એશિયા કપ 2025 : પાકિસ્તાન ડ્રામા કરીને ફસાયું, ICC કાર્યવાહી કરવાની તૈયારીમાં

Asia Cup 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ એશિયા કપ 2025 માં બુધવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેની મેચ પહેલા રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવા અંગે ઘણા ડ્રામા કર્યા હતા. જેના કારણે તે મુશ્કેલીમાં ફસાઇ શકે છે

Written by Ashish Goyal
September 19, 2025 14:39 IST
એશિયા કપ 2025 : પાકિસ્તાન ડ્રામા કરીને ફસાયું, ICC કાર્યવાહી કરવાની તૈયારીમાં
પાકિસ્તાન ક્રિકેટ ટીમ (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup 2025 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ એશિયા કપ 2025 માં બુધવારે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) સામેની મેચ પહેલા રેફરી એન્ડી પાયક્રોફ્ટને હટાવવા અંગે ઘણા ડ્રામા કર્યા હતા. જેના કારણે મેચ 1 કલાક મોડી શરૂ થઈ હતી. પાકિસ્તાન આ મેચ જીતીને સુપર-4માં પહોંચ્યું હતું, પરંતુ હવે તે મોટી મુશ્કેલીમાં મુકાયું છે. એશિયા કપમાં યુએઈ સામેની મેચ અગાઉ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

આઇસીસીએ મેચ અંગે પીસીબીને એક ઇમેઇલ મોકલ્યો છે. જેમાં પ્લેયર એન્ડ મેચ ઓફિસિઅલ્સ એરિયા (પીએમઓએ) સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘન અંગે માહિતી આપવામાં આવી છે. આઈસીસીના સીઈઓ સંજોગ ગુપ્તાએ પીસીબીને પત્ર લખ્યો છે કે બોર્ડ મેચના દિવસે પીએમઓએના નિયમોના અનેક ઉલ્લંઘન માટે દોષી છે. પીસીબીને ઇમેઇલ મળ્યો છે.

પાયક્રોફ્ટના વીડિયો સાથે જોડાયેલો કેસ

પીટીઆઈના જણાવ્યા અનુસાર વારંવાર ચેતવણી આપવા છતાં પાકિસ્તાને મીડિયા મેનેજર નઈમ ગિલાનીને ટોસ પહેલા પાયક્રોફ્ટ, હેડ કોચ માઈક હેસન અને કેપ્ટન સલમાન અલી આગા વચ્ચેની મીટિંગનો વીડિયો બનાવવાની મંજૂરી આપીને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતુ. આઇસીસીએ સ્પષ્ટ કરી દીધું હતું કે મીડિયા મેનેજરોને આવી મિટિંગમાં હાજરી આપવાની મંજૂરી નથી.

શું કેસ છે

ભારત સામેની મેચમાં હાથ ન મિલાવવાની ઘટના માટે પાયક્રોફ્ટને જવાબદાર ઠેરવતા પાકિસ્તાનની ટીમે યુએઈ સામેની મેચના દિવસે હોટલ છોડવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કારણે બુધવારની મેચ એક કલાક મોડી શરૂ થઈ હતી. પીસીબીએ આરોપ લગાવ્યો હતો કે પાયક્રોફ્ટે રવિવારે ટોસ દરમિયાન સલમાનને ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે હાથ મિલાવતા અટકાવ્યો હતો. આઇસીસીએ પીસીબી સાથે સહમતિ સાધી છે કે ભારત સામેની મેચ સાથે સંબંધિત મામલાને ઉકેલવામાં મદદ મળી શકે તે માટે પાયક્રોફ્ટ બુધવારની મેચના ટોસ પહેલા ટીમના કેપ્ટન અને મેનેજરને મળશે.

આ પણ વાંચો – કોણ છે સિમરનજીત સિંહ? 3 વિકેટ ઝડપી પાકિસ્તાનને કમર તોડી, શુભમન ગિલ સાથે છે ખાસ કનેક્શન

નઈમને રોકવા પર મેચ નહીં રમવાની ધમકી

ટૂર્નામેન્ટના સૂત્રએ કહ્યું કે ટોસ સમયે સર્જાયેલી ગેરસમજને દૂર કરવાનો હેતુ હતો. પીસીબી તેના મીડિયા મેનેજરને બેઠકમાં લાવ્યું હતું અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વાતચીત દરમિયાન હાજર રહેશે. આઇસીસીના એન્ટી કરપ્શન મેનેજરે નઈમને પ્રવેશ આપવાની ના પાડી દીધી હતી કારણ કે તે પોતાનો મોબાઈલ ફોન પીએમઓએમાં લઈ જવા માગતો હતો. સૂત્રે કહ્યું કે તે સમયે પીસીબીએ ધમકી આપી હતી કે જો મીડિયા મેનેજરને પરવાનગી નહીં આપવામાં આવે તો તે મેચમાંથી ખસી જશે. પછી વાતચીતમાં ઓડિયો વિના રેકોર્ડિંગ કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો હતો, જે પીએમઓએના નિયમોનું બીજું ઉલ્લંઘન હતું.

વીડિયો વિવાદનું મૂળ બન્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર આઈસીસીએ રમત, ટૂર્નામેન્ટ અને સંબંધિત હિતોના હિતમાં પીસીબીની માંગને સ્વીકારી લીધી છે. જોકે આને કારણે પીએમઓએની ઉપેક્ષા કરવામાં આવી હતી, જ્યાં બેઠક યોજાઈ હતી. આઇસીસીને એ પણ જણાવવામાં આવ્યું ન હતું કે પીસીબીએ ઉતારેલા ફૂટેજનો ઉપયોગ કેવી રીતે કરવાની યોજના ધરાવે છે. આ શોર્ટ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બેઠક દરમિયાન શું ચર્ચા થઈ હોત તે અંગે ઘણી અટકળો ચાલી રહી છે.

આઈસીસીએ પીસીબીના દાવા સામે વાંધો ઉઠાવ્યો

આઇસીસીએ પીસીબીની મીડિયા રિલીઝ સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાયક્રોફ્ટે માફી માંગી હતી, જ્યારે હકીકતમાં તેણે માત્ર ગેરસમજ પર દિલગીરી વ્યક્ત કરી હતી. પીસીબીના મીડિયા મેનેજર નઈમને પીએમઓએની અંદર આગામી બેઠકમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી ન હતી, જ્યાં વીડિયે બનાવવા પર પ્રતિબંધ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ