/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Champions-Trophy.jpg)
Champions Trophy: આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (X/@ICC)
Champions Trophy2025 : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ભાવિનો નિર્ણય શુક્રવાર 29 નવેમ્બર 2024ના રોજ થશે. આઇસીસીએ આ મુદ્દે વિચારણા કરવા માટે બોર્ડ મિટિંગ (વર્ચ્યુઅલ) બોલાવી છે. જો પાકિસ્તાન સૂચિત હાઇબ્રિડ મોડલ સાથે સહમત નહીં થાય તો મતદાન પ્રક્રિયા દ્વારા દેશ પાસેથી હોસ્ટિંગના અધિકારો છીનવી લેવાની યોજના છે. અહેવાલો એમ પણ સૂચવે છે કે પાકિસ્તાનને તેનું વલણ બદલવા માટે નાણાકીય પ્રોત્સાહનોનો ઉપયોગ થઈ શકે છે.
PCB સહ-યજમાન માટે તૈયાર નથી
જોકે પીસીબીના સૂત્રોને ટાંકીને ક્રિકેટ પાકિસ્તાને લખ્યું કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) કો-હોસ્ટિંગ કે વધારાના નાણાકીય વળતર સાથે સંબંધિત કોઈ પણ પ્રસ્તાવને સ્વીકારશે નહીં. પીસીબી આ ટૂર્નામેન્ટને સંપૂર્ણપણે પાકિસ્તાનમાં યોજવા પર અડગ છે. 2025ની શરૂઆતમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી, ઘણા વર્ષો પછી આઇસીસી ઇવેન્ટની યજમાની માટે પાકિસ્તાનની વાપસીનું પ્રતિક છે.
મીટિંગમાં હાઇબ્રિડ મોડલ પર ચર્ચા
ક્રિકેટ પાકિસ્તાને લખ્યું કે શુક્રવારે 29 નવેમ્બરે યોજાનારી વર્ચ્યુઅલ મીટિંગમાં ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ચર્ચા આયોજન અંગે ચર્ચા થશે. જો પાકિસ્તાન આ વાત સાથે સહમત ન થાય તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) સમગ્ર ટૂર્નામેન્ટને અન્ય સ્થળે ખસેડવા માટે વોટિંગ પ્રક્રિયાનો સહારો લઈ શકે છે. આવી સ્થિતિમાં પીસીબી ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરી શકે છે અથવા ભારત સામે રમવાનો ઇન્કાર કરી શકે છે. જોકે બ્રોડકાસ્ટર્સ નાણાકીય અસરોને કારણે પછીના વિકલ્પને ટેકો આપી શકશે નહીં.
આ પણ વાંચો - આવી હોઇ શકે છે લખનઉ સુપર જાયન્ટ્સની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાન કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે
ક્રિકેટ પાકિસ્તાનના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન સંભવિત કાયદાકીય કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. તેમણે લંડનમાં વકીલો સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. પીસીબીએ કરાચી, લાહોર અને રાવલપિંડીના સ્ટેડિયમોના નવીનીકરણમાં 13 અબજ પાકિસ્તાની રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે. જો ટૂર્નામેન્ટને ખસેડવામાં આવે તો તેને મોટું નુકસાન થશે તે નક્કી છે. આઇસીસી નાણાકીય નુકસાન માટે વળતરની ઓફર કરી શકે છે, પરંતુ પીસીબીનું કહેવું છે કે તે આ પ્રકારની ઓફર સ્વીકારશે નહીં કે તેના હોસ્ટિંગ રાઇટ્સ પર સમાધાન કરશે નહીં.
BCCIએ પાકિસ્તાનમાં રમવાનો કર્યો ઇન્કાર
બીસીસીઆઈએ ચેમ્પિયન્સ ટ્રોફીના મુકાબલા પાકિસ્તાનમાં રમવાનો ઈન્કાર કરી દીધો છે. આ જ કારણ છે કે ટૂર્નામેન્ટનો કાર્યક્રમ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવપૂર્ણ છે. ભારતીય ક્રિકેટ ટીમે 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બીસીસીઆઈ ઈચ્છે છે કે આ ટૂર્નામેન્ટ હાઈબ્રિડ મોડલમાં રમાય અને ભારતના મુકાબલા કોઇ ત્રીજા દેશમાં આયોજિત કરવામાં આવે. અત્યાર સુધી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આ માટે સહમત નથી.
ICC એ વર્ચ્યુઅલ મીટિંગ બોલાવી
પીટીઆઈએ આઈસીસીના પ્રવક્તાના હવાલાથી લખ્યું કે ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમ અંગે ચર્ચા કરવા માટે આઇસીસી બોર્ડની 29 નવેમ્બરના રોજ બેઠક યોજશે. નિર્ણાયક વર્ચ્યુઅલ મીટિંગ બીસીસીઆઈના સચિવ જય શાહ 1 ડિસેમ્બરે આઈસીસી પ્રમુખ તરીકેનો હવાલો સંભાળ્યાના બે દિવસ પહેલા થઇ રહી છે. જય શાહ અને આઇસીસીના બોર્ડના અન્ય સભ્યો નવા હોદ્દેદારો ચાર્જ સંભાળે તે પહેલા જ આ મામલે ઉકેલ લાવવા માટે ઉત્સુક હશે.
17 સભ્યો બોર્ડમાં છે સામેલ
આઇસીસીના 17 સભ્યોના બોર્ડમાં ચેરમેન ગ્રેગ બાર્કલે, એક સ્વતંત્ર નિર્દેશક (નામની પુષ્ટિ થવાની બાકી છે), મોહસિન નકવી (પાકિસ્તાન), મીરવાઈઝ અશરફ (અફઘાનિસ્તાન), માઇક બેયર્ડ (ઓસ્ટ્રેલિયા), ફારુક અહમદ (બાંગ્લાદેશ), રિચર્ડ થોમ્પસન (ઇંગ્લેન્ડ), જય શાહ (ભારત), બ્રાયન મેકનીસ (આયર્લેન્ડ), રોજર બેઇઝ (ન્યૂઝીલેન્ડ), ડો.મુસા અબ્દુલ સમદ (દક્ષિણ આફ્રિકા), શમ્મી સિલ્વા (શ્રીલંકા), ડો.કિશોર શાલો (વેસ્ટ ઇન્ડીઝ), તવેંગવા મુકુહલાની (ઝિમ્બાબ્વે) અને એસોસિએટ મેમ્બર ડિરેક્ટર મુબાશીર ઉસ્માની, મહિન્દા વલ્લીપુરમ અને ઇમરાન ખ્વાજા (ઉપાધ્યક્ષ) સામેલ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us