Asia Cup 2025 Final : એશિયા કપ 2025માં ભારતીય ટીમ ચેમ્પિયન બની છે. રવિવારે રમાયેલી ફાઇનલમાં ભારતે પાકિસ્તાન સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ મેચ ઘણી રોમાંચક અને ઉતાર ચડાવ ભરી રહી હતી.
બીસીસીઆઈ શેર કરેલા વીડિયોમાં શું છે
ફાઇનલની અંતિમ ઓવરમાં ડ્રેસિંગ રુમમાં કેવો માહોલ હતો તેનો બીસીસીઆઈએ વીડિયો શેર કર્યો છે. જેમાં તિલક વર્મા જ્યારે સિક્સર ફટકારે છે ત્યારે ભારતીય ટીમના કોચ ગૌતમ ગંભીર ખૂબ જ આક્રમક બની જાય છે. આ પછી જીત બાદ ખેલાડીઓ ઉજવણી કરતા જોવા મળે છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાથમાં ટ્રોફી હોય તેવો ડ્રામા કરે છે અને ઉજવણી કરે છે.
તિલક વર્માની શાનદાર ઇનિંગ્સ
એશિયા કપની ફાઇનલમાં તિલક વર્માએ શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 53 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 69 રન બનાવ્યા હત. તેની ઇનિંગ ભારતને આવનારા વર્ષો સુધી યાદ રહેશે. ભારતે 10 રને 2 વિકેટ ગુમાવી હતી ત્યારે તિલક મેદાનમાં આવ્યો હતો અને અંત સુધી રહીને ટીમને જીત અપાવી હતી. આ સાથે ટીમ ઇન્ડિયા 9મી વખત એશિયા કપનું ચેમ્પિયન બની છે.
આ પણ વાંચો – શું ચેમ્પિયનના બદલે અન્ય કોઇ રાખી શકે છે એશિયા કપ ટ્રોફી? જાણો શું કહે છે નિયમ
ભારતે મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારી નહીં
એશિયા કપમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી હોવા છતાં ડિફેન્ડિંગ ચેમ્પિયનને ટ્રોફી વિના ઉજવણી કરવી પડી હતી. કારણ એ હતું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ મોહસીન નકવીના હાથેથી ભારતીય ટીમે ટ્રોફી સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. ત્યારે તેઓ ટ્રોફી અને મેડલ પોતાની સાથે તેમની હોટલમાં લઈ ગયા હતા.





