Asia Cup 2023 : પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપ 2023ની પ્રથમ મેચમાં નેપાળની ટીમને 238 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાદાબ ખાને આ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં શાદાબ પોતાની ટીમ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. હવે પાકિસ્તાનની ટીમને આગામી મેચ ભારત સામે રમવાની છે અને નેપાળ સામે આટલી મોટી જીત મેળવ્યા બાદ પાકિસ્તાનની ટીમ ઘણી ઉત્સાહમાં છે.
પાકિસ્તાનની ટીમ હાલ વન-ડે ફોર્મેટમાં નંબર વન છે અને ભૂતકાળમાં પણ તેનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું છે તેમાં કોઈ શંકા નથી. પરંતુ ટીમ ઈન્ડિયા પણ ઓછી નથી અને આ ટીમમાં પણ વર્લ્ડ ક્લાસ બેટ્સમેનોની કમી નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેન પોતાના દમ પર મેચ પલટી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે તેઓ ક્રીઝ પર ઉભા રહે. હવે નેપાળ સામે હવે સૌથી વધુ વિકેટ લેનાર શાદાબ ખાને ભારત સામેની મેચ પહેલા વિરાટ કોહલીને લઇને મોટું નિવેદન આપ્યું હતું અને પોતાની ટીમને આ ખેલાડીથી સાવધાન રહેવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો – ટીમ ઇન્ડિયા પલ્લીકેલમાં ક્યારેય હાર્યું નથી, પાકિસ્તાન 11 વર્ષથી આ મેદાન પર જીત્યું નથી
સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા શાદાબ ખાને કહ્યું હતું કે વિરાટ કોહલીની સુંદરતા એ છે કે તે કોઇ પણ ટીમ સામે કોઇ પણ પરિસ્થિતિમાં મેચ જીતી છે. ટી-20 વર્લ્ડ કપ 2022માં તે જે રીતે પાકિસ્તાન સામે રમ્યો તે અવિશ્વસનીય હતું. મને નથી લાગતું કે દુનિયાનો અન્ય કોઈ ખેલાડી આવું કરી શકે. તેણે જે રીતે પાકિસ્તાનના હાથમાંથી મેચ આંચકી લીધી અને ભારતને મેચ જીતાડી હતી. તેની જેટલી પ્રશંસા થાય તેટલી ઓછી છે. શાદાબ ખાને ઈશારા-ઇશારાઓમાં પોતાની ટીમ માટે વોર્નિંગ જારી કરી છે.
શાદાબ ખાને કહ્યું કે તે ચોક્કસપણે વિશ્વ સ્તરીય ખેલાડી છે અને તેનો સામનો કરવા માટે તમારે ઘણી યોજનાઓ બનાવવી પડશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી માઇન્ડ ગેમ્સ હોય છે કારણ કે તમારામાં ચોક્કસપણે એ લેવલ સુધી પહોંચવાની આવડત છે. મેચનું પરિણામ એ વાત પર પણ નિર્ભર કરે છે કે મેચ દરમિયાનની પરિસ્થિતિ અનુસાર બોલર અને બેટ્સમેન એક બીજાના મનને કેવી રીતે વાંચે છે.





