Champions Trophy Final 2025 IND vs NZ : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ 9 માર્ચે દુબઇમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારતે આ ટૂર્નામેન્ટમાં 5મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે ત્રીજી વખત ફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. ભારત બે વખત આ ટૂર્નામેન્ટ જીતી ચૂક્યું છે, જ્યારે કિવી ટીમ એક વખત ચેમ્પિયન બની છે.
ન્યૂઝીલેન્ડે ફાઇનલમાં 25 વર્ષ પહેલા ભારતને હરાવ્યું હતું
ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટના ઈતિહાસમાં આ બીજી વખત બન્યું છે જ્યારે ફાઈનલમાં ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. આ પહેલા આ બંને ટીમો વર્ષ 2000માં એટલે કે 25 વર્ષ પહેલા ફાઇનલમાં આમને-સામને ટકરાયા હતા, પરંતુ તે સમયે ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. કિવી ટીમે ભારતને હરાવીને પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું અને હવે ભારત 25 વર્ષ પહેલાની હારનો બદલો લેવા માટે આતુર રહેશે.
સૌરવ ગાંગુલીએ ફટકારી હતી સદી
વર્ષ 2000માં ચેમ્પિયન્સ ટ્રોફી કેન્યામાં યોજાઇ હતી અને ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટથી પરાજય થયો હતો. તે વર્ષે ભારતની કેપ્ટનશિપ સૌરવ ગાંગુલીના હાથમાં હતી અને ન્યૂઝીલેન્ડની કેપ્ટન્સી સ્ટીફન ફ્લેમિંગે સંભાળી હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ કેપ્ટન ગાંગુલીની સદી (117)ની મદદથી 50 ઓવરમાં 6 વિકેટે 264 રન કર્યા હતા.
આ પણ વાંચો – કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો, મેળવી આવી સિદ્ધિ
કિવીને જીતવા માટે 265 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયા આ સ્કોરને ડિફેન્ડ કરી શકી ન હતી. કિવી ટીમ વતી ક્રિસ ક્રેઇને અણનમ 102 રનની ઇનિંગ્સ રમી હતી અને 49.4 ઓવરમાં 6 વિકેટે 265 રન બનાવીને ભારતના હાથમાંથી મેચ આંચકી લીધી હતી. ક્રિસ ક્રેઇનને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
શું ગાંગુલીની હારનો બદલો લેશે રોહિત શર્મા?
ફરી એકવાર 25 વર્ષ બાદ ભારત અને ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં આમને-સામને થવા જઇ રહ્યા છે. ટીમ ઇન્ડિયા પાસે ગાંગુલીની હારનો બદલો લેવાની સાથે સાથે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતવાની પણ મોટી તક છે. રોહિત શર્મા આ બદલો લેશે કે નહીં તે 9 માર્ચે ફાઇનલના દિવસે ખબર પડશે.