આ ખેલાડીએ 103 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારી, 27 ફોર, 7 સિક્સર ફટકારી

Chad Bowes : ચાડ બોવેસે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ભારતીય વિકેટકિપર બેટ્સમેન એન.જગદિસનનો સંયુક્ત રેકોર્ડ તોડ્યો

Written by Ashish Goyal
Updated : October 23, 2024 15:15 IST
આ ખેલાડીએ 103 બોલમાં સૌથી ફાસ્ટેસ્ટ બેવડી સદી ફટકારી, 27 ફોર, 7 સિક્સર ફટકારી
ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ચાડ બોવેસે બુધવારે ઘરેલું ફોર્ડ કપ ટૂર્નામેન્ટમાં 103 બોલમાં બેવડી સદી ફટકારી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ડબલ સદીનો રેકોર્ડ બનાવ્યો (Pics : bowesy07/insta)

Chad Bowes Fastest List A Double Century : ન્યૂઝીલેન્ડના બેટ્સમેન ચાડ બોવેસે બુધવારે ઘરેલું ફોર્ડ કપ ટૂર્નામેન્ટમાં 103 બોલમાં બેવડી સદી ફટકારી લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ડબલ સદીનો રેકોર્ડ બનાવ્યો છે. ચાડ બોવેસે ઓટાગો વોલ્ટ્સ સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. કૈંટરબરી કિંગ્સનું પ્રતિનિધિત્વ કરતા ન્યૂઝીલેન્ડના આ બેટ્સમેને વોલ્ટ્સ સામે બેટિંગ કરતી વખતે 103 બોલમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. 32 વર્ષીય બોવેસે 27 ફોર અને સાત સિક્સર ફટકારી હતી

બોવેસની બેવડી સદીની મદદથી કૈંટરબરી કિંગ્સે 50 ઓવરમાં નવ વિકેટે 343 રન ખડક્યા હતા. બોવેસે લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારવાનો ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ અને ભારતીય વિકેટકિપર બેટ્સમેન એન.જગદિસનનો સંયુક્ત રેકોર્ડ તોડી નાખ્યો છે. બંનેએ 114 બોલમાં પોતાની બેવડી સદી ફટકારી હતી. બોવેસ 110 બોલમાં 205 રન બનાવી આઉટ થયો હતો.

ફોર્ડ કપ ટૂર્નામેન્ટમાં બીજી બેવડી સદી

ફોર્ડ કપ ટૂર્નામેન્ટમાં આ બીજી બેવડી સદી છે. અગાઉ 2012-13માં જેમી હોવે સેન્ટ્રલ સ્ટૈગ્સ તરફથી રમતા 222 રન ફટકાર્યા હતા. જોગાનુજોગ બોવેઝની મેરેથોન ઈનિંગ પણ તેની 100મી લિસ્ટ એ મેચમાં આવી હતી. ન્યૂઝીલેન્ડનો આ ઓપનરે કિવી ટીમ માટે 6 વન-ડે અને 11 ટી-20 મેચ રમ્યો છે. તે બધી મેચો 2023માં રમ્યો હતો.

આ પણ વાંચો – આઈપીએલ મેગા હરાજી 2025 : ખેલાડીઓને રિટેન કરવા પર કોને કેટલી રકમ મળશે, જાણો

બોવેસે માત્ર 53 બોલમાં પોતાની સદી ફટકારી હતી

બોવેસે માત્ર 53 બોલમાં જ પોતાની સદી ફટકારી હતી, જેના કારણે તે ટૂર્નામેન્ટના ઈતિહાસની પાંચ સૌથી ઝડપી સદી (બોલની દ્રષ્ટિએ) પૈકીની એક બની ગઈ હતી. સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન રોસ ટેલરના નામે છે. તેણે 2021/22માં સેન્ટ્રલ સ્ટૈગ્સ તરફથી 49 બોલમાં સદી ફટકારી હતી.

દક્ષિણ આફ્રિકામાં જન્મેલા બોવેસે 2015માં ન્યૂઝીલેન્ડ જતા પહેલા પ્રોટિયાઝ અંડર -19 ટીમ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે 2012ના અંડર-19 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાની કેપ્ટન્સી સંભાળી હતી અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાંથી એક હતો.

મેન્સ લિસ્ટ એ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી

  • 103 બોલ – ચાડ બોવેસ વિ. ઓટાગો, 2024
  • 114 બોલ – ટ્રેવિસ હેડ વિ. ક્વીન્સલેન્ડ, 2021
  • 114 બોલ – નારાયણ જગદીસન વિ. અરુણાચલ પ્રદેશ, 2022

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ