Border Gavaskar Trophy Ind vs Aus Test : બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિત શર્માના ફોર્મ અને કેપ્ટન્સી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ભારતીય ડ્રેસિંગરુમમાં ભાગલા પડયા હોવાની વાત સામે આવી છે. સિનિયર ખેલાડી પોતાની જાતને કેપ્ટનશિપ માટેના વચગાળાના વિકલ્પ તરીકે રજૂ કરવા માટે તૈયાર છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસના શ્રીરામ વીરા, દેવેન્દ્ર પાંડે અને વેંકટ કૃષ્ણા બી એ બુધવારે (1 જાન્યુઆરી) જણાવ્યું હતું કે મેલબોર્નની હાર બાદ ભારતના ડ્રેસિંગ રૂમમાં બધુ બરાબર નથી.
ચીફ કોચ ગૌતમ ગંભીર હાલના કંગાળ દેખાવથી તંગ આવી ગયા છે અને ખેલાડીઓના પર્ફોમન્સનું મૂલ્યાંકન કરી રહ્યા છે. રોહિત શર્મા પર્થમાં પ્રથમ ટેસ્ટ મેચમાં રમ્યો ન હતો. કેટલાક ખેલાડીઓની નજર કેપ્ટન્સી પર હતી. તે ખુલ્લેઆમ એવો દાવો કરી રહ્યા હતા કે તેમણે આ પ્રવાસમાં કંઈક ખાસ કરવું પડશે. વચગાળાના કેપ્ટન બનવાની ઈચ્છા ધરાવતો આ સિનિયર ખેલાડી પોતાની જાતને ‘મિસ્ટર ફિક્સ-ઈટ’ બતાવી રહ્યો છે. ‘મિસ્ટર ફિક્સ-ઇટ’નો અર્થ એ છે કે ખેલાડી એવું જતાવી રહ્યો છે કે તે બધું ઠીક કરી શકે છે. એવું પણ જાણવા મળ્યું છે કે તેને નથી લાગતું કે યુવા ખેલાડીઓ કેપ્ટન્સી માટે તૈયાર છે.
રોહિત શર્માની ટીકા
રોહિત શર્માને તેના હાલના પ્રદર્શન માટે આકરી ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે મુંબઈના બેટ્સમેને ઓસ્ટ્રેલિયામાં 5 ઇનિંગ્સમાં માત્ર 3, 6, 10, 3 અને 9 રન બનાવ્યા છે. અગાઉ તે બાંગ્લાદેશ સામેની ચાર ઈનિંગમાં માત્ર 42 અને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચમાં 91 રન બનાવ્યા હતા. બંને શ્રેણી ભારતની ધરતી પર રમાઈ હતી.
આ પણ વાંચો – ભારતીય ક્રિકેટ ટીમનો 2025નો કાર્યક્રમ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિત આ ટૂર્નામેન્ટમાં રમશે ટીમ ઇન્ડિયા
રોહિત જીતની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માંગતો ન હતો
પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ બાદ ટીમ સાથે જોડાયા બાદ રોહિત શર્મા જીતની ફોર્મ્યુલામાં ફેરફાર કરવા માગતો ન હતો. તેથી તેણે કેએલ રાહુલને યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ બેટિંગ કરવા દીધી હતી અને પોતે છઠ્ઠા નંબર પર રમ્યો હતો. પરંતુ આ નિર્ણય યોગ્ય ન હતો અને તેણે એડિલેડ અને બ્રિસબેનમાં રમાયેલી બીજી અને ત્રીજી ટેસ્ટમાં આ પોઝિશન પર રન માટે સંઘર્ષ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ બાદ રોહિત ભવિષ્ય અંગે નિર્ણય લેશે
રોહિત શર્મા ચોથી ટેસ્ટમાં ટોપ ઓર્ડરમાં પાછો ફર્યો હતો, પણ ત્યાં પણ તેનો કંગાળ દેખાવ જારી રહ્યો હતો. ભારતના પૂર્વ ખેલાડી ઈરફાન પઠાણે કહ્યું કે જો રોહિત કેપ્ટન ન હોત તો તે ટીમમાં ન હોત. તેણે કહ્યું કે એક એવો ખેલાડી જેણે લગભગ 20,000 રન બનાવ્યા છે, તેમ છતાં રોહિત અત્યારે જે રીતે સંઘર્ષ કરી રહ્યો છે, તેનાથી લાગે છે કે તેનું ફોર્મ સપોર્ટ કરતું નથી.
તેણે કહ્યું કે હવે જે થઈ રહ્યું છે તે એ છે કે તે કેપ્ટન છે અને તેથી જ તે રમી રહ્યો છે. જો તે કેપ્ટન ન હોત, તો કદાચ અત્યારે તે રમતો ન હોત. જાણવા મળ્યું છે કે રોહિત ઓસ્ટ્રેલિયાના આ પ્રવાસ બાદ તેના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે.