Hardik Pandya : ડોમેસ્ટિક ક્રિકેટને હળવાશથી લેનારા ખેલાડીઓ સામે ભારતીય ક્રિકેટ બોર્ડે આકરું વલણ અપનાવ્યું છે. બોર્ડ કોઈને છોડવાના મૂડમાં નથી. શ્રેયસ ઐયર અને ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પડતા મૂકવામાં આવ્યા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને લઇને ઘણા સવાલો થઇ રહ્યા હતા. વન-ડે વર્લ્ડકપ 2023માં ઈજાગ્રસ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેલોહાર્દિક પંડ્યા એ ગ્રેડમાં યથાવત્ છે. આ અંગે સવાલો ઉઠી રહ્યા હતા.
હવે ઇન્ડિયન એક્સપ્રેસને માહિતી મળી છે કે હાર્દિક પંડ્યાને કેન્દ્રીય કરારમાં સામેલ કરવાને લઇને ઘણી ચર્ચાઓ થઇ હતી. પસંદગીકારો અને બીસીસીઆઇએ હાર્દિક પંડ્યાને કોન્ટ્રાક્ટ ત્યારે આપ્યો જ્યારે આ ઓલરાઉન્ડરે બાંહેધરી આપી હતી કે, જો તે ભારતીય ટીમ તરફથી વ્હાઈટ બોલ ક્રિકેટ નહીં રમે તો તે સૈયદ મુસ્તાક અલી ટી-20 અને વિજય હઝારે ટ્રોફીમાં બરોડા તરફથી રમશે.
હાર્દિક પંડ્યાની મેદાનમાં વાપસી
તાજેતરની મિટિંગ દરમિયાન શ્રેયસ અને ઈશાન ઉપરાંત પંડયાને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં ગ્રેડ-એમાં સ્થાન આપવાની ચર્ચા ચાલી હતી. ઓક્ટોબરમાં વર્લ્ડ કપ દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થયા બાદ પંડ્યા ગત સપ્તાહ સુધી મેદાનથી દૂર હતો. તેણે ડીવાય પાટીલ ટૂર્નામેન્ટમાં સ્પર્ધાત્મક ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું, જ્યાં તે રિલાયન્સ તરફથી રમી રહ્યો છે. ઈશાનની જેમ હાર્દિક પંડ્યા પણ વડોદરામાં વ્યક્તિગત રીતે ટ્રેનિંગ કરી રહ્યો હતો પરંતુ તેની તરફેણમાં જે વાત ગઇ તે એ હતી કે તે તેની ફિટનેસનું મૂલ્યાંકન કરવા માટે સમયાંતરે નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)ને રિપોર્ટ કરતો રહ્યો છે.
આ પણ વાંચો – સેન્ટ્રલ કોન્ટ્રાક્ટના મુદ્દે ઇરફાન પઠાણે હાર્દિક પંડ્યા પર કર્યો પ્રહાર, બીસીસીઆઈને કર્યો સવાલ
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવા પડી શકે છે
બીસીસીઆઇના એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યાએ એવી ખાતરી પણ આપી છે કે જો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વ્યસ્ત નહીં હોય તો તે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. ધ ઇન્ડિયન એક્સપ્રેસને એક અધિકારીએ જણાવ્યું કે અમે પંડ્યા સાથે ચર્ચા કરી છે, જેને ઉપલબ્ધ હોય ત્યારે ઘરેલું વ્હાઇટ બોલ ટૂર્નામેન્ટ રમવાનું કહેવામાં આવ્યું છે.
આ તબક્કે બીસીસીઆઇની મેડિકલ ટીમના મૂલ્યાંકન અનુસાર તે રેડ બોલ ટૂર્નામેન્ટમાં બોલિંગ કરવાની સ્થિતિમાં નથી. તો હાર્દિક પંડ્યા રણજી ટ્રોફી રમવાના સમીકરણમાંથી બહાર થઈ ગયો છે. પણ જો તે ભારત તરફથી રમતો ન હોય તો તેણે અન્ય વ્હાઈટ બોલ ટૂર્નામેન્ટ્સ પણ રમવી પડશે. આમ કરવામાં નિષ્ફળ રહેશે તો પરિણામે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવા પડી શકે છે.
સૈયદ મુસ્તાક અલી ટી20 અને વિજય હજારે ટ્રોફીમાં રમશે હાર્દિક પંડ્યા
ફ્યુચર ટૂર પ્રોગ્રામ અનુસાર ભારતને હોમગ્રાઉન્ડ પર બાંગ્લાદેશ સામે માત્ર ત્રણ જ ટી-20 મેચ રમવાની છે. ટીમે ટેસ્ટ ક્રિકેટ વધારે રમવાનું છે. સૈયદ મુસ્તાક અલી ટી-20 અને વિજય હઝારે ટ્રોફી ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં યોજાશે, ત્યારે ભારત વ્હાઈટ બોલ ક્રિકેટ રમતું નહીં. જ્યાં સુધી હાર્દિક પંડ્યાને ફિટનેસની કોઈ સમસ્યા ન હોય ત્યાં સુધી તેને આ બંને ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની સૂચના આપવામાં આવી છે.
ખેલાડીઓ રાજ્યની ટીમોને રિપોર્ટ કરશે
એવું માનવામાં આવે છે કે બીસીસીઆઈ કરારબદ્ધ ખેલાડીઓને એ પણ નિર્દેશ આપશે કે જ્યારે તેઓ રાષ્ટ્રીય ટીમના સેટ-અપનો ભાગ ન હોય ત્યારે તેઓ તેમના સંબંધિત રાજ્યની ટીમોને રિપોર્ટ કરે. એવા કિસ્સાઓ બન્યા છે કે જ્યારે ડોમેસ્ટિક સિઝનની મધ્યમાં, ઘણા રાજ્યોના ખેલાડીઓએ તેમની સંબંધિત આઈપીએલ ફ્રેન્ચાઇઝી સાથે ટૂંકા કેમ્પમાં ભાગ લીધો હતો. આ પગલું જે રાજ્યોને ગમ્યું ન હતું. દાખલા તરીકે શ્રેયસે મુંબઈ માટે રણજી ટ્રોફીની મેચ ગુમાવ્યા બાદ કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પમાં હાજરી આપી હતી.
(ઇનપુટ – વેંકટ કૃષ્ણ બી.)





