AUS vs ENG Ashes 2025-26 : એશિઝ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ ઈતિહાસની એક જૂની અને રોમાંચક શ્રેણીનું નામ છે. આ શ્રેણી 1882-83 એટલે કે લગભગ 133 વર્ષ પહેલા શરૂ થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 73 વખત તેનું આયોજન કરવામાં આવ્યું છે અને 74મી એશિઝ શ્રેણી 21 નવેમ્બર 2025થી શરૂ થવા જઈ રહી છે. આગામી શ્રેણીમાં પાંચ ટેસ્ટ મેચ રમાશે અને તે 7 જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે.
બેન સ્ટોક્સ એશિઝ 2025-26 માટે ઈંગ્લેન્ડની કમાન સંભાળવા માટે તૈયાર છે. જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમનો નિયમિત કેપ્ટન પેટ કમિન્સ ઈજાથી પરેશાન છે અને તેની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ હાલ ટીમની કમાન સંભાળતો જોવા મળશે. એશિઝ પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટથી શરુ થશે. ઈંગ્લેન્ડ 2015 બાદ આ શ્રેણી જીતી શક્યું નથી.
એશિઝ 2025-26 નો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટ: 21-25 નવેમ્બર, પર્થ
- બીજી ટેસ્ટ: 4-8 ડિસેમ્બર, બ્રિસ્બેન
- ત્રીજી ટેસ્ટ: 17-21 ડિસેમ્બર, એડિલેડ
- ચોથી ટેસ્ટ: 25-29 ડિસેમ્બર, મેલબોર્ન
- પાંચમી ટેસ્ટ: 3-7 જાન્યુઆરી, સિડની
ઓસ્ટ્રેલિયા કે ઇંગ્લેન્ડ કઇ ટીમ છે મજબૂત?
એશિઝ સિરિઝના ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 133 વર્ષમાં આ સિરિઝનું આયોજન 73 વખત થઈ ચૂક્યું છે. જેમાંથી ઓસ્ટ્રેલિયા 34 વખત જીત્યું છે, જ્યારે ઇંગ્લેન્ડ 32 વખત જીત્યું છે. જ્યારે શ્રેણી સાત વખત ડ્રોમાં પરિણમી છે, ત્યારે ઓસ્ટ્રેલિયાએ છ વખત શ્રેણી રિટેન કરી છે. તમને જણાવી દઈએ કે શ્રેણી ડ્રો થાય ત્યારે પાછલી શ્રેણી જીતનારી ટીમ તેને જાળવી રાખે છે. જેમ ઓસ્ટ્રેલિયાએ 2017 અને 2021માં એશિઝ જીતી હતી. જ્યારે 2019 અને 2023માં શ્રેણી ડ્રોમાં પરિણમી હતી. તેથી 2019 અને 2023 માં ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી જાળવી રાખી હતી.
આ પણ વાંચો – ‘ગૌતમ ગંભીર ઉલટા-સીધા નિર્ણય કરે છે, આ ખેલાડીની કારકિર્દી બર્બાદ કરી દીધી’
આ ઉપરાંત એશિઝના ઈતિહાસમાં અત્યાર સુધીમાં કુલ 345 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી 142 મેચ ઓસ્ટ્રેલિયાનો વિજય થયો છે અને 110 મેચમાં ઈંગ્લેન્ડનો વિજય થયો છે. એશિઝમાં 93 મેચ ડ્રોમાં પરિણમી છે. એટલે કે આ રેકોર્ડને જોતા તાજેતરના દેખાવની દ્રષ્ટિએ પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટ છે. પણ હાલની ટીમ પર નજર નાખીએ તો નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીને કારણે ઓસ્ટ્રેલિયન ટીમ થોડી નબળી દેખાઈ રહી છે. બીજી તરફ ઈંગ્લેન્ડે મજબુત ટીમની પસંદગી કરી છે.
એશિઝ 2025 માટે બન્ને દેશોની ટીમ
ઓસ્ટ્રેલિયાની ટીમ : સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, બ્યુ વેબસ્ટર, માર્નસ લાબુશેન, કેમરૂન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ, ટ્રેવિસ હેડ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયન, સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, જોશ હેઝલવુડ, બ્રેન્ડન ડોગેટ, જેક વેધરલેન્ડ.
ઇંગ્લેન્ડની ટીમ : બેન સ્ટોક્સ (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સે, ઝેક ક્રોલી, બેન ડકેટ, વિલ જેક્સ, ઓલી પોપ, મેથ્યુ પોટ્સ, જો રૂટ, જેમી સ્મિથ (વિકેટકીપર), જોશ ટંગ, માર્ક વુડ.





