Asia Cup 2023 schedule: એશિયા કપ 2023નો કાર્યક્રમ બુધવારના રોજ જાહેર કરવામાં આવ્યો છે. 30 ઓગસ્ટથી શરૂ થનારી આ ટૂર્નામેન્ટ 19 દિવસ સુધી ચાલશે. ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પ્રમાણે યોજાશે. 4 મેચ પાકિસ્તાનમાં અને 9 મેચ શ્રીલંકામાં રમાશે. લીગ સ્ટેજ, સુપર 4 અને ફાઇનલ સહિત કુલ 13 મેચ રમાશે. છ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ-એ માં ભારત, પાકિસ્તાન અને નેપાળનો સમાવેશ થાય છે. ગ્રુપ બી માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરે મુકાબલો
ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં યોજાશે. જો બંને ટીમો આગળના સ્ટેજમાં પહોંચી જશે તો 10 સપ્ટેમ્બરે આ જ મેદાન પર આમને-સામને થશે. જો બન્ને ટીમો ફાઈનલમાં પહોંચશે તો ત્રીજી વખત ટકરાશે. આમ બંને ટીમો 15 દિવસમાં ત્રણ-ત્રણ વખત ટકરાઇ શકે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ 30 ઓગસ્ટે મુલ્તાનમાં યજમાન પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. 4 સપ્ટેમ્બરે નેપાળ અને ભારત ટકરાશે. આ મેચ પણ કેન્ડીમાં યોજાશે.
આ ટૂર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં હશે
બંને ગ્રુપની 2-2 ટીમો સુપર-4માં પ્રવેશ મેળવશે. ફાઈનલ સુપર-4ની ટોપ 2 ટીમો વચ્ચે રમાશે. વન-ડે વર્લ્ડકપ 2023ને ધ્યાનમાં રાખીને એશિયા કપ વન-ડે ફોર્મેટમાં યોજાશે. વર્ષ 2022માં તેનું આયોજન ટી-20 ફોર્મેટમાં કરવામાં આવ્યું હતું. જેમાં શ્રીલંકાનો વિજય થયો હતો. છેલ્લે 2018માં વન ડે ફોર્મેટમાં ટૂર્નામેન્ટનું આયોજન થયું હતુ. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બની હતી.
પાકિસ્તાનમાં 3 ગ્રુપ સ્ટેજ અને એક સુપર-4 મેચ રમાશે
જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ગ્રુપ સ્ટેજની 3 મેચ અને સુપર 4ની પહેલી મેચ થશે. ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે જશે નહીં. આવામાં સુપર 4 માં પાકિસ્તાન એ – 1 અને ભારત એ-2 રહેશે. જ્યારે શ્રીલંકા બી 1 અને બાંગ્લાદેશ બી 2 રહેશે. જો નેપાળ અને અફઘાનિસ્તાન સુપર 4માં પહોંચશે તો તેઓ જે ટીમ બહાર જશે તેના સ્થાને આવશે.