Pramod Bhagat Paris Paralympic 2024: ભારતીય ગોલ્ડ મેડલિસ્ટ પ્રમોદ ભગત સસ્પેન્ડ થયો છે. બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ જાહેરાત કરી છે કે, ભારતને ટોકિયો પેરાલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ પદક અપાવનાર બેડમિંટન ખેલાડી પ્રમોદ ભગત ડોપિંગ મામલે દોષિત સાબિત થયો છે. જેને લીધે ફેડરેશને પ્રમોદને 18 મહિના માટે સસ્પેન્ડ કર્યો છે. હવે તે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લઇ શકશે નહીં.
પેરિસ પેરાલિમ્પિક 28 ઓગસ્ટથી શરુ થવાનો છે. જે 8 સપ્ટેમ્બર સુધી ચાલશે. જોકે પેરાલિમ્પિક શરુ થાય એ પૂર્વે જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ગોલ્ડ વિજેતા બેડમિંટન ખેલાડી પ્રમોદ ભગત પર પ્રતિબંધ લાગ્યો છે. બીડબલ્યૂએફએ જાહેર કરેલા નિવેદન મુજબ ટોક્યો 2020 પેરાલિમ્પિક ચેમ્પિયન પ્રમોદ ભગત સામે 18 મહિનાનો પ્રતિબંધ મુકાયો છે અને તે પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ નહીં લઇ શકે.
કોર્ટ ઓફ ઓર્બિટ્રેશન ફોર સ્પોટ (CAS) એ ભગતને 12 મહિનાની અંદર ત્રણ વખત સ્થળ ન બતાવવા અંગે દોષી ઠેરવવામાં આવ્યો છે. 1લી માર્ચ 2024 ના રોજ કોર્ટ ઓફ ઓર્બિટ્રેશન ઓફ સ્પોર્ટ એન્ટી ડોપિંગ ડિવીઝને ભગતને 12 મહિનાની અંદર ત્રણ વખત સ્થળ ન બતાવી શકવા અંતર્ગત એન્ટી ડોપિંગ નિયમોમાં કસુરવાર ઠેરવ્યો છે.
પ્રમોદ ભગત દ્વારા કરાયેલ અપીલ કોર્ટે રદ કરી
આ મામલે પ્રમોદ ભગત દ્વારા કરાયેલી અપીલને સીએએસ (CAS) અપીલ ડિવીઝને રદ કર્યાનું એલાન કરતાં અગાઉનો નિર્ણય અકબંધ રાખ્યો છે. એસએલ3 એથ્લેટ ભગત પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સમાં હવે ભાગ નહીં લઇ શકે. 29 જુલાઇ 2024 એ સીએએસ અપીલ ડિવીઝને ભગતની અપીલ રદ કરી દીધી છે.
આ પણ વાંચો – આ કોલેજના ખેલાડીઓએ ઓલિમ્પિકમાં વધુ મેડલ જીત્યા
પ્રમોદ ભગતનું પ્રદર્શન આ વર્ષે પણ જોરદાર રહ્યું છે. આ વર્ષની શરુઆતમાં ભગતે થાઇલેન્ડના પતાયામાં 2024 પેરા બેડમિંટન વિશ્વ ચેમ્પિયનશિપમાં ઇંગ્લેન્ડના ડેનિયલ બેથેલને ખરાખરીના જંગમાં હરાવી સિંગલ પુરુષ વિભાગમાં એસએલ3 ટાઇટલ પોતાને નામ કર્યું હતું.
પ્રમોદ ભગત બેડમિંટન ગોલ્ડ મેડલિસ્ટ
35 વર્ષિય પ્રમોદ ભગતે એક કલાક 40 મિનિટ સુધી ચાલેલા આ મુકાબલામાં પોતાના પ્રતિદ્વંદ્વીને 14-21, 21-15, 21-15 થી હરાવ્યો હતો. ભગત માટે આ પોતાનું ચોથું વિશ્વ ટાઇટલ હતું. આ પહેલા તેણે 2015, 2019 અને 2022 માં ત્રણ વખત આ ટાઇટલ પોતાને નામ કર્યું હતું. આ ઉપરાંત વર્ષ 2023 માં વૈશ્વિક ચેમ્પિયનશિપમાં સિંગલ પુરુષ વિભાગમાં પણ સુવર્ણ પદક જીત્યો હતો.





