Mushfiqur Rahim obstructing the field : ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશના મુશ્ફિકુર રહીમે બેટિંગ દરમિયાન કંઈક એવું કર્યું કે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. રહીમને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ (ફિલ્ડિંગ કરનારી ટીના કામમાં અવરોધ ઊભો કરવો)ના નિયમ હેઠળ આઉટ આપવામાં આવ્યો હતો. તેને પોતાની ભૂલ સમજવામાં પણ સમય લાગ્યો હતો.
રહીમને મળી સજા
જેમિસન ઈનિંગ્સની 41મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો હતો. રહીમે ઓવરના ત્રીજા બોલને ડિફેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બેટ સાથે અથડાયો હતો અને ત્યાર બાદ જમીન પર ઉછળ્યો હતો. રહીમે અજાણતા જ બોલને પકડીને બીજી તરફ ફેંકી દીધો હતો. આવું કરતા જ કિવી ટીમે તેને આઉટ આપવાની અપીલ કરી હતી.
થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો
ફિલ્ડ અમ્પાયરે થર્ડ અમ્પાયરને રેફર કર્યો હતો. ટીવી અમ્પાયરનું માનવું હતું કે મુશ્ફિકુરે જાણી જોઈને બોલને રોક્યો હતો અને આ કારણે બાંગ્લાદેશી ખેલાડીને આઉટ આપવામાં આવ્યો હતો. આ નિયમ હેઠળ આઉટ થનાર તે બાંગ્લાદેશનો પ્રથમ ખેલાડી બન્યો છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ પછી ક્રિકેટ દુનિયામાં લગ્નની સિઝન, 7 દિવસમાં 5 ખેલાડીઓએ નવી ઇનિંગ્સની શરૂઆત કરી
2017 પહેલા હેંડલિંગ ધ બોલનો નિયમ હતો પરંતુ તે પછી તેને ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડમાં સામેલ કરવામાં આવ્યો હતો. આઇસીસીની આચારસંહિતાના નિયમ 37.1.2 પ્રમાણે જો કોઈ ખેલાડી બોલને રમતી વખતે કે તેની એક્શન દ્વારા જાણી જોઈને કંઈક બોલીને ફિલ્ડિંગ ટીમના કામમાં અવરોધ ઊભો કરે તો તેને આઉટ ગણવામાં આવશે.
બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સમાં 172 રનમાં ઓલઆઉટ
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ પ્રથમ ઇનિંગ્સમાં 172 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. જવાબમાં અંતિમ અહેવાલ મળ્યા ત્યારે ન્યૂઝીલેન્ડે 51 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી છે.





