એશિયા કપ : શુભમન ગિલની પસંદગી પણ હતી મુશ્કેલ, પછી કેવી રીતે મળ્યું ટીમમાં વાઇસ કેપ્ટનનું પદ

Asia Cup 2025 : અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 2025માં પહેલી વખત ટી-20 ટીમમાં શુભમન ગિલની પસંદગી કરી હતી. તેને અક્ષર પટેલના સ્થાને વાઇસ કેપ્ટન બનાવ્યો

Written by Ashish Goyal
August 20, 2025 14:57 IST
એશિયા કપ : શુભમન ગિલની પસંદગી પણ હતી મુશ્કેલ, પછી કેવી રીતે મળ્યું ટીમમાં વાઇસ કેપ્ટનનું પદ
ભારતીય ક્રિકેટ ટીમનો કોચ ગૌતમ ગંભીર અને ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ (તસવીર - સોશિયલ મીડિયા)

Asia Cup 2025 India Team: સૂર્યકુમાર યાદવ એક મહિના કરતા પણ ઓછા સમયમાં 35 વર્ષનો થવા જઈ રહ્યો છે. આ કારણે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલનું ભાગ્ય ચમક્યું હતું. ભારતીય ટીમ મેનેજમેન્ટ ટી-20માં એવો કેપ્ટન ઇચ્છે છે જે લાંબા સમય સુધી સેવા આપે. આ જ કારણ છે કે એશિયા કપ માટે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાં ઉપ-કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી કરવામાં આવી હતી.

મંગળવારની પસંદગી બેઠકમાં આ જ મુદ્દા પર ઘણી ચર્ચા થઈ હતી. ઓનલાઈન જોડાયેલા હેડ કોચ ગૌતમ ગંભીરને પણ લાગ્યું હતુ કે ભારતે ભવિષ્ય માટે કોઈને તૈયાર કરવાની જરુર છે. આવતા મહિને 26 વર્ષનો થનારા ગિલ સૌથી યોગ્ય ઉમેદવાર છે. આ પછી અક્ષર પટેલનું વાઈસ કેપ્ટન પદ જતું રહ્યું હતું. 15 ખેલાડીઓની ટીમમાં યશસ્વી જયસ્વાલની પસંદગી કરવામાં આવી ન હતી.

શુભમન ગિલની 2025માં પ્રથમ વખત ટી-20 ટીમમાં પસંદગી

અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 2025માં પહેલી વખત ટી-20 ટીમમાં શુભમન ગિલની પસંદગી કરી હતી. સૂર્ય કુમાર યાદવ અને અગરકર બંનેએ સ્પષ્ટ કર્યું હતું કે ગિલ હંમેશાં ભારતીય ટી 20 ટીમ માટે પ્રથમ પસંદગી હતી.

શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે ઘરેલુ ટી -20 શ્રેણી રમ્યો ન હતો

સૂર્યકુમાર યાદવે કહ્યું કે જ્યારે અમે શ્રીલંકામાં (ગયા વર્ષે) રમ્યા હતા, ત્યારે તે વાઇસ કેપ્ટન હતો. પરંતુ તે પછી તે ટેસ્ટ ક્રિકેટમાં વ્યસ્ત થઈ ગયો હતો. ગિલ ગત વર્ષે નવેમ્બરમાં સાઉથ આફ્રિકામાં રમાયેલી ટી-20 સિરીઝ ચૂકી ગયો હતો, કારણ કે તે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની તૈયારી કરી રહ્યો હતો. બાદમાં પીઠમાં ખેંચાણને કારણે તે ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણાની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

ઇંગ્લેન્ડ પ્રવાસથી દાવેદારી મજબૂત બનાવી

પસંદગી સમિતિનું માનવું છે કે ગિલને સમજદારીપૂર્વક મેચની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું હતું. જો તે સાઉથ આફ્રિકા ગયો હોત અને ઘરઆંગણે રમ્યો હોત તો તે વાઈસ કેપ્ટન હોત. ઈંગ્લેન્ડમાં તેણે રનનો પહાડ ખડકી દીધો હતો અને નેતૃત્વની ઉત્કૃષ્ટ કુશળતા દર્શાવી હતી. આનાથી તેમનો દાવો મજબૂત થયો હતો.

આ પણ વાંચો – શ્રેયસ ઐયરને ટીમમાં કેમ ના મળ્યું સ્થાન, મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કર્યો ખુલાસો

શુભમન ગિલનું પ્રદર્શન અપેક્ષાઓથી વધુ

ગિલને વિરાટ કોહલી-રોહિત શર્મા બાદના યુગમાં ભારતીય બેટિંગની કરોડરજ્જુ તરીકે જોવામાં આવી રહ્યો છે. અગરકરે કહ્યું કે અમે ચોક્કસપણે તેમનામાં નેતૃત્વના ગુણો જોઈએ છીએ. ઇંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન અમારી અપેક્ષા મુજબનું જ હતું. તેઓએ અમારી અપેક્ષાઓથી પણ વધારે પ્રદર્શન કર્યું હતું. આટલા દબાણમાં કેપ્ટન તરીકે આ એક સારો સંકેત છે.

શુભમન ગિલની પસંદગી મુશ્કેલ હતી

શરુઆતમાં શુભમન ગિલ પહેલી પસંદ ન હતો અને કેટલાક લોકો એવું માનતા હતા કે, અક્ષર પટેલને વાઈસ કેપ્ટન તરીકે યથાવત્ રાખવો જોઈએ. પણ સિલેક્શન મિટિંગમાં એકંદરે એવો મત હતો કે લાંબા સમય સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી શકે તેવા ખેલાડીમાં રોકાણ કરવું વધુ સારુ છે. પેનલને બીજો કોઈ ઉમેદવાર મળ્યો નથી કે જેને તેઓ આગામી પાંચ વર્ષ માટે જવાબદારી સોંપી શકે.

યશસ્વી જયસ્વાલ આઉટ

ગિલ પહેલાથી જ ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં પસંદગીકારોને લાગ્યું કે ભવિષ્યમાં સૂર્યાના સ્થાને તૈયારી કરવાનો આ યોગ્ય સમય છે. જેના કારણે ઈંગ્લેન્ડમાં પ્રભાવક દેખાવ કરનારા યશસ્વી જયસ્વાલને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. ગિલની પસંદગી બાદ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે હવે ટોપ ઓર્ડર પર વિચાર કરવો પડશે કારણ કે સંજુ સેમસન અને અભિષેક શર્માની શાનદાર ઓપનિંગ કરી હતી.

એશિયા કપ માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, જીતેશ શર્મા, શિવમ દુબે, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, હર્ષિત રાણા, તિલક વર્મા, રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.

સ્ટેન્ડબાય : પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, યશસ્વી જયસ્વાલ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ