ્રથમ પ્રેમ, મારો માર્ગદર્શક અને મારા આનંદનો સૌથી મોટો સ્રોત રહી છે. તે અસંખ્ય લાગણીઓ, ગર્વ, મુશ્કેલીઓ, શિક્ષણ અને પ્રેમની ક્ષણોથી ભરેલી યાત્રા રહી છે. હું બીસીસીઆઈ, હરિયાણા ક્રિકેટ એસોસિએશન, મારા કોચ, સપોર્ટ સ્ટાફ, સાથીદારો અને સૌથી વધુ ચાહકોનો હંમેશા માટે આભારી છું, જેમના વિશ્વાસ અને સમર્થનથી મને દરેક પગલે શક્તિ મળી.
આ પણ વાંચો – આઈપીએલ મેચ જોવા હવે વધારે પૈસા ચુકવવા પડશે, જાણો 1000 રૂપિયાની ટિકિટ પર હવે કેટલો ટેક્સ લાગશે
અમિત મિશ્રાએ લખ્યું કે શરૂઆતના દિવસોના સંઘર્ષ અને બલિદાનથી માંડીને મેદાન પર વિતાવેલી અવિસ્મરણીય પળો સુધી, દરેક અધ્યાય એક એવો અનુભવ રહ્યો છે જેણે મને એક ક્રિકેટર અને એક માનવી તરીકે ઘડ્યો છે. હું મારા ઉતાર-ચડાવમાં મારી સાથે મજબૂતીથી ઉભા રહેવા બદલ મારા પરિવારનો આભાર માનું છું. આ યાત્રાને આટલી વિશેષ બનાવવા બદલ મારા મિત્રો અને માર્ગદર્શકોનો આભાર.
અમિત મિશ્રાએ અંતમાં કહ્યું રે જ્યારે હું આ પ્રકરણ પૂરું કરું છું, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતા અને પ્રેમથી ભરાઈ જાય છે. ક્રિકેટે મને બધું જ આપ્યું છે અને હવે હું તે રમતને કંઈક પાછું આપવા માટે ઉત્સુક છું જેણે મને બનાવ્યો છે.
IPLમાં 4 ટીમ તરફથી રમ્યો હતો
24 નવેમ્બર 1982ના રોજ દિલ્હીમાં જન્મેલા અમિત મિશ્રા આઈપીએલમાં ચાર ટીમો (દિલ્હી કેપિટલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ) તરફથી રમ્યો હતો. તે બે ટીમોનો ભાગ રહેતા ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યો હતો.