/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Novak-Djokovic.jpg)
ક્વાર્ટર ફાઇનલમાં 24 ગ્રાન્ડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચે કાર્લોસ અલ્કારેઝ સામે વિજય મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો (તસવીર - સોશિયલ મીડિયા)
Australian Open 2025 : વિશ્વના નંબર 2 ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવે ત્રીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનના પુરુષ સિંગલ્સની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. મંગળવારે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ઝ્વેરેવે અમેરિકાના ટોમી પોલને હરાવ્યો હતો. ઝ્વેરેવ પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમની શોધમાં છે.
જર્મન સ્ટાર ટેનિસ ખેલાડી એલેક્ઝાન્ડર ઝ્વેરેવે રોડ લેવર એરેના ખાતે રમાયેલી મેચમાં અમેરિકાના ટોમી પોલને 7-6, 7-6, 2-6, 6-1થી હરાવ્યો હતો. ઝ્વેરેવ બીજી વખત ઓસ્ટ્રેલિયન ઓપનના મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં પહોંચ્યો છે.
પોતાની 30મી ઓસ્ટ્રેલિયન ઓપન મેચમાં જીત સાથે ઝ્વેરેવે બોરિસ બેકરને પાછળ છોડી દીધો છે. તે આ ઇવેન્ટમાં જર્મન પ્લેયર તરીકે સૌથી વધુ સિંગલ્સ જીતનો રેકોર્ડ બનાવ્યો છે.
જોકોવિચ સેમિ ફાઇનલમાં પહોંચ્યો
અન્ય એક ક્વાર્ટર ફાઇનલમાં 24 ગ્રાન્ડસ્લેમ વિજેતા નોવાક જોકોવિચે કાર્લોસ અલ્કારેઝ સામે વિજય મેળવી સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જોકોવિચે કાર્લોસ સામે 4-6, 6-4, 6-3, 6-4થી વિજય મેળવ્યો હતો.
37 વર્ષીય જોકોવિચ માટે અલ્કારેઝ સામેનો મુકાબલો આસાન ન હતો. જોકોવિચે પહેલો સેટ 4-6થી ગુમાવ્યો હતો. આ પછી જોકોવિચે પુનરાગમન કરતાં સતત 3 સેટ જીતીને મેચ જીતી લીધી હતી. બંને ખેલાડીઓ વચ્ચેની આ મેચ 3 કલાક અને 37 મિનિટ સુધી ચાલી હતી. જોકોવિચ સેમિ ફાઈનલમાં જર્મનીના વર્લ્ડ નંબર-2 એલેક્ઝાન્ડર ઝ્વેરેવ સામે થશે ટકરાશે.
જોકોવિચ પાસે ઈતિહાસ રચવાની તક
એટીપી રેન્કિંગમાં 7મો ક્રમાંક ધરાવતો જોકોવિચ હાલમાં સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતનારો ખેલાડી (પુરુષોમાં) છે. જો તે આ વખતે ઓસ્ટ્રેલિયન ઓપન ટાઈટલ જીતશે તો ઈતિહાસ રચી દેશે. તે ટેનિસ જગતમાં સૌથી વધુ 25 ગ્રાન્ડ સ્લેમ જીતનારો (મહિલા અને પુરુષ) એકમાત્ર ખેલાડી બની જશે.
ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ મહિલા ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટે પણ 24 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. જો ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બનશે તો જોકોવિચ ઈતિહાસ રચશે.
પાઉલા બડોસા મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં
બીજી તરફ સ્પેનની પાઉલા બડોસાએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ક્વાર્ટર ફાઇનલ મેચમાં વિશ્વની ત્રીજા ક્રમાંકની ખેલાડી અમેરિકાની કોકો ગોફને 7-5, 6-4થી હરાવી હતી. પાઉલાએ પ્રથમ વખત સેમિ ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us