Chetan Sharma Sting Operation : ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર ચેતન શર્માએ એક ટીવી ચેનલના સ્ટિંગ ઓપરેશનમાં કથિત રીતે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી વચ્ચેના મતભેદો પણ સામેલ છે. ચેતન શર્માએ કહ્યું કે વિરાટની કેપ્ટનશિપ હું મોટો કે તું મોટોના ચક્કરમાં ગઇ હતી. વિરાટ કોહલીને લાગ્યું કે સૌરવ ગાંગુલીના કારણે તેની વન-ડે કેપ્ટનશિપ ગઇ છે તેથી તેણે દાદાને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો. ચેતન શર્માએ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી વચ્ચે ટકરાવને લઇને પણ રહસ્ય ખોલ્યું છે. તેમણે બન્નેને ભારતીય ક્રિકેટના અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્ર ગણાવ્યા છે.
સપ્ટેમ્બર 2021માં વિરાટ કોહલીએ દુબઇમાં ટી-20 વર્લ્ડ કપ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી હતી. આ પછી બીસીસીઆઈએ ડિસેમ્બરમાં તેની પાસેથી એકદિવસીય ફોર્મેટની કેપ્ટનશિપ લઇ લીધી હતી. બીસીસીઆઈએ રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો હતો. ગાંગુલીએ કોહલીને ટી-20ની કેપ્ટનશિપ નહીં છોડવા માટે કહ્યું હતું કારણ કે વ્હાઇટ બોલ ક્રિકેટમાં બે કેપ્ટન આદર્શ સ્થિતિ નથી.
વિરાટ કોહલીને સૌરવ ગાંગુલીએ શું કહ્યું હતું
ઝી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ કથિત રીતે કહ્યું કે વિરાટ કોહલીને સૌરવ ગાંગુલીએ ટી-20ની કેપ્ટનશિપ છોડતા પહેલા એક વખત વિચાર કરવા કહ્યું હતું. જોકે સ્ટાર ભારતીય પ્લેયરે કદાચ વીડિયો કોન્ફરન્સ દરમિયાન આ સાંભળ્યું નહીં હોય. ચેતન શર્માએ કહ્યું કે વિરાટ કોહલીને લાગ્યું કે બીસીસીઆઈ અધ્યક્ષ ગાંગુલીના કારણે તેણે કેપ્ટનશિપ ગુમાવી પડી. પસંદગી સમિતિની વીડિયો કોન્ફરન્સમાં 9 લોકો હતા. ગાંગુલીએ તેને (વિરાટ કોહલીને)કહ્યું હતું કે એક વખત આ વિશે વિચારો. મને લાગે છે કે કોહલીએ સાંભળ્યું નહીં હોય. ત્યાં અન્ય 9 લોકો હતા જેમાં હું અને અન્ય બધા પસંદગીકાર, બીસીસીઆઈના પદાધિકારી સામેલ હતા.
આ પણ વાંચો – ક્રિકેટને અલવિદા કહેવા માંગતો હતો મોહમ્મદ શમી, રવિ શાસ્ત્રીના સમજાવવા પર બદલ્યો હતો નિર્ણય, પૂર્વ કોચનો ખુલાસો
વિરાટ કોહલીને બેકફાયર કરી ગઇ આ વાત
ચેતન શર્માએ એ પણ કહ્યું કે તેને લાગે છે કે સૌરવ ગાંગુલી અને વિરાટ વચ્ચે ઇગો ક્લેશ હતો. એક વિચારી રહ્યો હતો કે ગાંગુલીએ મને કેપ્ટન પદેથી હટાવ્યો તેથી હું તેને પાઠ ભણાવીશ. વિરાટે ગાંગુલીને બદનામ કરવા માટે નિવેદન આપ્યું હતું. વિરાટે મીડિયામાં એ બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. જે તેના પર અવળો પડ્યો હતો.
ચેતન શર્માએ સ્ટિંગ વીડિયોમાં કહ્યું કે આ ઇગોના કારણે થયું. વિરાટ કહે છે કે હું મોટો છું. ગાંગુલી કહે છે કે હું મોટો છું. સૌરવ ગાંગુલી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે. ઘણો મોટો કેપ્ટન છે, સૌથી વિશ્વાસપાત્ર અને તેને આજે પણ સૌથી સફળ કેપ્ટન માનવામાં આવે છે. વિરાટને લાગે છે કે તે સૌથી સફળ છે. વિરાટે કહ્યું કે ગાંગુલી ખોટું બોલી રહ્યો છે તો ટકરાવ થયો.
વિરાટ કોહલી અને રોહિત શર્માને લઇને ખુલાસો
ચેતન શર્માએ વિરાટ કોહલી અને રોહિત શર્માને લઇને કહ્યું કે વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે લડાઇ નથી પણ ઇગો છે. બન્ને મોટા ફિલ્મી સ્ટાર્સ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જેમ છે. બન્નેએ હંમેશા એકબીજાનો સાથ આપ્યો છે અને સમર્થન કર્યું છે. મતભેદની આ બધી વાતો મીડિયા ફેલાવે છે.
પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં જલ્દી વાપસી માટે ઇન્જેક્શન લે છે
ચેતન શર્માએ ઝી ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પર આક્ષેપ લગાવ્યા છે. ચેતન શર્માએ આરોપ લગાવ્યો કે ખેલાડી 80થી 85 ટકા ફિટ હોવા છતા પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં જલ્દી વાપસી માટે ઇન્જેક્શન લે છે.