એશિયન ગેમ્સ 2023 ક્રિકેટ લીગના પ્રારંભે નેપાળે તોફાની બેટિંગ કરી ઇતિહાસ રચ્યો છે. મેન્સ ક્રિકેટ ઈવેન્ટ બુધવારથી શરુ થઇ છે જેમાં પ્રથમ જ મેચમાં નેપાળે મંગોલિયા સામે T20 ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. નેપાળે 20 ઓવરમાં 3 વિકેટે 314 રન બનાવ્યા હતા. 19 વર્ષના કુશલ મલ્લાએ સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેણે રોહિત શર્મા અને ડેવિડ મિલરના રેકોર્ડ તોડ્યા. મલ્લાએ 34 બોલમાં સદી ફટકારી હતી. ટી20માં આ સૌથી ઝડપી સદી છે. જ્યારે દીપેન્દ્ર સિંહ એરીએ 10 બોલમાં 52 રન બનાવ્યા હતા. તેણે યુવરાજ સિંહનો સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડ્યો હતો.
રોહિત શર્મા અને ડેવિડ મિલરે વર્ષ 2017માં 35 બોલમાં સદી ફટકારી હતી. આ સિવાય 2019માં ચેક રિપબ્લિકના સુદેશ વિક્રમાસેકરાએ 35 બોલમાં સદી ફટકારી હતી. રોહિત મલ્લાએ 34 બોલમાં સદી ફટકારીને ત્રણેય ખેલાડીઓને પાછળ છોડી દીધા હતા. મલ્લાએ 50 બોલમાં 12 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 137 રન બનાવ્યા હતા. જ્યારે દીપેન્દ્ર સિંહ એરીએ 10 બોલમાં 8 સિક્સરની મદદથી 52 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહે 2007 T20 વર્લ્ડ કપમાં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ મેચમાં તેણે સ્ટુઅર્ટ બ્રોડની એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા.
T20 પ્રથમ વખત 300 પ્લસ સ્કોર
કુશલ મલ્લા અને દીપેન્દ્ર સિંહ એરીના સિવાય કેપ્ટન રોહિત પૌડેલે 27 બોલમાં 2 ફોર અને 6 સિક્સરની મદદથી 61 રન બનાવ્યા હતા. કુશલ ભુર્તાલે 23 બોલમાં 19 અને આસિફ શેખે 16 રન બનાવ્યા હતા. T20 ઇન્ટરનેશનલમાં પ્રથમ વખત 300નો સ્કોર બન્યો છે. T20માં સૌથી વધુ સ્કોરનો રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે હતો. તેણે 2019માં દેહરાદૂનમાં આયર્લેન્ડ સામે 278 રન બનાવ્યા હતા. ચેક રિપબ્લિકે 2019માં જ તુર્કી સામે 4 વિકેટે 278 રન બનાવ્યા હતા.
નેપાળની ટીમે 26 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા
મલ્લાએ 274ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા જ્યારે પૌડેલે 225થી વધુના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. દીપેન્દ્ર સિંહ એરીએ 520ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. નેપાળની ટીમે 26 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. એક્સ્ટ્રા તરફથી 29 રન બનાવ્યા હતા. મંગોલિયાની બોલિંગની વાત કરીએ તો કુલ 7 બોલરોએ બોલિંગ કરી અને કોઈની પણ ઈકોનોમી 9.50થી નીચે ન હતી.





