આશુતોષ શર્મા કોણ છે? જેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે તોફાની ઇનિંગ રમી મેચનું પરિણામ બદલી લીધું. આશુતોષ શર્માની અર્ધ શતકીય ઇનિંગથી દિલ્હી કેપિટલ્સ એ લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક વિકેટથી જીત મેળવી. એક તબક્કે એલએસજી જીતની નજીક હતું, પરંતુ આશુતોષ શર્માએ બાજી પલટી.
દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન આશુતોષ શર્માએ ફરી એકવાર આઈપીએલમાં પોતાની તાકાત બતાવી. આશુતોષ આ અગાઉ આઈપીએલમાં ગત વર્ષે આવી જ એક ઇનિંગ રમ્યો હતો. સોમવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે 31 બોલમાં 5 ફોર અને 6 સિક્સ સાથે 66 રન ફટકારી લખનૌ સુપર જાયન્ટ્સના હાથમાંથી જીત છીનવી લીધી.
આશુતોષ શર્માએ દિલ્હીને જીત અપાવી
આઈપીએલ 2025 સિઝનમાં સોમવારે દિલ્હી કેપિટલ્સ વિ લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે પહેલી મેચ રમાઇ હતી. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી આ મેચમાં ટોસ હારી એલએસજી પહેલા બેટીંગ કરવા મેદાનમાં ઉતરી હતી. LSG એ શાનદાર શરુઆત કરી હતી. પરંતુ છેલ્લી ઓવરોમાં મેચ ધીમી પડતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 209 બનાવ્યા હતા.
જવાબમાં દિલ્હીની શરુઆત ખરાબ રહી હતી. પહેલી ઓવરમાં જ 2 વિકેટ પડી ગઇ હતી. લક્ષ્યનો પીછો કરતાં દિલ્હીએ 65 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ઇમ્પેક્ટ પ્લેયર આશુતોષ શર્મા અને વિપરાજ નિગમે બાજી સંભાળી હતી. બંનેની ધૂંઆધાર બેટીંગથી દિલ્હી કેપિટલ્સ એક વિકેટથી મેચ જીત્યું. આશુતોષ ફરી એકવાર છવાયો.
આશુતોષ શર્મા કોણ છે?
આશુતોષ શર્મા એક ભારતીય ક્રિકેટર છે. જેનો જન્મ 15 સપ્ટેમ્બર 1998 માં થયો હતો. તે મધ્ય પ્રદેશના રતલામનો વતની છે. પરંતુ તે રેલવે તરફથી રણજી મેચ રમે છે. તે મધ્ય પ્રદેશ રણજી ટીમ સામે પણ રમી ચૂક્યો છે.
આશુતોષ શર્મા IPL ડેબ્યૂ
આશુતોષ શર્મા આઈપીએલ 2024 સિઝન પંજાબ તરફથી રમ્યો હતો. ગત વર્ષે તેનું આઈપીએલ ડેબ્યૂ થયું હતું. તે પહેલી મેચ 4 એપ્રિલ 2024 ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે રમ્યો હતો. પંજાબની ટીમે આશુતોષને બેઇઝ પ્રાઇઝ મની સાથે ખરીદ્યો હતો.
વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન
આશુતોષ શર્મા વિસ્ફોટક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. IPL 2024 માં પંજાબ કિંગ્સ માટે પ્રભાવશાળી કેમિયો સાથે પોતાનું નામ બનાવ્યું. 11 મેચોમાં તેણે 167.25 ના પ્રભાવશાળી સ્ટ્રાઇક રેટથી 189 રન બનાવ્યા હતા. 2023 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન માત્ર 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
આશુતોષ શર્મા IPL કરિયર
આશુતોષ શર્મા આઈપીએલ 2024 સિઝનમાં પંજાબ કિંગ્સનો હિસ્સો હતો. એ વખતે તે 11 મેચ રમ્યો હતો. જેમાં હાઇએસ્ટ 61 રન, 167.26 સ્ટ્રાઇક રેટ, એક અર્ધ સદી, 10 ફોર અને 15 સિક્સ સાથે કૂલ 189 રન બનાવ્યા હતા. આઇપીએલ 2025 સિઝનમાં દિલ્હી કેપિટલ્સે TATA IPL 2025 ની હરાજીમાં 3.8 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો. પહેલી મેચમાં તેણે 212.90 સ્ટ્રાઇક રેટ, 5 ફોર અને 5 સિક્સ સાથે 66 રન બનાવ્યા છે.





