Champions Trophy 2025 : પાકિસ્તાન આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવાની છે. 1996 બાદ પહેલી વખત પાકિસ્તાન કોઇ આઈસીસી ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે. જોકે તેમાં ભારત રમશે કે નહીં, તટસ્થ સ્થળે મેચો રમાશે કે નહીં તે અંગે ઘણી શંકા સેવાઈ રહી છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ખેલાડી બાસિત અલીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને ચેતવ્યા છે.
બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનના પ્રવાસે
બાસિત અલીનું કહેવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝને પાકિસ્તાન આવવાનું છે. આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે. જો ઈંગ્લેન્ડ, વિન્ડીઝ અને બાંગ્લાદેશ પાકિસ્તાનનો પ્રવાસ કરવાના છે ત્યારે આપણે સિક્યોરિટી તરફ વધુ ધ્યાન આપવું પડશે.
પાકિસ્તાનની યજમાની છીનવાઇ ના જાય
બાસિત અલીએ કહ્યું કે જો પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન કંઈ પણ થશે તો ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની પણ છીનવાઇ જશે. આપણા જવાનો બલૂચિસ્તાન અને પેશાવરમાં શહીદ થઇ રહ્યા છે. આવું કેમ થઈ રહ્યું છે તેનો જવાબ માત્ર સરકાર જ આપી શકે છે.
તેમણે આગળ કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે સુરક્ષામાં કોઈ ખામી ન રહે. વિદેશી ટીમોને આપણા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિને મળે છે તેવી જ સુરક્ષા આપવી જોઈએ.
આ પણ વાંચો – દુલીપ ટ્રોફી રમશે વિરાટ કોહલી અને રોહિત શર્મા, ભારત બાંગ્લાદેશ ટેસ્ટ સીરિઝ માટે કરશે તૈયારી
ન્યૂઝીલેન્ડે 2021માં પ્રવાસ રદ કર્યો હતો
વર્ષ 2010 બાદ પાકિસ્તાનમાં કોઈ પણ શ્રેણી કે ટૂર્નામેન્ટના આયોજન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનમાં ધીરે ધીરે ક્રિકેટ પરત ફરી રહ્યું છે. જોકે ટીમોને હજુ પણ સંપૂર્ણ વિશ્વાસ નથી. વર્ષ 2021માં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પહોંચીને પ્રવાસ રદ કર્યો હતો. આ પછી ઈંગ્લેન્ડે પણ પ્રવાસ રદ કર્યો. જોકે બાદમાં તેમણે પ્રવાસ કરવાની હા પાડી હતી.
ભારત હજુ સુધી પાકિસ્તાન જવા માટે રાજી થયું નથી. બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માટે તૈયાર નથી. વર્ષ 2023માં પાકિસ્તાને એશિયા કપની યજમાની પણ કરી હતી, પરંતુ ટીમ ઇન્ડિયાએ હજી પણ પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આવી સ્થિતિમાં આઇસીસીએ હાઇબ્રિડ મોડલનો ઉપયોગ કર્યો હતો અને ભારતની તમામ મેચો તટસ્થ સ્થળે યોજી હતી. ભારત શ્રીલંકામાં મેચ રમ્યું હતું.





