Mohammad Shami Record : ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બાંગ્લાદેશ સામેની પ્રથમ લીગ મેચમાં ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં તેણે રેકોર્ડની વણઝાર સર્જી છે. શમી સૌથી ઓછા બોલમાં વન-ડે ક્રિકેટમાં 200 વિકેટ ઝડપનારો બોલર બની ગયો છે.
શમીએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કનો રેકોર્ડ તોડીને આ શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો. બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન જેકર અલીને આઉટ કરતાં જ તેણે આ સિદ્ધિ મેળવી હતી.
વન-ડેમાં સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનારા બોલરો
- 5126 બોલ – મોહમ્મદ શમી
- 5240 બોલ – મિચેલ સ્ટાર્ક
- 5451 બોલ – સકલીન મુસ્તાક
- 5640 બોલ – બ્રેટ લી
- 5783 બોલ – ટ્રેન્ટ બોલ્ટ
- 5883 બોલ – વકાર યુનુસ
શમીએ 103 ઈનિંગમાં 200 વિકેટ પુરી કરી
શમીએ વન ડે ફોર્મેટમાં 103 ઈનિંગમાં 200 વિકેટ પુરી કરી છે. તે વન ડેમાં સૌથી ઓછી ઈનિંગમાં 200 વિકેટ ઝડપનારા બોલરોની યાદીમાં ત્રીજા ક્રમે આવી ગયો છે. તેણે ટ્રેન્ટ બોલ્ટને પાછળ રાખી દીધો છે. વન ડેમાં સૌથી ઓછી ઈનિંગમાં 200 વિકેટ ઝડપનારો બોલર સકલીન મુસ્તાક છે, જેણે 101 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
વન-ડેમાં સૌથી ઓછી ઈનિંગમાં 200 વિકેટ ઝડપનારા બોલરો
- 101 – સકલીન મુસ્તાક
- 102 – મિચેલ સ્ટાર્ક
- 103 – મોહમ્મદ શમી
- 106 – ટ્રેન્ટ બોલ્ટ
- 109 – બ્રેટ લી
શમીએ સચિન તેંડુલકરને પાછળ રાખ્યો
શમીએ બાંગ્લાદેશ સામેની આ મેચમાં 53 રન આપીને 10 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં તે ભારત તરફથી બેસ્ટ બોલર્સની યાદીમાં બીજા ક્રમે આવી ગયો હતો. શમીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિને 1998માં 38 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને તે હવે ત્રીજા નંબર પર સરકી ગયો છે. આ ટૂર્નામેન્ટમાં ભારત તરફથી સૌથી બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરનાર બોલર રવિન્દ્ર જાડેજા છે, જેણે 2013માં 36 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો – ભારત વિ બાંગ્લાદેશ લાઇવ અપડેટ્સ અહીં જુઓ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે શ્રેષ્ઠ બોલિંગ કરનારા ટોચના બોલરો
- 5/36- રવિન્દ્ર જાડેજા વિ વેસ્ટ ઈન્ડિઝ, ધ ઓવલ 2013
- 5/53- મોહમ્મદ શમી વિ બાંગ્લાદેશ, દુબઈ 2025
- 4/38- સચિન તેંડુલકર વિ ઓસ્ટ્રેલિયા, ઢાકા 1998
- 4/45- ઝહીર ખાન વિ ઝિમ્બાબ્વે, આરપીએસ 2002
શમીએ ઝહીર ખાનનો રેકોર્ડ તોડ્યો
મોહમ્મદ શમીએ બાંગ્લાદેશ સામે 5 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો છે. તે મર્યાદિત ઓવરની ICC ટूર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે ઝહીર ખાનને પાછળ છોડી દીધો છે. ઝહીર ખાને 44 મેચમાં 71 વિકેટ ઝડપી હતી. પરંતુ હવે શમીએ 33 મેચમાં 72 વિકેટ લઈને પોતાના નામે એક મોટી સિદ્ધિ નોંધાવી છે