Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ ટીમના બોલિંગ કોચ મોર્ને મોર્કેલે કહ્યું કે શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં બીજી ઈનિંગ દરમિયાન ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા બંનેને ક્રૈંપની સમસ્યાના કારણે મેદાન છોડવું પડ્યું હતુ. અભિષેક ઠીક લાગી રહ્યો છે પરંતુ હાર્દિકનો શનિવારે ટેસ્ટ કરવામાં આવશે કારણ કે રવિવારે પાકિસ્તાન સામે એશિયા કપની ફાઇનલ છે.
અભિષેક શર્મા અને હાર્દિક પંડયાને ક્રૈંપની સમસ્યા હતી
હાર્દિક પંડયાએ શ્રીલંકા સામે માત્ર એક જ ઓવર નાંખી હતી, જેમાં તેને સફળતા મળી હતી. જોકે આ પછી તે ભારત તરફથી બોલિંગ કરી શક્યો ન હતો અને મેદાન ઉપર પણ દેખાયો ન હતો. મોર્કેલે કહ્યું કે હાર્દિકનો ટેસ્ટ શનિવારે થશે અને તે પછી જ અમે નક્કી કરીશું કે તે ફાઈનલમાં રમવા માટે ફિટ છે કે નહીં. અભિષેક શર્મા હવે ઠીક છે અને બંનેને ખેંચાણની સમસ્યા હતી.
શ્રીલંકા સામેની મેચમાં હાર્દિકે માત્ર એક જ ઓવર નાખી હતી
શ્રીલંકા સામેની મેચમાં હાર્દિકે માત્ર એક જ ઓવર નાખીને મેદાન છોડી દીધું હતું. જ્યારે અભિષેક શર્મા 9.2 ઓવર સુધી ફિલ્ડિંગ કરી હતી અને પછી મેદાનની બહાર જતો રહ્યો હતો. અભિષેકે 31 બોલમાં 61 રન બનાવ્યા હતા પરંતુ સુપર ઓવરમાં તે બેટીંગ કરવા આવ્યો ન હતો. શુભમન ગિલે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે બેટિંગ કરીને મેચ પૂરી કરી હતી.
આ પણ વાંચો – ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલમાં ઇતિહાસ સર્જાશે, પ્રથમ વખત આવું બનશે
શ્રીલંકા સામેની સુપર ઓવરની મેચ લેટ સુધી રમાઇ હતી અને રવિવારે રમાનારી ફાઈનલ અગાઉ થોડો સમય હોવાથી ભારતીય ટીમ શનિવારે પ્રેક્ટિસ નહીં કરે. જ્યારે પાકિસ્તાને શનિવારે સ્થાનિક સમય મુજબ સાંજે 6 થી 9 વાગ્યા સુધી આઇસીસી એકેડમીમાં પ્રેક્ટિસ સેશનનું આયોજન કર્યું છે.
ફાઇનલની તૈયારી વિશે મોર્કલે શું કહ્યું
ફાઈનલની તૈયારી અંગે મોર્કેલે કહ્યું કે ખેલાડીઓએ આરામ કરવો જરુરી છે. તે બધા પહેલાથી જ આઇશ બાથમાં છે અને મેચ પછી તરત જ રિકવરી શરૂ થઇ ગઇ. રિકવરીનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે ઊંઘ અને આરામ કરવો. તેથી આશા છે કે તે બધા સારી ઊંઘ લઇ શકશે. જ્યારે તેઓ ઉઠશે ત્યારે મને ખાતરી છે કે તેમના માટે પૂલ સત્ર હશે અને પછી મસાજ કરનારાઓ મસાજ કરશે અને તેઓ રવિવારે મોટી મેચ માટે માનસિક રીતે તૈયાર થશે. અમારી પાસે ઓછો સમય છે, તેથી સ્માર્ટ રીતે રમવું મહત્વનું રહેશે.