Bye Bye 2023: ટીમ ઇન્ડિયા માટે સિદ્ધિઓથી ભરેલું વર્ષ, રચ્યો ઇતિહાસ, 5 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો

બાય બાય 2023 : વર્ષ 2023 રમતગમતની દ્રષ્ટિએ ભારત માટે ઘણું સફળ રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અનેક ઇતિહાસ રચ્યા છે. ભારતીય ક્રિકેટ માટે પણ 2023નું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું હતું.

Written by Ashish Goyal
Updated : December 15, 2023 11:41 IST
Bye Bye 2023: ટીમ ઇન્ડિયા માટે સિદ્ધિઓથી ભરેલું વર્ષ, રચ્યો ઇતિહાસ, 5 વર્ષના દુષ્કાળનો અંત આણ્યો
ભારતીય ક્રિકેટ ટીમ માટે 2023નું વર્ષ શાનદાર રહ્યું છે (તસવીર - ઇન્સ્ટાગ્રામ /indiancricketteam)

Bye Bye 2023 : વર્ષ 2023 ખતમ થવાને હવે થોડા દિવસોની વાર છે. નવા વર્ષને નવી આશાઓ અને આત્મવિશ્વાસ સાથે આવકારવા તૈયાર છે. ખેલાડીઓને પણ આ જ વાત લાગુ પડે છે. વર્ષ 2023 રમતગમતની દ્રષ્ટિએ ભારત માટે ઘણું સફળ રહ્યું છે. ભારતીય ખેલાડીઓએ અનેક ઇતિહાસ રચ્યા છે. ભારતીય ક્રિકેટ માટે પણ 2023નું વર્ષ ખૂબ જ ખાસ રહ્યું હતું.

ભારતીય ક્રિકેટ ટીમે 5 વર્ષ બાદ કોઇ મલ્ટિનેશન ટૂર્નામેન્ટ જીતી હતી. વર્ષ 2023માં તે ટેસ્ટ, વનડે અને ટી20માં નંબર વન ટીમ બની. આ સાથે તેણે સતત બીજી વખત આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. વર્ષ 2023માં જ ભારતીય ક્રિકેટ ટીમે વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : સતત બીજી વખત ફાઇનલ રમ્યા

ભારતે સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ફાઇનલમાં બીજી ટીમ ઓસ્ટ્રેલિયા હતી. ફાઇનલ મેચ 7 થી 11 જૂન દરમિયાન ઇંગ્લેન્ડના લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાઇ હતી. ભારતીય ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સમાં 469 રન ફટકાર્યા હતા. ભારતની પ્રથમ ઈનિંગ્સ 69.4 ઓવરમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ 84.3 ઓવરમાં 8 વિકેટે 270 રન બનાવી બીજી ઈનિંગ્સ ડિકલેર કરી હતી. ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ ટીમ ઇન્ડિયા 63.3 ઓવરમાં 234 રનમાં જ ઓલઆઉટ થઈ ગઇ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ 209 રનથી મેચ જીતી લીધી હતી.

આ પણ વાંચો – કોહલી કેમ નહીં તોડી શકે સચિનની 100 આંતરરાષ્ટ્રીય સદીનો રેકોર્ડ, લારાએ સમજાવ્યું ગણિત

એશિયા કપ 2023: 2018 પછી મલ્ટિનેશન ટૂર્નામેન્ટ જીતી

એશિયા કપ 2023 વન-ડે ફોર્મેટમાં રમાયો હતો. એશિયા કપની મેચો મુલ્તાન, લાહોર, પલ્લીકેલે અને કોલંબોમાં તારીખ 30 ઓગસ્ટથી લઈને 17 સપ્ટેમ્બર દરમિયાન રમાઈ હતી. ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી, પરંતુ તેમનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.

મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાની ઘાતક બોલિંગ સામે શ્રીલંકાની ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ ધરાશાયી થઇ ગઇ હતી. સિરાજે 7 ઓવરમાં માત્ર 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. હાર્દિકે 2.2 ઓવરમાં માત્ર 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ભારતે 6.1 ઓવરમાં 51 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ પહેલા ભારતે 2018માં એશિયા કપ જીત્યો હતો.

ભારત એક સાથે ત્રણેય ફોર્મેટમાં આઈસીસી રેન્કિંગમાં ટોચ પર પહોંચનારો બીજો દેશ બન્યો

ભારતીય ક્રિકેટ ટીમે 22 સપ્ટેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયા સામેની 3 વન ડે શ્રેણીની પ્રથમ મેચમાં 5 વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે જ ભારતે પાકિસ્તાનને પાછળ છોડીને આઇસીસી વન-ડે રેન્કિંગમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. એટલું જ નહીં તેઓ એક સાથે રમતના ત્રણેય ફોર્મેટમાં નંબર 1 બનનારી વિશ્વની બીજી ટીમ બની હતી. ભારત પહેલા દક્ષિણ આફ્રિકાએ 2014માં આ સિદ્ધિ મેળવી હતી.

વન-ડે વર્લ્ડ કપ 2023: ભારત ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું

વર્લ્ડ કપની મેચો ભારતના 10 મેદાનો પર 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર 2023 દરમિયાન રમાઈ હતી. 10 ટીમોની આ ટૂર્નામેન્ટમાં ભારતે ટોચ પર રહીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચવા સફળ રહી હતી. આ પહેલા ભારત 1983 અને 2011માં ચેમ્પિયન રહી ચુકી છે. જોકે ફાઇનલમાં ભારતનો ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈ પણ ટીમ માટે વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવું એ નાની સિદ્ધિ નથી. |

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ