એશિયા કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનશે રવિન્દ્ર જાડેજા? મુથૈયા મુરલીધરનથી કેટલો છે પાછળ

Asia Cup 2023 : એશિયા કપ 30 ઓગસ્ટથી વનડે ફોર્મેટમાં રમાશે, એશિયા કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના નામે છે

Written by Ashish Goyal
Updated : August 27, 2023 15:22 IST
એશિયા કપમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનશે રવિન્દ્ર જાડેજા? મુથૈયા મુરલીધરનથી કેટલો છે પાછળ
રવિન્દ્ર જાડેજાની નજર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનવા પર રહેશે (તસવીર - રવિન્દ્ર જાડેજા ટ્વિટર)

Asia Cup 2023 : એશિયા કપ 2023 30 ઓગસ્ટથી વનડે ફોર્મેટમાં રમાશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની નજર ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર બોલર બનવા પર રહેશે. એશિયા કપ વન ડે ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે.

એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન અને નેપાળ સાથે ગ્રુપ-એ માં સ્થાન આપવામાં આવ્યું છે. ગ્રુપની ટોચની બે ટીમો સુપર-4માં પ્રવેશ મેળવશે. સુપર-4માં દરેક ટીમ એકબીજા સામે આમને-સામને ટકરાશે. ટોચની બે ટીમો ફાઇનલમાં પહોંચશે. જો ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચશે તો 5 મેચ અને ફાઈનલમાં પહોંચશે તો 6 મેચ રમશે. આવી સ્થિતિમાં રવિન્દ્ર જાડેજા આરામથી 12-13 વિકેટ ઝડપી શકે છે.

ઇરફાન પઠાણ સૌથી વધારે વિકેટ ઝડપનાર ભારતીય બોલર

એશિયા કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના નામે છે. તેણે 12 મેચમાં 22 વિકેટ ઝડપી છે. રવિન્દ્ર જાડેજા બીજા નંબર પર છે. તેણે 14 મેચમાં 19 વિકેટ ઝડપી છે. લેફ્ટ આર્મ સ્પિનર 4 વિકેટ ઝડપવાની સાથે જ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની જશે.

આ પણ વાંચો – એશિયા કપ : પાકિસાન સામે ટકરાવવા વિરાટ કોહલી તૈયાર, 17.2 પોઇન્ટ સાથે પાસ કર્યો યો યો ટેસ્ટ

રવિન્દ્ર જાડેજા હાલ 9માં નંબર પર છે

એશિયા કપમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે રવિન્દ્ર જાડેજા હાલમાં 9માં નંબર પર છે. જોકે તેના ઉપર રહેલા આઠ બોલરોમાંથી એક પણ બોલર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહ્યા નથી. મુરલીધરને સૌથી વધારે 24 મેચમાં 30 વિકેટ ઝડપી છે. લસિથ મલિંગાએ 14 મેચમાં 29 વિકેટ ઝડપી છે. અજંથા મેન્ડિસે માત્ર 8 મેચમાં26 વિકેટ ઝડપી છે. જાડેજાને મુરલીધરનનો રેકોર્ડ તોડવા માટે 12 વિકેટની જરૂર છે.

રવિન્દ્ર જાડેજા કરતા વધુ વિકેટ લેનારા બોલરો

પાકિસ્તાનના સ્પિનર સઇદ અજમલે 12 મેચમાં 25 વિકેટ ઝડપી છે. ચામિન્ડા વાસે 19 મેચમાં 23 વિકેટ ઝડપી છે. ઇરફાન પઠાણે 12 મેચમાં 22 વિકેટ ઝડપી છે. સનથ જયસૂર્યાએ 25 મેચમાં 22 વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશના સ્પિનર અબ્દુર રઝાકે 18 મેચમાં 22 વિકેટ ઝડપી છે. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન અને રવિન્દ્ર જાડેજા બરાબરી પર છે. તેણે 13 મેચમાં 19 વિકેટ ઝડપી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ