Asia Cup 2025: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા સુપર 4 ના મુકાબલામાં હારિસ રઉફના વર્તન અને પાકિસ્તાનના ઓપનર સાહિબજાદા ફરહાનની ગન શોટની ઉજવણી અંગે બીસીસીઆઇએ આઇસીસીને ફરિયાદ કરી હતી. આ અંગે આઇસીસીએ બંને ખેલાડીઓ પર કાર્યવાહી કરી હતી.
હારિસ રઉફને દંડ ફટકારવામાં આવ્યો
આ ફરિયાદ બાદ આઇસીસીએ આ મામલાની સુનાવણીની જવાબદારી મેચ રેફરી રિચી રિચાર્ડસનને સોંપી હતી. રિચીએ આ મામલો સાંભળ્યો હતો અને ત્યાર બાદ આક્રમક વર્તન બદલ રઉફને તેની મેચ ફીની 30 ટકા રકમનો દંડ ફટકાર્યો હતો. જ્યારે તેના સાથી ખેલાડી ફરહાનને અડધી સદી પુરી કર્યા બાદ બંદૂક જેવી મુદ્રામાં ખુલ્લેઆમ ઉજવણી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો નથી, તેને માત્ર ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો હતો.
ફરહાનને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો
એક સૂત્રએ પીટીઆઈને જણાવ્યું હતું કે મેચ રેફરી રિચી રિચર્ડસને શુક્રવારે બપોરે ટીમ હોટલમાં સુનાવણી પૂર્ણ કરી હતી. રઉફને આક્રમક વર્તન બદલ તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને ફરહાનને ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હારિસ રઉફ અને ફરહાને અગાઉ ભારત સામેની મેચ દરમિયાન કથિત રીતે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ માટે આઇસીસીની સુનાવણીમાં દોષિત ઠેરવવાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલમાં ઇતિહાસ સર્જાશે, પ્રથમ વખત આવું બનશે
મેચ રેફરી રિચી રિચર્ડસને પાકિસ્તાન ટીમની હોટલમાં સુનાવણી કરી હતી. બંને ખેલાડીઓ લેખિત જવાબો સાથે તેમની સમક્ષ રૂબરૂ પણ હાજર થયા હતા. તેની સાથે ટીમ મેનેજર નદીદ અકરમ ચીમા પણ હતા. બીસીસીઆઇએ બુધવારે ઔપચારિક ફરિયાદમાં આ બંને પર ઉશ્કેરણીજનક ઇશારો કરવાનો આરોપ લગાવ્યો હતો. રવિવારે રમાનારી આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં બંને ટીમો આમને-સામને ટકરાશે.





