team india home schedule : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) એ બુધવારે 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમનો ઘરેલુ સિઝનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ભારત આ વર્ષના અંતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની યજમાની કરશે. ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે છેલ્લે જુલાઈ 2023માં ટેસ્ટ શ્રેણી રમાઇ હતી.
અમદાવાદમાં ટેસ્ટ રમાશે
ભારતની ઘરઆંગણાની સિઝનનો પ્રારંભ વિન્ડીઝ સામેની બે ટેસ્ટની શ્રેણીથી થશે. જેમાં પ્રથમ ટેસ્ટ 2 ઓક્ટોબરથી અમદાવાદમાં શરુ થશે. બીજી ટેસ્ટ મેચ 14 ઓક્ટોબરથી કોલકાતામાં રમાશે. વિન્ડીઝની શ્રેણી બાદ ભારત સાઉથ આફ્રિકાની યજમાની મલ્ટી ફોર્મેટની સ્પર્ધામાં કરશે.
ગુવાહાટીમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાશે
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ઐતિહાસિક ક્ષણ બની રહેશે કારણ કે ગુવાહાટી સૌપ્રથમ વખત ટેસ્ટ મેચની યજમાની કરશે. આ શ્રેણીનો પ્રારંભ 14 નવેમ્બરથી નવી દિલ્હી (અરુણ જેટલી સ્ટેડિયમ)માં થશે. ત્યારબાદ બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટી (બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ)માં રમાશે.
આ પણ વાંચો – યશસ્વી જયસ્વાલ છોડશે મુંબઈનો સાથ, ઘરેલું ક્રિકેટમાં આ ટીમનો કેપ્ટન બનશે
આ પછી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ડિસેમ્બરમાં ત્રણ વન ડેની શ્રેણી અને ત્યાર બાદ પાંચ મેચની ટી-20ની શ્રેણી રમાશે. રાંચી, રાયપુર અને વિશાખાપટ્ટનમમાં 30 નવેમ્બરથી લઈને 6 ડિસેમ્બર દરમિયાન વન ડે રમાશે. આ પછી 9 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ટી-20 મેચ રમાશે. કટક, ચંદીગઢ, ધરમશાલા, લખનઉ અને અમદાવાદમાં ટી-20 શ્રેણી રમાશે.
ભારતીય ક્રિકેટ ટીમનો કાર્યક્રમ
વેસ્ટ ઇન્ડીઝનો ભારત પ્રવાસનો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટઃ 2-6 ઓક્ટોબર (અમદાવાદ)
- બીજી ટેસ્ટ : 10-14 ઓક્ટોબર, કોલકાતા
દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસનો કાર્યક્રમ
- પ્રથમ ટેસ્ટ: 14-18 નવેમ્બર (નવી દિલ્હી)
- બીજી ટેસ્ટ: 22-26 નવેમ્બર, ગુવાહાટી
- પ્રથમ વન-ડે: 30 નવેમ્બર, રાંચી
- બીજી વન-ડે: 3 ડિસેમ્બર, રાયપુર
- ત્રીજી વન-ડે: 6 ડિસેમ્બર, વિઝાગ (વિશાખાપટ્ટનમ)
- પ્રથમ ટી-20: 9 ડિસેમ્બર, કટક
- બીજી ટી-20: 11 ડિસેમ્બર, નવી ચંદીગઢ
- ત્રીજી ટી-20: 14 ડિસેમ્બર, ધર્મશાળા
- ચોથી ટી-20: 17 ડિસેમ્બર, લખનઉ
- પાંચમી ટી-20: 19 ડિસેમ્બર, અમદાવાદ