T20I માં IND vs PAK નો હેડ ટુ હેડ રેકોર્ડ: એશિયા કપ 2025 ના સુપર-4 મુકાબલામાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો જોવા મળશે. ટીમ ઈન્ડિયાએ લીગ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. આજની મેચમાં પણ ભારત હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે. ભારતે લીગ સ્ટેજમાં ત્રણેય મેચમાં વિજય મેળવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી 20 માં હેડ ટુ હેડ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.
ભારત વિ પાકિસ્તાન ટી 20 હેડ ટુ હેડ
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 14 ટી 20 મેચ રમાઈ છે. જેમાં ભારતનો 11 મેચમાં વિજય થયો અને ફક્ત 3 મેચમાં પરાજય થયો છે. આ મેચોના પરિણામો સ્પષ્ટપણે ટી 20 ફોર્મેટમાં ભારતનું દબદબો દર્શાવે છે. છેલ્લી પાંચ મેચની વાત કરીએ તો તેમાં પણ ભારતે 4 મેચમાં જીત મેળવી છે. ફક્ત એક મેચમાં પાકિસ્તાનનો વિજય થયો છે. પાકિસ્તાને છેલ્લે 2022માં ભારત સામે જીત મેળવી હતી.
એશિયા કપ ટી 20માં ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ
એશિયા કપ માં ટી 20 ફોર્મેટની વાત કરવામાં આવે તો અહીં પણ ભારતનો દબદબો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ ટી 20માં કુલ 4 મેચ રમાઇ છે. જેમાં ભારતનો 3 મેચમાં વિજય થયો છે અને પાકિસ્તાનનો 1 મેચમાં વિજય થયો છે. આ રેકોર્ડનો ટીમ ઈન્ડિયાને ચોક્કસપણે માનસિક ફાયદો મળશે.
આ પણ વાંચો – સુપર 4 મુકાબલા માટે ભારત-પાકિસ્તાનની સંભવિત પ્લેઇંગ ઇલેવન, પિચ રિપોર્ટ અને હવામાન
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ પિચ રિપોર્ટ
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ ધીમા બોલરો માટે મદદગાર છે અને ફરીથી કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તી પર મોટી જવાબદારી રહેશે. સમગ્ર યુએઈમાં સ્પિનની બોલબાલા છે, પરંતુ અબુ ધાબી કરતાં દુબઈમાં વધારે છે. દુબઈમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમોને ઘણો ફાયદો થાય છે. છેલ્લી પાંચ મેચોમાં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમને ત્રણ જીત અને બે હાર મળી છે. સૂર્યકુમાર યાદવના જણાવ્યા અનુસાર ઝાકળ 2021ના ટી-20 વર્લ્ડ કપ કરતાં ઓછું રહ્યું છે, જ્યારે ટોસ હારવાના કારણે ભારતને ભારે નુકસાન થયું હતું.
દુબઇ હવામાન રિપોર્ટ
એક્યુવેધરના જણાવ્યા અનુસાર, દુબઈમાં 21 સપ્ટેમ્બરના રોજ ધૂંધળા સૂર્યપ્રકાશ સાથે ઘણી ગરમી રહેશે, 17 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન રહેશે. વરસાદની સંભાવના 0% છે. વાવાઝોડાની સંભાવના પણ 0% છે. જોકે 25% સમય વાદળછાયું વાતાવરણ રહેશે.





