Champions Trophy Final 2025 IND vs NZ : આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટક્કર થવાની છે. આ મેચ 9 માર્ચ 2025ના રોજ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં સેમિ ફાઈનલ સુધીની સફરમાં 3 મેચમાં પરિણામ પ્રાપ્ત થઈ શક્યું નથી. વરસાદના કારણે બે મેચમાં ટોસ થઈ શક્યો ન હતો, જ્યારે 1 મેચ અનિર્ણિત રહી હતી.
આવી સ્થિતિમાં ક્રિકેટ ચાહકોના મનમાં એ સવાલ ઉભો થવો જ જોઈએ કે જો ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલ મેચ રદ કરવામાં આવે તો પછી કોને ટ્રોફી આપવામાં આવશે? કઈ ટીમને ચેમ્પિયન જાહેર કરવામાં આવશે? શું પોઇન્ટ ટેબલ આમાં ભૂમિકા ભજવશે કે નહીં. અહીં અમે જણાવી રહ્યા છીએ કે ફાઇનલ મેચ રદ કરવાને લઇને આઇસીસીનો શું નિયમ છે?
જોકે દુબઈમાં 9 માર્ચે વરસાદની કોઈ આગાહી નથી, પરંતુ જો કોઈ કારણસર તે દિવસે મેચ પૂરી નહીં થાય તો આઈસીસીના નિયમ મુજબ રિઝર્વ ડે (10 માર્ચ)ના રોજ મેચ રમાશે. રિઝર્વ ડેની મેચ પહેલા દિવસે એટલે કે 9 માર્ચે જ્યાંથી રોકવામાં આવી હતી ત્યાંથી મેચ રમાશે.
આઇસીસીના નિયમો શું છે?
- ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં માત્ર સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચો માટે રિઝર્વ ડે છે. બંને સેમિ ફાઈનલ રમાઈ ચૂકી હોવાથી હવે તે માત્ર ફાઈનલને જ લાગુ પડશે.
- જો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ નિર્ધારિત દિવસે પુરી નહીં થાય તો તે બીજા દિવસે પણ ત્યાંથી જ શરુ કરાશે.
- નિર્ધારિત દિવસે મેચ પુરી થાય તે માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. જરૂર પડ્યે ઓવર ઘટાડી શકાય છે. જો મિનિમમ ઓવર (25 ઓવર) પણ ન થઈ શકે તો રિઝર્વ ડેના દિવસે પણ મેચ ચાલુ રહેશે.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : ન્યૂઝીલેન્ડ સામે 25 વર્ષ જૂનો બદલો લેવાની ભારતને તક
- જો મેચ શરૂ થઈ ગઈ હોય અને વિઘ્ન (દા.ત. વરસાદ) ને કારણે ઓવરો ઓછી કરવામાં આવે પરંતુ રમત હજુ પણ શક્ય નથી, તો બીજા દિવસે મેચ ત્યાંથી શરૂ થશે જ્યાંથી છેલ્લો બોલ ફેંકવામાં આવ્યો હતો.
- ભારત અને ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ માટે વધુમાં વધુ 120 મિનિટનો વધારાનો સમય પણ રાખવામાં આવ્યો છે. જો મેચ રિઝર્વ ડે પર જશે તો 10 માર્ચે વધુમાં વધુ 120 મિનિટનો વધારાનો સમય મળશે.
- ફાઈનલ મેચ ટાઈ (બરોબરીનો સ્કોર) થાય તો વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર રમાડવામાં આવશે અને જ્યાં સુધી પરીણામ ન આવે ત્યાં સુધી તે ચાલુ રહેશે.
- જો ટાઈ બાદ હવામાનની પરિસ્થિતિને કારણે સુપર ઓવર પુરી ન થાય કે મેચ રદ થાય કે પછી રિઝર્વ ડેના અંત સુધીમાં કોઈ પરીણામ ન આવે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.