/indian-express-gujarati/media/media_files/2026/02/17/yuvraj-samra-t20-world-cup-2026-2026-02-17-16-54-02.jpg)
યુવરાજ સમરા: કેનેડાનો નવો સિતારો જેણે ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક સદી ફટકારી Photograph: (X/icc)
Yuvraj samra t20 world cup record: કેનેડાના 19 વર્ષીય યુવરાજ સિંહ સમરાએ આઇસીસી ટી-20 વર્લ્ડ કપ 2026માં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેણે ટી-20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ ડીમાં ન્યૂઝીલેન્ડ સામે આ સદી ફટકારી છે. 29 સપ્ટેમ્બર 2006ના રોજ જન્મેલ યુવરાજ સમરા ટી-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં સદી ફટકારનારો સૌથી યુવા બેટ્સમેન બન્યો છે.
ટી-20 વર્લ્ડ કપમાં કેનેડાની પ્રથમ સદી
યુવરાજ સમરા ટી-20 વર્લ્ડ કપમાં કેનેડા તરફથી સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. આટલું જ નહીં, ટી-20 વર્લ્ડ કપમાં એસોસિએટ ટીમો માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર કરવાનો રેકોર્ડ પણ પોતાને નામ કર્યો છે. ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવરાજ સિંહ સમરાની આ પ્રથમ સદી છે. યુવરાજ સિંહ સમરાએ 65 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 110 રન ફટકાર્યા હતા.
છ છગ્ગા લગાવી રચ્યો ઈતિહાસ
યુવરાજ સમરા અગાઉ સ્કોટલેન્ડના બ્રેન્ડન મેકમુલેને 2024માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં 6-6 છગ્ગા ફટકાર્યા હતા અને ઈટાલીના બેન મેનેન્ટીએ 16 ફેબ્રુઆરી, 2026 ના રોજ ઈંગ્લેન્ડ સામેની મેચમાં 6-6 છગ્ગા ફટકાર્યા હતા.
યુવરાજની વાર્તા ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી
યુવરાજ સિંહ સમરાની વાર્તા કોઈ ફિલ્મી સ્ક્રીપ્ટથી ઓછી નથી. તેના પિતા બલજીત સમરા યુવરાજ સિંહના એટલા મોટા ચાહક હતા કે તેમણે તેમના પુત્રનું નામ તેમના નામ પર રાખ્યું. જો કે મજાની વાત એ છે કે તેમણે પુત્રને ક્રિકેટ રમતો જોવા માટે પોતે ઘણી મહેનત કરી અને યુવરાજને ક્રિકેટ રમતો કર્યો.
ટી 20 વર્લ્ડ કપમાં વ્યક્તિગત સૌથી વધુ રન
| ખેલાડી | રન | દેશ | કોની વિરુદ્ધ | ક્યારે અને ક્યાં |
| યુવરાજ સમરા | 110 | કેનેડા | ન્યૂઝીલેન્ડ | ચેન્નાઈ, 2026 |
| એરોન જોન્સ | 94 અણનમ | યુએસએ | કેનેડા | ગ્રાન્ડ પ્રેરી, વર્ષ 2024 |
| માઈકલ જોન્સ | 86 | સ્કોટલેન્ડ | આયર્લેન્ડ | હોબાર્ટ, 2022 |
| જ્યોર્જ મુન્સે | 84 | સ્કોટલેન્ડ | ઈટાલી | કોલકાતા, વર્ષ 2026 |
| એન્ડ્રીઝ ગાઉસ | 80 અણનમ | યુએસએ | દક્ષિણ આફ્રિકા | નોર્થ સાઉન્ડ, વર્ષ 2024 |
યુવરાજ સિંહ સમરા ડાબોડી બેટ્સમેન છે. યુવરાજ બોલને સંપૂર્ણ તાકાતથી ફટકારવાનું પસંદ કરે છે. ઇએસપીએન ક્રિકઇન્ફો સાથેની વાતચીતમાં યુવરાજ સિંહ સમરાએ કહ્યું હતું કે, જ્યારે બોલ મધ્યમાં આવે છે ત્યારે જે અવાજ આવે છે, ખાસ કરીને સ્ટેડિયમમાં. તે લાગણી આશ્ચર્યજનક છે. હું આખો દિવસ તે અવાજ સાંભળી શકું છું.
15 બોલમાં અડધી સદી
યુવરાજ સિંહ સમરાએ અત્યાર સુધીમાં કેનેડા માટે આઠ વનડે અને 19 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ટી 20 વર્લ્ડ કપ 2026 માં ન્યૂઝીલેન્ડ સામેની સદીવાળી સ્ફોટક બેટીંગ ઉપરાંત તેની નોંધપાત્ર સિદ્ધિઓમાં બહામાસ સામેની 15 બોલની અડધી સદીનો સમાવેશ થાય છે, જે કેનેડા માટે રાષ્ટ્રીય રેકોર્ડ છે. યુવરાજની આ સિદ્ધિ તેના નામના યુવરાજ સિંહની યાદ અપાવે છે. ભારતીય દિગ્ગજ ખેલાડી યુવરાજ સિંહ એ પ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં 12 બોલમાં અડધી સદી ફટકારી હતી.
યુવરાજ સામરાએ કહ્યું હતું કે, 'હું નાનો હતો એ વખતે જ્યારે મારા પપ્પા સવારે જાગતા ત્યારે હું પૂછતો, "તમે ક્યાં જઈ રહ્યા છો?" હું પણ જઈશ! હું પણ જઈશ! પછી તે મને લઈ જતો. જ્યાં સુધી તેમની ટીમ બેટિંગ ન કરે ત્યાં સુધી હું રોકાતો હતો, પરંતુ જ્યારે તેમને બોલિંગ કરવાનો વારો આવે ત્યારે હું ત્યાંથી નીકળી જતો.
યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેકશન
યુવરાજ સમરા બે વખત યુવરાજ સિંહને મળી ચૂક્યો છે. બંનેની મુલાકાત 2019માં પહેલીવાર થઈ હતી. ત્યારબાદ યુવરાજ સામરા ટોરોન્ટો નેશનલ્સ તરફથી રમતો હતો. આ પછી વર્ષ 2025માં સુપર 60 ટુર્નામેન્ટ દરમિયાન યુવરાજ સામરા અને યુવરાજ સિંહ ટકરાયા હતા.
યુવરાજ સિંહ સમરાના જણાવ્યા અનુસાર, 'જ્યારે પપ્પાએ તેમને મારું નામ કહ્યું ત્યારે તેઓ હસવા લાગ્યા અને કહ્યું- ઓહ વેલ. પિતા બલજીત ઇચ્છે છે કે તેમનો પુત્ર તેમના આદર્શની જેમ રમે, પરંતુ યુવરાજ સમરાને સ્પષ્ટ કહે છે, હું મારી પોતાની ઓળખ બનાવવા માંગુ છું.
આ પણ વાંચો | ટી20 વર્લ્ડકપ 2026 સુપર 8 માં ન્યૂઝીલેન્ડની ધમાકેદાર એન્ટ્રી, કેનેડા સહિત 3 ટીમો થઈ એલિમિનેટ
જોકે, યુવરાજ સમરા તેની મર્યાદાઓ જાણે છે. યુવરાજ કહે છે કે, 'હું એબી ડિવિલિયર્સ જેવો નથી કે હું દરેક જગ્યાએ શોટ લઈ શકું, પરંતુ મારી પાસે મારા પોતાના શોટ્સ છે. હું સીધા શોટ ફટકારવામાં ખૂબ જ સારો છું. યુવરાજના પિતાનું સપનું છે કે તેનો પુત્ર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે. યુવરાજ સમરા પણ આઈપીએલ રમવા ઇચ્છુક છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us