Asia Cup 2025 Final Scenario : એશિયા કપ 2025 ધીમે ધીમે ફાઈનલ રાઉન્ડ તરફ આગળ વધી રહ્યો છે અને ફાઈનલ માટેની રેસ રસપ્રદ બની રહી છે. ભારતીય ટીમ સૌથી મજબૂત સ્થિતિમાં છે. શ્રીલંકાને હરાવ્યા બાદ પાકિસ્તાન સુપર-4 પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે. બાંગ્લાદેશની સ્થિતિ પણ વધુ મજબુત છે. સતત 2 મેચ હાર્યા બાદ શ્રીલંકા ફાઈનલ માટેની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે. તેની આશા બાંગ્લાદેશની જીત પર ટકેલી છે. સુપર-4 માં ભારત-બાંગ્લાદેશ, પાકિસ્તાન-બાંગ્લાદેશ અને ભારત-શ્રીલંકા મેચ બાકી છે. ફાઇનલ 28 સપ્ટેમ્બરે યોજાશે.
એશિયા કપ 2025ની ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ
- ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશના 2-2 પોઈન્ટ છે. ભારત અને બાંગ્લાદેશ બન્ને 1-1થી મેચ રમ્યા છે. બંને ટીમોને 6-6 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. પાકિસ્તાન માત્ર 4 પોઈન્ટ સુધી પહોંચી શકે છે.
- જો બુધવારે ભારત બાંગ્લાદેશને હરાવશે તો શ્રીલંકા સત્તાવાર રીતે ફાઈનલની રેસમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે 25મી સપ્ટેમ્બરે રમાનારી મેચ નોકઆઉટ જેવી રહેશે. આ મેચમાં જીતનાર ટીમ ફાઈનલમાં ભારતનો મુકાબલો કરશે.
આ પણ વાંચો – અભિષેક શર્મા બન્યો સિક્સનો શહેનશાહ, ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
- શ્રીલંકાએ આશા રાખવી પડશે કે બાંગ્લાદેશ તેની બાકીની બે મેચ જીતી લે. આ સિવાય શ્રીલંકાએ ભારત સામે મોટા અંતરથી જીતવું પડશે. નેટ રનરેટની દ્રષ્ટિએ ભારત અને પાકિસ્તાનને પાછળ છોડી દેવા માટે આ અંતર ઘણું મોટું હોવું જોઈએ.
- જો ભારત બાંગ્લાદેશ સામે હારે, શ્રીલંકાને હરાવે અને પાકિસ્તાન તેની છેલ્લી સુપર 4 મેચ જીતે તો શું થશે? આવી સ્થિતિમાં ભારત, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના 4-4 પોઇન્ટ થશે. જેમાં સારી રનરેટ ધરાવતી બે ટીમો ફાઈનલ રમશે.





