BCCI Rewards India After Champion’s Trophy : દુબઈમાં આ મહિનાની શરૂઆતમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ભારતીય ક્રિકેટ ટીમને 58 કરોડ રૂપિયાના રોકડ ઇનામની બીસીસીઆઈએ જાહેરાત કરી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટાઈટલ જીત્યું હતું. આ નાણાકીય લાભમાં ખેલાડીઓ, કોચિંગ અને સપોર્ટ સ્ટાફ, અજિત અગરકરની આગેવાની હેઠળની મેન્સ સિલેક્શન કમિટિના સભ્યો સામેલ હશે.
બીસીસીઆઈએ એવોર્ડની વિગતો આપી ન હતી
જોકે ભારતીય ક્રિકેટ બોર્ડે જારી કરેલા નિવેદનમાં આ એવોર્ડની વિગતો આપવામાં આવી નથી. બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સતત આઇસીસી ટાઇટલ જીતવા વિશેષ છે અને આ એવોર્ડ વૈશ્વિક મંચ પર ટીમ ઇન્ડિયાના સમર્પણ અને શ્રેષ્ઠતાની માન્યતા છે. કેશ એવોર્ડ એ પડદા પાછળ દરેક દ્વારા કરવામાં આવતી સખત મહેનતની માન્યતા છે. આઇસીસી અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપની જીત બાદ આ 2025માં અમારી બીજી આઇસીસી ટ્રોફી હતી અને આ આપણા દેશમાં અસ્તિત્વ ધરાવતી મજબૂત ક્રિકેટ ઇકોસિસ્ટમને રેખાંકિત કરે છે.
ભારતના વિજયે વ્હાઇટ-બોલ ક્રિકેટમાં તેમની સર્વોચ્ચતાને યોગ્ય ઠેરવી
બીસીસીઆઈના સચિવ દેવજીત સૈકિયાએ કહ્યું કે બીસીસીઆઈ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને આ એવોર્ડથી સન્માનિત કરવામાં ગર્વ અનુભવે છે. વિશ્વ ક્રિકેટમાં તેનો દબદબો વર્ષોની સખત મહેનત અને વ્યુહાત્મક અમલનું પરીણામ છે. આ જીતથી વ્હાઇટ-બોલ ક્રિકેટમાં ભારતના ટોચના રેન્કિંગને યોગ્ય ઠેરવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે અમને ખાતરી છે કે ટીમ આગામી વર્ષોમાં પણ વધુ સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે. ખેલાડીઓએ બતાવેલ સમર્પણ અને પ્રતિબદ્ધતાએ એક નવો બેંચમાર્ક સેટ કર્યો છે. અમને વિશ્વાસ છે કે ભારતીય ક્રિકેટ વૈશ્વિક મંચ પર પોતાના માનકને વધારવાનું ચાલુ રાખશે.
ખેલાડીઓએ દબાણમાં આવીને શાનદાર પ્રદર્શન કર્યું: રાજીવ શુક્લા
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું કે આ રોકડ પુરસ્કાર સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ દ્વારા કરવામાં આવેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે એક સન્માન છે. ખેલાડીઓએ દબાણમાં નોંધપાત્ર ધૈર્ય બતાવ્યું છે અને તેમની સફળતા દેશભરના મહત્વાકાંક્ષી ક્રિકેટરો માટે પ્રેરણારૂપ છે. ટીમે ફરી સાબિત કરી દીધું છે કે ભારતીય ક્રિકેટ કૌશલ્ય, માનસિક મજબૂતી અને વિજયી માનસિકતાના મજબૂત પાયા પર નિર્મિત છે.