Greg Chappell Financial Struggles : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કોચ અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ગ્રેગ ચેપલ આર્થિક સંકટ સામે ઝઝુમી રહ્યા છે. 75 વર્ષીય ચેપલની મદદ માટે તેમના મિત્રો પૈસા ભેગા કરી રહ્યા છે. ગ્રેગ ચેપલે ખુલાસો કર્યો છે કે તેઓ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે અને તેમના મિત્રોએ તેમને મદદ કરવાના ઈરાદા સાથે નાણાં એકઠા કરવા માટે ઓનલાઈન કેમ્પેઈન શરુ કરી દીધું છે. ચેપલે વર્ષો પહેલા કોઈ પણ પ્રકારની મદદ લેવાની ના પાડી દીધી હતી પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. ચેપલે કબૂલ્યું હતું કે તે મુશ્કેલીમાં નથી પરંતુ તેમની ક્રિકેટ કારકિર્દીને જોતાં વૈભવી જીવન જીવી રહ્યા નથી.
ચેપલની આર્થિક હાલત ખરાબ છે
ગ્રેગ ચેપલે ન્યૂઝ કોર્પને જણાવ્યું હતું કે મારી હાલત બહુ ખરાબ નથી. હું ચોક્કસપણે એ રીતે બતાવવા માંગતો નથી કે અમે ઘણા મુશ્કેલીમાં છીએ કારણ કે અમે લક્ઝરી લાઇફ પણ જીવી રહ્યા નથી. મને લાગે છે કે મોટાભાગના લોકોને લાગે છે કે અમે ક્રિકેટ રમ્યા છીએ તેથી આપણે બધા વૈભવી જીવન જીવી રહ્યા છીએ. અલબત્ત અમે ગરીબ નથી પણ અમને આજના ખેલાડીઓ જેટલો ફાયદો મળી રહ્યો નથી.
મિત્રો પૈસા ભેગા કરી રહ્યા છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચેપલ પરાણે તેમના માટે રચાયેલ “ગો-ફંડ-મી” અભિયાન માટે સંમત થયા હતા. જેના ભાગરુપે ગત સપ્તાહે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની યજમાની એડી મેગ્વાયરે કરી હતી અને તેમાં તેના ભાઈઓ ઈયાન અને ટ્રેવર પણ ઉપસ્થિત રહ્યા હતા. ચેપલે કહ્યું કે તે તેના યુગનો એકમાત્ર એવો ખેલાડી નથી કે જે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય. ચેપલના મિત્ર પીટર મેલોનીએ જણાવ્યું હતું કે તેમને આ અભિયાનથી આશરે 2,50,000 ડોલર એકત્ર કરવાની આશા છે. જેના કારણે છેલ્લા તેમના અંતિમ કેટલાક વર્ષોના જીવનધોરણમાં ઘણો સુધારો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો – IPL 2024 : મહેન્દ્રસિંહ ધોનીએ પોતાની ફિટનેસને લઇને આપી મોટી અપડેટ
ચેપલે અગાઉ મદદ લેવાનો ઇનકાર કરી દીધો હતો
ગ્રેગ ચેપલને નિવૃત્તિ સમયે દરેક ખેલાડીને આપવામાં આવતા નિવૃત્તિના લાભની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમણે તે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ચેપલને લાગતું હતું કે તેની પાસે ઘણા બધા વિકલ્પો છે અને તેને આ મદદની જરૂર નથી. ચેપલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયામાં અનેક હોદ્દા પર રહ્યા હતા. તેઓ ઘણી ટીમોના કોચ પણ હતા પરંતુ તેમ છતાં આજે તેમની હાલત સારી નથી. તેમણે પોતાની બચતનો મોટો બિઝનેસમાં રોક્યા હતા, જે ડૂબી ગયો છે. આ નુકસાનના કારણે તેમની હાલત ખરાબ થઇ ગઇ હતી.
ગ્રેગ ચેપલ 2005થી 2007 સુધી ભારતના હેડ કોચ રહ્યા હતા
ઓસ્ટ્રેલિયાના 75 વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન ગ્રેગ ચેપલ 2005થી 2007 સુધી ભારતના હેડ કોચ પણ રહ્યા હતા. જોકે તેમનો કાર્યકાળ ઘણો વિવાદાસ્પદ રહ્યો. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ઘણો વિવાદ થયો હતો. ગાંગુલીને વન-ડે ટીમમાંથી હટાવી દીધો હતો. આ પછી કેપ્ટનપદેથી હટાવી દીધો હતો અને ટીમમાંથી પણ બહાર થઇ ગયો હતો.
ગ્રેગ ચેપલની ક્રિકેટ કારકિર્દી
ગ્રેગ ચેપલ 1970-80ના દશકમાં ઓસ્ટ્રેલિયા તરફથી 87 ટેસ્ટ અને 74 વન-ડે રમ્યા છે. 77 ટેસ્ટમાં 53.86ની એવરેજથી 7110 રન બનાવ્યા છે. જેમાં 24 સદી ફટકારી છે. તેમણે 48 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની કેપ્ટનશિપ પણ કરી હતી. તે સમયે તે ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતા. તેમણે સર ડોન બ્રેડમેનના (6996)નો રેકોર્ડ તોડ્યો હતો. ચેપલે 74 વન-ડેમાં 40.18ની અવરેજથી 2331 રન બનાવ્યા હતા. જેમાં 3 સદી 14 અડધી સદી ફટકારી હતી.





