BCCI Annual Central Contract : ભારતીય ક્રિકેટ બોર્ડે ડોમેસ્ટિક ક્રિકેટ માટે ઉપલબ્ધ ન હોવાને કારણે ઈશાન કિશન અને શ્રેયસ ઐયરને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દીધા છે. આ નિર્ણય બાદ ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ખેલાડી ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યા પર પ્રહાર કર્યો અને બોર્ડ ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા. બીસીસીઆઈએ કહ્યું કે કિશન અને ઐયરને 2023-24ની સિઝન માટે રિટેનરશિપ આપવા માટે વિચાર કરવામાં આવ્યો ન હતો. બીસીસીઆઇના કડક આદેશ છતાં બંને યુવા ક્રિકેટરોએ રણજી ટ્રોફીની મેચોમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું હતું.
બોર્ડે અભૂતપૂર્વ પગલું ભરતાં કડક પગલાં લેવાનું નક્કી કર્યું હતું. ખરાબ ફોર્મ બદલ પડતો મુકવામાં આવ્યો તે પહેલાં વિશાખાપટ્ટનમમાં ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ સુધી ભારતની પ્લેઇંગ 11માં સામેલ રહેલા ઐયરને ગયા વર્ષના કોન્ટ્રાક્ટમાં ગ્રેડ બી માં સ્થાન મળ્યું હતું. બીજી તરફ કિશન સી ગ્રેડમાં હતો. દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી બાદથી કિશન પસંદગી માટે ઉપલબ્ધ ન હતો. જોકે હાલ તે નવી મુંબઈમાં ડીવાય પાટીલ ટી-20 કપમાં રમી રહ્યો છે.
આ પણ વાંચો – બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યા, ઇશાન કિશન અને શ્રેયસ ઐયરનું નામ નહીં
વન-ડે વર્લ્ડ કપ પછી મેદાનથી દૂર છે હાર્દિક પંડ્યા
ગત વર્ષે વન-ડે વર્લ્ડકપમાં ઇજાગ્રસ્ત થયા બાદ હાર્દિક પંડ્યા મેદાનથી દૂર હતો. તે ડીવાય પાટીલ ટી-20 કપમાં રમી રહ્યો છે. ઇરફાન પઠાણે તેના વિશે સવાલ કર્યો હતો કે શું તેના જેવા ખેલાડીઓ વ્હાઇટ બોલ ડોમેસ્ટિક ક્રિકેટમાં ન રમવું જોઈએ? જો આ નિયમ દરેકને લાગુ નહીં પડે તો ભારતીય ક્રિકેટને વધુ સારા પરીણામો નહીં મળે.
ઇરફાન પઠાણે શું કહ્યું?
ઇરફાન પઠાણે ટ્વિટ કરીને કહ્યું કે શ્રેયસ અને ઇશાન બંને પ્રતિભાશાળી ક્રિકેટરો છે. આશા છે કે તેઓ ફરી મજબૂતી સાથે વાપસી કરશે. જો હાર્દિક જેવા ખેલાડીઓને રેડ બોલ ક્રિકેટ રમવું ન હોય તો શું તેણે અને તેના જેવા અન્ય ખેલાડીઓ નેશનલ ડ્યુટી પર ન હોય ત્યારે વ્હાઈટ બોલ ડોમેસ્ટીક ક્રિકેટમાં ભાગ લેવો જોઈએ? જો આ વાત બધાને લાગુ નહીં પડે તો ભારતીય ક્રિકેટ વધુ સારા પરિણામ નહીં મેળવી શકે.





