Shreyas Iyar : એશિયા કપ 2025 માટેની ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરની પસંદગી કરવામાં ન આવતાં પસંદગી સમિતિની ઘણી ટીકા થઇ હતી. જેના બીજા દિવસે કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતીય વન ડે ક્રિકેટમાંથી રોહિત શર્મા નિવૃત્તિ લે તો શ્રેયસ અય્યર વન ડે ટીમનો કેપ્ટન બની શકે છે.
મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું હતું કે, BCCI 2027 વનડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા શ્રેણી દરમિયાન ભારતીય વનડે ટીમની કમાન શ્રેયસ અય્યરને સોંપવાની યોજના બનાવી રહી છે. જો કે, આવું હોય તેવું લાગતું નથી. બીસીસીઆઇએ આ શક્યતાને નકારી છે.
ભારતીય ક્રિકેટ બોર્ડે રોહિત શર્માના રિપ્લેસમેન્ટના તમામ દાવાને નકારી કાઢ્યા છે. હિન્દુસ્તાન ટાઇમ્સ દ્વારા દેવજીત સૈકિયાને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “આ મારા માટે સમાચાર છે. આવી કોઈ ચર્ચા થઈ નથી. ’
વર્લ્ડ કપ 2027 સુધી રોહિત 40 વર્ષનો થઈ જશે
રોહિત શર્મા હાલમાં 38 વર્ષની ઉંમરે કારકિર્દીના છેલ્લા પડાવ પર છે. તે પહેલા જ ટી-20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. જોકે વન ડે ક્રિકેટ તેનું સૌથી મજબૂત ફોર્મેટ રહ્યું છે. જ્યાં તેણે હજુ સુધી નિવૃત થવાના કોઈ સંકેત આપ્યા નથી.
આમ છતાં સવાલ એ ઊભો થાય છે કે રોહિત શર્મા 2027ના વન-ડે વર્લ્ડ કપની ટીમમાં હશે કે કેમ? એ વખતે તે 40 વર્ષની ઉંમરે પહોંચી ગયો હશે, જ્યારે શ્રેયસ અય્યર જેવા ખેલાડીઓ તેની ક્ષમતાની ટોચ પર હશે અને એક દાયકાના આંતરરાષ્ટ્રીય અનુભવ સાથે તેને હજુ પણ જાળવી રાખશે.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટરો માટે બ્રોનકો ટેસ્ટ ફરજિયાત! જાણો તેના વિશે બધી માહિતી
શુભમન ગિલ બની શકે છે વન ડે કેપ્ટન
રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શુભમન ગિલ સમય આવ્યે આગામી વન-ડે કેપ્ટન બનવા માટે તૈયાર છે. શુભમન ગિલ ટીમ માટે એક સારો વનડે ઓપનર રહ્યો છે. આઇપીએલ અને ભારતીય ટેસ્ટ ટીમમાં તેના નેતૃત્વની ગતિને જોતાં તે અય્યરને પાછળ છોડીને રોહિતનો સ્વાભાવિક ઉત્તરાધિકારી બની શકે એમ છે.
આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યું કે, જે પણ હાલમાં જ ટેસ્ટ ટીમનો કેપ્ટન બન્યો છે અને પહેલાથી જ વનડે ટીમનો વાઇસ કેપ્ટન છે તે 50 ઓવરના ફોર્મેટમાં ભારતનું નેતૃત્વ કરનાર આગામી ખેલાડી બની શકે છે.
વન ડે ક્રિકેટમાં ગિલની સરેરાશ 59
શુભમન ગિલ વન-ડે ક્રિકેટમાં 59 ની એવરેજ ધરાવે છે અને તે પહેલાથી જ ટીમનો વાઇસ કેપ્ટન છે. જે વ્યક્તિને તાજેતરમાં જ ટેસ્ટ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હોય, તેણે કેટલીક સફળતાઓ હાંસલ કરી હોય અને જેની ઉંમર પણ યુવા હોય, તેણે સમય આવ્યે વન ડે ક્રિકેટમાં આગેવાની ન સંભાળવી જોઈએ તેનું કોઈ કારણ નથી.