asia cup 2023 schedule : ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુપ્રતીક્ષિત એશિયા કપ 2023ની મેચ શ્રીલંકામાં યોજાશે કારણ કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે નહીં. આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે બુધવારે આ વાતની પૃષ્ટી કરી છે. અરુણ ધુમલ આઈસીસીના મુખ્ય કાર્યકારી અધિકારીઓની બેઠકમાં ભાગ લેવા માટે ડરબનમાં છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) ના સચિવ જય શાહ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના વડા ઝકા અશરફે કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા માટે ગુરુવારના રોજ યોજાનારી આઇસીસી બોર્ડની બેઠક પહેલા બેઠક યોજી હતી. ધુમલે ડરબનથી પીટીઆઈને જણાવ્યું હતું કે અમારા સેક્રેટરી (જય શાહ) પીસીબીના અધ્યક્ષ જકા અશરફને મળ્યા હતા અને એશિયા કપના કાર્યક્રમને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. જેમ પહેલા જ ચર્ચા કરવામાં આવી હતી, આ આગળ વધી ગઇ છે.
પાકિસ્તાનમાં લીગ સ્ટેજની 4 મેચ રમાશે
એશિયા કપ 2023 ના સમયપત્રક મુજબ પાકિસ્તાનમાં ચાર લીગ મેચ રમાશે. આ પછી શ્રીલંકામાં 9 મેચ રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બંને મેચ સામેલ હશે. જો બંને ટીમો ફાઈનલ રમશે તો ત્રીજી મેચ પણ શ્રીલંકામાં રમાશે.
આ પણ વાંચો – ભારતીય ટીમને આગામી પાંચ મહિના સુધી શ્વાસ લેવાનો પણ સમય નહીં! જાણો નવેમ્બર 2023 સુધીનો ટીમ ઇન્ડિયાનો કાર્યક્રમ
આઈપીએલના અધ્યક્ષે પાકિસ્તાની મીડિયાના અહેવાલોને ફગાવી દીધા
ધુમલે પાકિસ્તાની મીડિયામાં આવેલા એ અહેવાલોને નકારી કાઢ્યા હતા કે ભારત પડોશી દેશની મુલાકાત લેશે, જેવો કે તેમના સ્પોર્ટ્સ મંત્રી એહસાન મઝારીએ દાવો કર્યો હતો. અરુણ ધુમલે કહ્યું કે આવી કોઈ ચર્ચા થઈ નથી. અહેવાલોથી વિપરીત ના તો ભારત પાકિસ્તાનની યાત્રા કરશે કે ન તો અમારા સચિવ એટલે કે જય શાહ પડોશી દેશની મુલાકાત લેશે. માત્ર કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
દામ્બુલામાં 3 વખત પાકિસ્તાન સામે રમી શકે છે ભારત
એશિયા કપની 2010ની આવૃત્તિની જેમ જ ભારત શ્રીલંકાના દામ્બુલામાં પાકિસ્તાન સામે મેચ રમશે તેવી પૂરેપૂરી શક્યતા છે. પાકિસ્તાન તેમના દેશમાં એકમાત્ર ઘરઆંગણે મુકાબલો પ્રમાણમાં નબળી નેપાળની ટીમ સામે રમશે. અન્ય ત્રણ મેચ અફઘાનિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા અને શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન છે.
એશિયા કપ 2023 વન-ડે ફોર્મેટમાં રમાશે
એશિયા કપ 2023 વન ડે ફોર્મેટમાં રમાવાનો છે. ગયા વર્ષે તે ટી -20 ફોર્મેટમાં યોજાયો હતો. છેલ્લે જ્યારે એશિયા કપ વન ડે ફોર્મેટમાં રમાયો હતો ત્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ (2018માં) ચેમ્પિયન બની હતી.





