BCCI Dues Mumbai Police Security: બીસીસીઆઈ દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. તેની વાર્ષિક કમાણી અબજોમાં છે. દુનિયાભરના ક્રિકેટ બોર્ડ આ વાતને માને છે અને ઘણી વખત તેના પર આરોપ પણ લગાવી ચૂક્યા છે. બીસીસીઆઈની કમાણી અને સદ્ધરતા જોઇ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે આ ક્રિકેટ બોર્ડ મુંબઇ પોલીસના દેવામાં ડૂબેલું છે. બીસીસીઆઈ હજી સુધી મુંબઇ પોલીસને પેમેન્ટની ચૂકવણી કરી શક્યું નથી. આ કેસમાં હવે બોમ્બે હાઈકોર્ટે દરમિયાનગીરી કરવી પડી છે.
બીસીસીઆઈ એ ચૂકવણી કરવી પડશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ શુક્રવારે બોમ્બે હાઈકોર્ટને ખાતરી આપી હતી કે તે મેચ દરમિયાન પૂરી પાડવામાં આવેલી સુરક્ષા માટે મુંબઈ, પિંપરી ચિંચવાડ અને નવી મુંબઈ પોલીસની બાકી નીકળતી રકમ બે અઠવાડિયાની અંદર ચૂકવી દેશે. ક્રિકેટ બોર્ડે કહ્યું કે, તેણે પિંપરી ચિંચવાડ પોલીસને 1.7 કરોડ રૂપિયા, નવી મુંબઈ પોલીસને 3.3 કરોડ રૂપિયા અને મુંબઈ પોલીસને 1.03 કરોડ રૂપિયા ચૂકવવા પડશે.
BCCI વિરુદ્ધ અરજી દાખલ થઇ હતી
બીસીસીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહ્યું કે,, બીસીસીઆઈ એ ઉક્ત રકમ બે અઠવાડિયાની અંદર ચૂકવવાની જવાબદારી લીધી છે. ગલગલીએ મહારાષ્ટ્ર સરકારના જૂન 2023ના ચૂકાદાને પડકારતા આ અરજી દાખલ કરી હતી, જેમા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ), ટી-20 અને અન્ય ક્રિકેટ મેચોને પૂરી પાડવામાં આવતી પોલીસ સુરક્ષા માટે નક્કી કરવામાં આવેલા દરને 2011થી પૂર્વવત્ અસરથી ઘટાડી દેવામાં આવ્યા હતા.
અરજીમાં કાર્યકર્તાએ 2011થી પાછલી અસરથી આ પરિપત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે ત્યારબાદ બાકી લેણાં પણ ઘટાડવામાં આવશે. બીસીસીઆઇએ તેના સોગંદનામામાં કહ્યું છે કે, તેઓ સત્તાધીશોના બાકી લેણાંની સંપૂર્ણ ચૂકવણી કરવા માટે કટિબદ્ધ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈનો પોલીસને બાકી નીકળતી રકમથી વંચિત રાખવાનો કોઈ ઇરાદો નથી અને સંબંધિત પોલીસ અધિકારીઓ સાથે ખાતાઓના સમાધાનના 90 દિવસની અંદર વિવાદિત રકમ ચૂકવવાની જવાબદારી લે છે.





