Mohammad Shami : કલકત્તા હાઈકોર્ટે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને આદેશ આપ્યો છે કે તે પોતાની પત્ની સાથે ચાલી રહેલી કાનૂની લડાઈ દરમિયાન અલગ રહેલી પત્ની હસીન જહાં અને તેમની પુત્રીને ભરણપોષણ પેટે દર મહિને રુપિયા 4 લાખ આપે. હસીન જહાંએ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ક્રિકેટરને વર્ષ 2023માં પોતાની પત્નીને રુપિયા 50,000 અને પુત્રીને રુપિયા 80,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ અજય કુમાર મુખર્જી દ્વારા મંગળવારે પસાર કરેલા આદેશમાં જણાવાયું હતું કે મારા મતે મુખ્ય અરજીના નિકાલ સુધી અરજદાર નંબર 1 (પત્ની) ને 1,50,000 રૂપિયા અને તેમની પુત્રીને દર મહિને 2,50,000 રૂપિયા ચૂકવવાથી બંને અરજદારો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય રહેશે, આદેશમાં કહેવામાં આવ્યું છે કે જોકે અરજદારના બાળકના સંદર્ભમાં, પતિ /વિરોધી પક્ષ નંબર 2 હંમેશા તેના શિક્ષણ અથવા અને અન્ય વાજબી ખર્ચમાં ઉપરોક્ત રકમ ઉપરાંત સ્વેચ્છાએ તેને સહાય કરવા માટે સ્વતંત્ર રહેશે.
હસીન જહાંએ 2018માં શમી સામે એફઆઈઆર નોંધાવી હતી
મોહમ્મદ શમી અને હસીન જહાંએ એપ્રિલ 2014માં લગ્ન કર્યા હતા. હસીન જહાંએ લગ્નના 4 વર્ષ બાદ માર્ચ 2018માં જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેના પરિવાર વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. એફઆઈઆરમાં પ્રોટેક્શન ઓફ વિમેન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ (પીડબ્લ્યુડીવી) એક્ટ, 2005ની કલમ 12 હેઠળ “ભારે શારીરિક અને માનસિક ત્રાસ” અને તેમની સગીર પુત્રી પ્રત્યે “સતત ઉદાસીનતા અને ઉપેક્ષા” નો આરોપ મૂકવામાં આવ્યો હતો.
હસીન જહાંએ શું કહ્યું
કલકત્તા હાઈકોર્ટના ચુકાદા બાદ હસીન જહાંએ એએનઆઈ સાથે વાત કરતા કહ્યું કે લગ્ન પહેલા હું મોડલિંગ અને એક્ટિંગ કરતી હતી. લગ્ન બાદ શમીએ મને મારો પ્રોફેશન છોડવા માટે મજબૂર કરી હતી. તે ઇચ્છતો હતો કે હું માત્ર ગૃહિણીનું જીવન જીવું. હું શમીને એટલો પ્રેમ કરતી હતી કે મેં તેને ખુશીથી સ્વીકારી લીધો. પરંતુ હવે મારી પાસે મારી પોતાની કમાણી નથી. શમીએ અમારા ભરણપોષણની તમામ જવાબદારી લેવી પડશે.
આ પણ વાંચો – સચિન જ્યારે ધોરણ 10 નું પુસ્તક લઇને ઇંગ્લેન્ડ ગયો હતો, સંકટમાં સદી ફટકારી ભવિષ્યની ઝલક દેખાડી હતી
હસીન જહાંએ કહ્યું કે જ્યારે શમીએ અમારા ખર્ચની ચૂકવણી કરવાની ના પાડી, ત્યારે અમારે કોર્ટનો સંપર્ક કરવો પડ્યો. ભગવાનનો આભાર કે આપણા દેશમાં કાનૂન છે જે લોકોને પોતાની જવાબદારી ઉઠાવવાનો આદેશ આપે છે . જો તમે કોઇની સાથે રિલેશનમાં છો તો તેમના ચહેરા પર એવું લખેલું નથી કે તેનું ચરિત્ર ખરાબ છે, તે અપરાધી છે અથવા તેઓ તમારી સાથે અને તમારા બાળકના ભવિષ્ય સાથે ખિલવાડ કરશે. ઘણી મહિલાઓ આ રીતે ભોગ બને છે, હું પણ આનો શિકાર બની હતી.
શમી વિશે તે શું કહેવા માંગશે તેવા સવાલ પર હસીન જહાંએ કહ્યું કે હું કહીશ કે અલ્લાહતાલાએ મોટા પાપીઓને માફ કરી દીધા છે, તેથી તેણે પણ તેના દુષ્કૃત્યો છોડી દેવા જોઈએ. હસીન જહાંએ કહ્યું કે હું તેને કહેવા માંગુ છું કે ખુદાને માટે, પોતાના જીવન માટે આ ખોટી જીદ, કુકર્મ કર્યા પછી જે એક જીદ છે કે હું હસીન જહાંની જિંદગી બરબાદ કરી નાખીશ. તે આ જીદ છોડી દે.
તે મને બર્બાદ કરી શક્યો નથી કારણ કે હું ન્યાયના માર્ગે છું – હસીન જહાં
હસીન જહાંએ કહ્યું કે આ વાતને સાતથી સાડા સાત વર્ષ થઈ ગયા છે. તે મને બર્બાદ કરી શક્યો નથી કારણ કે હું ન્યાયના માર્ગે છું. હકના રસ્તે છું અને તે અન્યાયના રાસ્તે છે. તેણે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. ઘણા કુકર્મ કર્યા છે. મારી બાળકી સાથે અન્યાય કર્યો છે. તેથી તેણે આ બધું સહન કરવું પડશે અને જો તે હજી પણ સુધરશે નહીં તો તેનું જીવન પણ નર્ક બની જશે.