Rahul Dravid Head Coach : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની સમાપ્તિની સાથે જ રાહુલ દ્રવિડનો ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ હાર્યા બાદ પત્રકાર પરિષદમાં રાહુલ દ્રવિડે કહ્યું હતુ કે તે ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકેના તેના ભવિષ્ય અંગે અનિશ્ચિત છે. જોકે અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પદાધિકારીઓ દ્રવિડ સાથે વાતચીત કર્યા પછી જ હેડ કોચને લઇને કોઇ નિર્ણય લેશે.
ચેમ્પિયન્સ ટ્રોફી સુધી વધી શકે છે કાર્યકાળ
એવી પણ શક્યતા છે કે તેમનો કાર્યકાળ ચેમ્પિયન્સ ટ્રોફી સુધી લંબાવવામાં આવી શકે છે. આની પાછળ યોગ્ય કારણો પણ છે. આગામી વર્ષે 4 થી 30 જૂન વચ્ચે ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે. તેને શરૂ થવામાં માત્ર 6 મહિના જ બાકી છે. આ સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાવાની છે. એટલે કે બે મોટી ટૂર્નામેન્ટ વચ્ચે બહુ ગેપ નથી. આટલું જ નહીં માર્ચ 2024 પછી ખેલાડીઓ આઈપીએલમાં વ્યસ્ત થઈ જશે.
નવા કોચ પાસે વધારે સમય નહીં હોય
આવી સ્થિતિમાં નવા કોચને ટીમ સાથે એડજસ્ટ થવા માટે માત્ર 3 મહિનાનો સમય મળશે. રાહુલ દ્રવિડ લાંબા સમયથી ટીમ સાથે જોડાયેલો છે. ટીમના ખેલાડીઓ સાથે તેનો સારો તાલમેલ છે. ખેલાડીઓ તેમનો ખૂબ આદર કરે છે. કેપ્ટન રોહિત શર્મા પોતે કહી ચૂક્યો છે કે મુશ્કેલ સમયમાં તે અમારી સાથે ઉભા રહ્યા હતા.
આ પણ વાંચો – પીએમ નરેન્દ્ર મોદીએ જાડેજાને કહ્યું – કાં બાપુ, ઢીલો ના પડતો, જુઓ VIDEO
વર્લ્ડ કપ 2019 બાદ શાસ્ત્રીનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો
રાહુલ દ્રવિડના મુખ્ય કોચના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા ભલે આઇસીસીની કોઇ ઇવેન્ટ જીતી ન શકી હોય. પરંતુ વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું કોઇ મોટી સિદ્ધિથી ઓછું નથી. સમગ્ર ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. 2019ના વર્લ્ડ કપમાં સેમિ ફાઈનલમાં હાર બાદ તત્કાલીન હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ 13 જૂને પૂરો થઈ ગયો હતો. જોકે બાદમાં 2021ના ટી-20 વર્લ્ડ કપ સુધી લંબાવવામાં આવ્યો હતો.
કોચ તરીકે રાહુલ દ્રવિડની સિદ્ધિઓ
ટી-20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પણ સ્થાન બનાવી શકી ન હતી. આ પછી રાહુલ દ્રવિડને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનાવવામાં આવ્યા હતા. રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ બે વર્ષ માટે હતો. રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ 2023 ક્રિકેટ વર્લ્ડ કપ અને 2023 આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ રમી હતી. 2022માં આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલિસ્ટ રહી હતી. એશિયા કપ 2023 પણ જીત્યો હતો.





