ICC Women’s World Cup 2025 : એશિયા કપ 2025 દરમિયાન ભારતીય મેન્સ ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. હવે ભારતીય ક્રિકેટ બોર્ડે વિમેન્સ વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાની ના પાડી દીધી છે. મહિલા વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ રવિવારે (5 ઓક્ટોબર) કોલંબોમાં રમાશે. ઈન્ડિયન એક્સપ્રેસને આ માહિતી મળી છે.
ભારતીય મહિલા ટીમ વર્લ્ડકપની બીજી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ પહેલા ભારતીય ટીમે મંગળવારે ગુવાહાટીમાં શ્રીલંકા સામે પોતાની પ્રથમ લીગ મેચમાં જીત મેળવી હતી.
હાથ મિલાવવાનું ટાળવાનો સંદેશ આપવામાં આવ્યો
બીસીસીઆઇના સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય મહિલા ટીમ બુધવારે શ્રીલંકા જવા રવાના થાય તે પહેલા જ ટોસ દરમિયાન કે મેચ બાદ હાથ મિલાવવાનું ટાળવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ટીમ વર્લ્ડ કપ દરમિયાન પાકિસ્તાનની ટીમ સાથે હાથ મિલાવશે નહીં. બીસીસીઆઇના અધિકારીઓએ આ અંગે ટીમને જાણ કરી દીધી છે. ભારતીય બોર્ડ તેના ખેલાડીઓની સાથે ઉભું રહેશે.
મેન્સ ટીમે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો
એશિયા કપ દરમિયાન યુએઈમાં ભારતીય મેન્સ ટીમનો મુકાબલો ત્રણ વખત પાકિસ્તાન સામે થયો હતો. ભારતે ત્રણેય વખતે પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો ન હતો. ભારતે ફાઇનલમાં પાકિસ્તાન સામે પાંચ વિકેટથી જીત મેળવી હતી.
આ પણ વાંચો – વૈભવ સૂર્યવંશીએ 78 બોલમાં સદી ફટકારી રચ્યો ઇતિહાસ, ત્રણ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યા
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે ટકરાવા શ્રીલંકા જઈ રહી છે કારણ કે બીસીસીઆઈ અને પીસીબીએ માત્ર તટસ્થ સ્થળોએ જ એકબીજાને રમવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમ શ્રીલંકામાં તમામ મેચ રમશે. યોગાનુયોગે આ સતત ચોથો રવિવાર હશે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ રમાશે.





