BCCIએ ક્રિકેટરો માટે જાહેર કર્યા નવા નિયમો, જો કોઈ ક્રિકેટરે આ 10 રુલ્સ તોડ્યા તો લાગશે પ્રતિબંધ!

BCCI Guidelines For Indian Team : બીસીસીઆઈએ 10 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ ક્રિકેટરોએ આ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે. જો કોઈ તેમનું ઉલ્લંઘન કરશે તો બોર્ડ તેમની સામે કડક પગલાં લેશે

Written by Ashish Goyal
January 17, 2025 17:16 IST
BCCIએ ક્રિકેટરો માટે જાહેર કર્યા નવા નિયમો, જો કોઈ ક્રિકેટરે આ 10 રુલ્સ તોડ્યા તો લાગશે પ્રતિબંધ!
પ્રેક્ટિસ સેશન દરમિયાન ભારતીય ટીમ (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

BCCI Guidelines For Indian Team : ટીમમાં શિસ્ત અને અનુશાસનને પ્રોત્સાહન આપવા માટે બીસીસીઆઇએ નવી નીતિમાં અંગત સ્ટાફ અને ખેલાડીઓના પરીવારોની હાજરી પર નિયંત્રણોની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ 10 મુદ્દાની ગાઈડલાઈન જાહેર કરી છે. તમામ ક્રિકેટરોએ આ ગાઈડલાઈનનું પાલન કરવું ફરજીયાત છે. જો કોઈ તેમનું ઉલ્લંઘન કરશે તો બોર્ડ તેમની સામે કડક પગલાં લેશે. જેમાં ખેલાડીઓ પરના પ્રતિબંધ અને પગારમાં કાપનો સમાવેશ થાય છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતની હાર બાદ બીસીસીઆઇએ રિવ્યુ મિટિંગ યોજી હતી. આ બેઠકમાં ટીમની એકતા વધારવા અંગે ચર્ચા થઇ હતી, જે બાદ આ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.

ડોમેસ્ટિક મેચમાં રમવું ફરજિયાત

બીસીસીઆઇની માર્ગદર્શિકા અનુસાર ખેલાડીઓએ રાષ્ટ્રીય પસંદગી અને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે લાયક રહેવા માટે ડોમેસ્ટિક મેચોમાં રમવું ફરજીયાત છે. આ નીતિ એ સુનિશ્ચિત કરે છે કે ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ સાથે જોડાયેલા રહે, ટેલેન્ટ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપે, મેચ ફિટનેસ જાળવી રાખે અને ડોમેસ્ટિક ક્રિકેટને મજબૂત બનાવે.

પરિવાર સાથે મુસાફરી કરી શકશો નહીં

તમામ ખેલાડીઓ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ ટીમની સાથે મેચો અને પ્રેક્ટિસ સેશન માટે પ્રવાસ ખેડે. શિસ્ત અને ટીમની એકતા જાળવવા માટે પરિવારો સાથેની અલગ મુસાફરીની વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવામાં આવશે નહીં. જો તેમાં કોઈ અપવાદ હોય તો હેડ કોચ અને સિલેક્શન કમિટિ પાસેથી અગાઉથી જ મંજૂરી લેવી પડે છે.

ખેલાડીઓને મર્યાદાથી વધુ સામાન લઈ જવાની મંજૂરી નથી

ખેલાડીઓને ટીમની સાથે મુસાફરી દરમિયાન બોર્ડ નક્કી કરે તેટલો જ સામાન લઈ જવાની છૂટ હોય છે. ખેલાડીઓએ વધારાની સામગ્રી માટે જાતે જ ચૂકવણી કરવી પડશે. આ નીતિ લોજિસ્ટિક્સને સુવ્યવસ્થિત કરવામાં અને બિનજરૂરી ખર્ચને ટાળવામાં મદદ કરે છે.

કોઈને પણ વ્યક્તિગત સ્ટાફને લઈ જવાની મંજૂરી નથી

વ્યક્તિગત સ્ટાફ (ઉદાહરણ તરીકે, વ્યક્તિગત મેનેજર્સ, શેફ, સપોર્ટ અને સિક્યુરિટી કર્મચારીઓ)ને જ્યાં સુધી બીસીસીઆઇ મંજૂરી ન આપે ત્યાં સુધી તેમને પ્રવાસ અથવા શ્રેણી માટે તેમની સાથે જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ પગલું સુનિશ્ચિત કરે છે કે ટીમની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે અને લોજિસ્ટિક પડકારો ઓછામાં ઓછા કરવામાં આવે છે.

બેંગલુરુના સેન્ટર ઓફ એક્સલન્સમાં અલગથી સામાન મોકલવો

દરેક ખેલાડીને સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગલુરુમા સામાન કે વ્યક્તિગત વસ્તુઓ મોકલવા માટે ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કરવો પડશે. જો કોઇ અલગ-અલગ રીતથી વસ્તુઓ મોકલવામાં આવશે તો એકસ્ટ્રા ખર્ચો ખેલાડીઓએ ઉપાડવો પડશે.

પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવો ફરજિયાત

બધા ખેલાડીઓએ નિર્ધારિત પ્રેક્ટિસ સત્રોમાં ભાગ લેવો પડશે અને સ્થળ પર એક સાથે મુસાફરી કરવી પડશે. આ નિયમ પ્રતિબદ્ધતાને પ્રોત્સાહન આપે છે અને ટીમમાં મજબૂત કાર્ય નૈતિકતાને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો – કોહલી, રોહિત, ગિલ અને ઋષભ પંતને રણજીમાં રમવા માટે કેટલી સેલેરી મળશે

ટૂર પર પ્રાઇવેટ શૂટ કરવાની સ્વતંત્રતા નથી

ખેલાડીઓને ચાલુ શ્રેણી કે પ્રવાસ દરમિયાન વ્યક્તિગત શૂટિંગ કે જાહેરાતમાં સામેલ થવાની મંજૂરી નથી. આ નીતિ ધ્યાન ભટકાવવાથી બચાવે છે અને સુનિશ્ચિત કરે છે કે ખેલાડીઓ ક્રિકેટ અને ટીમની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

વિદેશ પ્રવાસમાં ફેમિલી સાથે વધારે સમય નહીં રહે

જો કોઈ ખેલાડી 45 દિવસ માટે વિદેશ પ્રવાસ પર રહે છે તો તેની પત્ની અને 18 વર્ષથી ઓછી ઉંમરનો બાળક શ્રેણીમાં બે અઠવાડિયા માટે તેમની સાથે રહી શકે છે. આ સમયગાળા દરમિયાન BCCI તેમના રહેવાનો ખર્ચ ઉઠાવશે. પરંતુ બાકીનો ખર્ચ ખેલાડીએ ભોગવવાનો રહેશે.

બીજી તરફ કોચ અને કેપ્ટન સાથે ચર્ચા કર્યા પછી જ કોઈપણ (સંબંધી અથવા અન્ય કોઈ) ખેલાડી પાસે એક ફાઇનલ તારીખે આવી શકે છે. આ સમય દરમિયાન જો કોઈ ખેલાડી નિયમો તોડે છે તો તેના માટે કોચ, કેપ્ટન અને જીએમ ઓપરેશન્સ જવાબદાર રહેશે.

BCCIના કાર્યક્રમોમાં હાજર રહેવું આવશ્યક

બીસીસીઆઇના ઓફિશિઅલ શૂટિંગ, પ્રમોશન માટે ખેલાડીઓ ઉપલબ્ધ રહે તે જરુરી છે. હિતધારકો પ્રત્યેની પ્રતિબદ્ધતાઓને પહોંચી વળવા અને રમતને અસરકારક રીતે પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ છે.

શ્રેણીના અંત સુધી ટીમ સાથે રહેવું જરૂરી

ખેલાડીઓએ મેચ શ્રેણી કે પ્રવાસ પુરો થાય ત્યાં સુધી ટીમની સાથે જ રહેવું પડશે, પછી ભલેને મેચો નિર્ધારિત સમય કરતાં વહેલી પુરી થઈ જાય. તે એકતા સુનિશ્ચિત કરે છે, ટીમ વચ્ચે જોડાણને પ્રોત્સાહન આપે છે.

નિયમો તોડવા બદલ બોર્ડ કરી શકે છે સજા

બીસીસીઆઈએ કહ્યું કે તમામ ખેલાડીઓ ઉપરોક્ત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જો કોઈ અપવાદ હોય તો અધ્યક્ષ અને મુખ્ય કોચ પાસેથી પરવાનગી લેવી પડશે. જો તેનું પાલન ન થાય તો બોર્ડ શિસ્તભંગનાં પગલાં લઈ શકે છે.

બોર્ડે વધુમાં કહ્યું કે આ ઉપરાંત બીસીસીઆઈ કોઈ પણ ખેલાડી સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો અધિકાર સુરક્ષિત રાખે છે. જેમાં (1) ઇન્ડિયન પ્રીમિયર લીગ સહિત બીસીસીઆઈ દ્વારા આયોજિત તમામ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાથી સંબંધિત ખેલાડી સામે મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. (2)રિટેનરની રકમ/મેચ ફીમાંથી કપાતનો સમાવેશ થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ