T20 World Cup 2022 : ટી-20 ક્રિકેટમાં સ્લો ઓવર રેટ કોઇપણ ટીમને ભારી પડી શકે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આ વર્ષની શરૂઆતમાં નિયમ લાગુ કર્યો હતો કે નક્કી સમય પર ઇનિંગ્સ ખતમ ન થવા પર બોલિંગ કરી રહેલી ટીમને બાકી બચેલી ઓવરમાં એક વધારે ફિલ્ડર ઇનફિલ્ડમાં રાખવો પડશે. આવું એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની લીગ મેચમાં જોવા મળ્યું હતું. બન્ને ટીમોએ સ્લો ઓવર રેટથી બોલિંગ કરી હતી. જોકે પાકિસ્તાનની ટીમને આ ઘણું મોઘું પડ્યું હતું.
પ્લેઇંગ 11થી બહારના ખેલાડીઓને બનાવ્યો બોલ બોય
ટી-20 વર્લ્ડ કપમાં સ્લો ઓવર રેટથી બચવા માટે યજમાન ઓસ્ટ્રેલિયાએ એક જુગાડ શોધી કાઢ્યો છે. કંગારુની ટીમ પ્લેઇંગ 11માં સામેલ ન હોય તેવા ખેલાડીઓનો બોલ બોયની જેમ ઉપયોગ કરી રહી છે. આ ખેલાડી બાઉન્ડ્રી લાગ્યા પછી બોલને મેદાનની અંદર ફેંકી દે છે. તેનાથી સમયની બચત થાય છે. ખાસ કરીને જ્યારે પાવરપ્લે ચાલી રહ્યો હોય ત્યારે વધારે બચત થાય છે. ડેવિડ વોર્નર પણ આ ભૂમિકામાં જોવા મળ્યો હતો.
આ પણ વાંચો – ચેન્નઇમાં જન્મેલા કાર્તિક મયપ્પને રચ્યો ઇતિહાસ, આ સિઝનમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બન્યો
પાવરપ્લેમાં સમય વધારે બગડે છે
ઓસ્ટ્રેલિયાની રણનિતી વિશે જણાવતા ઓલરાઉન્ડર એશ્ટન અગરે એક વીડિયોમાં કહ્યું પાવરપ્લેમાં બોલ ઘણો બહાર જાય છે અને સમય વેડફાય છે કારણ કે ખેલાડીઓને બોલ લેવા જવું પડે છે. જેથી સમયને મેનેજ કરવો મુશ્કેલ છે. તો મને લાગે છે કે બેન્ચ પર બેસેલા ખેલાડીઓને બાઉન્ડ્રીની બહાર રાખવાથી ઓછામાં ઓછી 10 સેકન્ડની બચત થશે. મને લાગે છે કે પાવરપ્લેમાં આવું કરવું સામાન્ય વાત છે.
વન-ડે ક્રિકેટમાં લાગુ થયો નિયમ
ટી-20 ક્રિકેટમાં સ્લો ઓવર રેટ પેનલ્ટીનો ઉપયોગ પ્રથમ વખત 16 જાન્યુઆરી 2022ના રોજ વેસ્ટ ઇન્ડીઝ અને આયરલેન્ડની વચ્ચેની મેચમાં કરવામાં આવ્યો હતો. આઈસીસીના નિયમ પ્રમાણે આઈસીસીની આચાર સંહિતાના અનુચ્છેદ 2.22ના મતે સ્લો ઓવર રેટ પર ખેલાડીઓ પર તેમની મેચ ફી ના 20 ટકા દંડ લગાવવામાં આવે છે. 1 ઓક્ટોબરથી વન-ડે ક્રિકેટમાં પણ નક્કી સમય પર ઇનિંગ્સ પુરી ના થવા પર ઇનફિલ્ડમાં 30 યાર્ડ સર્કલમાં એક ખેલાડી વધારે રાખવાનો નિયમ લાગુ થઇ ગયો છે.