Kohli vs Sachin : આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 100 સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે, જેને તોડવો ખુબ જ મુશ્કેલ છે. જોકે વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટમાં એકમાત્ર એવો ક્રિકેટર છે જે કદાચ આ રેકોર્ડ તોડી શકે છે. જોકે તે તેની બહુ નજીક નથી, પરંતુ તે તોડવા સક્ષમ છે. હવે વિરાટ કોહલી સચિન તેંડુલકરનો 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડી શકશે કે નહીં તે અંગે બ્રાયન લારાએ ગણિતની ભાષામાં ખુલાસો કર્યો હતો.
કોહલી માટે સચિનનો રેકોર્ડ તોડવો કેમ મુશ્કેલ બનશે
ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર (અણનમ 400 રન) બનાવનાર બ્રાયન લારાએ ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવ્યું હતું કે શા માટે વિરાટ કોહલી માટે સચિન તેંડુલકરનો 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ તોડવો મુશ્કેલ છે. બ્રાયન લારાએ કહ્યું કે વિરાટ કોહલી હાલ 35 વર્ષનો છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 80 સદી છે. સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવા માટે વિરાટ કોહલીને હવે વધુ 21 સદીની જરૂર છે.
આ પણ વાંચો – વર્લ્ડ કપ પછી ક્રિકેટ દુનિયામાં લગ્નની સિઝન, 7 દિવસમાં 5 ખેલાડીઓએ નવી ઇનિંગ્સની શરૂઆત કરી
લારાએ વધુમાં જણાવ્યું હતું કે જો વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દર વર્ષે ઓછામાં ઓછી 5 સદી ફટકારે છે તો પછી તેણે 21 સદી ફટકારવા માટે ઓછામાં ઓછા ચાર વર્ષ વધુ રમવું પડશે. એટલે કે ત્યાં સુધીમાં વિરાટ કોહલીની ઉંમર 39 વર્ષની થઈ જશે અને ઉંમરના તે તબક્કે તેંડુલકરના આ સિમાચિહ્ન સુધી પહોંચવું તેના માટે ખૂબ જ અઘરું કામ હશે. જોકે લારાની વાત તાર્કિક રીતે સાચી લાગે છે પરંતુ વિરાટ કોહલી આજકાલ જે પ્રકારનું ક્રિકેટ રમી રહ્યો છે અને વર્ષ 2023માં તેણે જે રીતે સદી ફટકારી છે, તેનાથી કશું પણ શક્ય બની શકે છે.
કોહલીએ વર્લ્ડ કપ 2023માં સચિનનો વન-ડેમાં 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો
આમ જોવા જઈએ તો કોહલી ભલે હવે ટી-20 ફોર્મેટમાં વધુ રમતો જોવા નહીં મળે, પરંતુ તેને ટેસ્ટ અને વન ડેમાં તક મળશે અને ક્રિકેટમાં ક્યારે શું બની જાય તે કોઇ કહી શકે તેમ નથી. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ વર્લ્ડ કપ 2023 દરમિયાન સચિન તેંડુલકરની વન-ડેમાં 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ અત્યાર સુધીમાં 518 આંતરરાષ્ટ્રીય મેચોમાં 26,532 રન ફટકાર્યા છે અને હાલમાં તે 80 સદી સહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ચોથા ક્રમે છે.