Asian Games 2023, Day 9 Live Updates: એશિયન ગેમ્સ 2023ના નવમાં દિવસ ભારતની સંજના, કાર્તિકા, હિરલ, આરતીએ મહિલા સ્પીડ સ્કેટિંગની 3000 મીટરની રિલે રેસમાં 4:34.861ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી થોડા સમય બાદ ભારતીય મેન્સ ટીમે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હોકીમાં ભારતે બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું છે. આ જીતની સાથે જ ભારતીય ટીમ સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત તરફથી મનદીપ સિંહ અને કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ-ત્રણ ગોલ કર્યા હતા. અભિષેકે બે ગોલ કર્યા હતા. નીલકાંત શર્મા, અમિત રોહિદાસ, ગુરજંત સિંહ અને લલિત ઉપાધ્યાયે એક-એક ગોલ કર્યા હતા. ભારતના કુલ 60 મેડલ થયા છે અને ચોથા સ્થાને છે. જેમાં 13 ગોલ્ડ, 24 સિલ્વર અને 23 બ્રોન્ઝ સામેલ છે.
એનસી સોજને મહિલાઓની લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો
ભારતની એનસી સોજને મહિલાઓની લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે. એનસી સોજને 6.63 મીટરના જમ્પ સાથેસિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારતની 4 x 400 મીટર મિક્સ રિલે ટીમે બ્રોન્ઝ જીત્યો
4 x 400 મીટર મિક્સ રિલે ટીમ ઇવેન્ટમાં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મુહમ્મદ અજમલ, વિદ્યા રામરાજ, રાજેશ રમેશ અને સુભા વેંકટેશને 3:14.34 મિનિટનો સમય લીધો હતો. આ ઈવેન્ટમાં બહેરીને ગોલ્ડ અને શ્રીલંકાએ સિલ્વર મેડલ જીત્યો હતો.
મહિલા સ્ટેપલચેજમાં ભારત બે મેડલ
મહિલા સ્ટેપલચેજમાં ભારત બે મેડલ જીતવામાં સફળ રહ્યું છે. પારુલ ચૌધરીએ સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારેપ્રીતિ સિંહે અંતિમ ક્ષણોમાં બહેરીનની ખેલાડીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે ટેનિસ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો
સુતીર્થા મુખર્જી અને અહિકા મુખર્જીએ ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ જીત્યો છે. સુતીર્થા-અહિકા એશિયન ગેમ્સમાં ટેબલ ટેનિસ મહિલા ડબલ્સ સ્પર્ધામાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય જોડી બની છે. સુતીર્થા-અહિકા મુખર્જીનો સેમિ ફાઇનલમાં ઉત્તર કોરિયાના સુયોંગ ચા અને સુયોંગ પાક સામે 4-3થી પરાજય થયો હતો. આ હાર છતાં સુતીર્થા-અહિકા ઈતિહાસ રચવામાં સફળ રહ્યા હતા.
બેડમિન્ટન (મિક્સ ડબલ્સ)માં ભારતીય જોડીએ આપ્યું વોકઓવર
એન સિક્કી રેડ્ડી અને રોહન કપૂરની ભારતની મિક્સ ડબલ્સની જોડીએ તેમના મલેશિયન વિરોધીને વોકઓવર આપ્યો હતો. રોહનની તબિયત સારી ન હતી જેના કારણે ભારતીય જોડીએ હટી જવાનો નિર્ણય કર્યો હતો.
તીરંદાજી – ભારતીય કમ્પાઉન્ડ તીરંદાજ ક્વાર્ટર ફાઇનલમાં
ભારતના ચાર કમ્પાઉન્ડ તીરંદાજો (જ્યોતિ, અદિતિ, અભિષેક અને ઓજસ) ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશી ચૂક્યા છે. સેમિ ફાઈનલમાં ભારતની દિગ્ગજ ખેલાડીઓ જ્યોતિ સુરેખા અને અદિતિ આમને-સામને ટકરાશે.
આ પણ વાંચો – એશિયન ગેમ્સ 2023 : ભારતે કુલ 50થી વધારે મેડલ જીત્યા, આઠમાં દિવસે તેજિન્દર અને અવિનાશે ગોલ્ડ જીત્યો
ટેબલ ટેનિસ મહિલા ડબલ્સ- ભારતીય જોડીનો સેમિ ફાઇનલમાં પરાજય
ટેબલ ટેનિસમાં ઉત્તર કોરિયાની જોડીએ ભારતીય જોડીને 4-3થી પરાજય આપ્યો હતો. ભારતીય જોડીએ આખી મેચમાં જોરદાર લડત આપી હતી પરંતુ છેલ્લી ગેમમાં ઉત્તર કોરિયાની જોડીએ પૂરી તાકાત લગાવીને એકતરફી અંદાજમાં ગેમ જીતી લીધી હતી. ભારત આ મેચમાં 11-7, 8-11, 11-7, 8-11, 9-11, 11-5, 2-11થી હાર્યું હતુ. ભારતીય જોડીએ બ્રોન્ઝથી સંતોષ કરવો પડ્યો છે.
એથ્લેટિક્સ – વિદ્યા રામરાજે પીટી ઉષાના નેશનલ રેકોર્ડની બરાબરી કરી
ભારતના વિદ્યા રામરાજે 400 મીટર હર્ડલની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હીટ્સમાં તેણે 55.42 સેકન્ડનો સમય લીધો હતો અને પ્રથમ ક્રમે રહી હતી. આ સાથે વિદ્યાએ લેજન્ડરી ખેલાડી પીટી ઉષાએ નોંધાવેલા નેશનલ રેકોર્ડની બરોબરી કરી લીધી હતી, જે 1984ના ઓલિમ્પિકમાં નોંધાવ્યો હતો.
ભારતના પુરુષ સ્કેટર્સે પણ જીત્યો બ્રોન્ઝ મેડલ
ભારતના આર્યનપાલ, આનંદકુમાર, સિદ્ધાંત, વિક્રમે 4:10.128ના સમય સાથે મેન્સની રોલર સ્પીડ સ્કેટિંગ 3000 મીટર રિલે રેસમાં ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
રોલર સ્કેટિંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ
ભારતની સંજના, કાર્તિકા, હિરલ અને આરતીની જોડીએ મહિલાઓની સ્પીડ સ્કેટિંગની 3000 મીટરની રિલે રેસમાં 4:34.861ના સમય સાથે ત્રીજા સ્થાને રહી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ તાઈવાને અને સિલ્વર મેડલ સાઉથ કોરિયાએ જીત્યો હતો.





