Champions Trophy 2025, IND vs PAK : ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈવોલ્ટેજ મુકાબલો રમાઇ રહ્યો છે. યજમાન પાકિસ્તાન આ મેચ માટે દુબઈ પહોંચ્યું હતું કારણ કે ભારતની તમામ મેચો ત્યાં યોજાવાની છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આમ ભારતીય ટીમ ફરી એક વખત ટોસ જીતવા નિષ્ફળ રહી હતી.
વન ડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયા સતત 12મી વખત ટોસ હાર્યું
વન ડે ફોર્મેટમાં આ સતત 12મી ઘટના છે જ્યારે ભારતીય ટીમના કેપ્ટને ટોસ ગુમાવ્યો છે . વન-ડે વર્લ્ડકપ, દ્વિપક્ષીય શ્રેણી બાદ હવે ચેમ્પિયન્સ ટ્રોફી આવી ગઇ છે પરંતુ ટોસના મામલે ભારતનું ભાગ્ય બદલાઇ રહ્યું નથી. ભારતે છેલ્લે 2023માં વન ડેના વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ટોસ જીત્યો હતા. આ પછી ભારત સતત ટોસ હાર્યું છે. ભારતે જે 12 ટોસ ગુમાવ્યા છે તેમાંથી 9 વખત રોહિત શર્મા ટોસ હારી ચૂક્યો છે અને કેએલ રાહુલ ત્રણ વખત ટોસ હારી ચૂક્યો છે.
આ સાથે જ વન-ડેમાં ભારતના નામે સૌથી વધારે સતત 12 ટોસ હારવાનો અજીબ રેકોર્ડ નોંધાયો છે. આ પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડ્સના નામે હતો. નેધરલેન્ડ્સ 2011 થી 2013 વચ્ચે સતત 11 ટોસ હાર્યું હતું.
આ પણ વાંચો – ભારત વિ પાકિસ્તાન મેચની લાઇવ અપડેટ્સ માટે અહીં ક્લિક કરો
પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો
ભારત સામેની મેચમાં પાકિસ્તાને ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમના કેપ્ટન મોહમ્મદ રિઝવાને કહ્યું કે, તેણે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. ઇમામ ઉલ હકને ટીમના સ્ટાર ખેલાડી ફખર ઝમાનની ઇજાના કારણે પ્લેઇંગ ઇલેવનમાં તક મળી છે. મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. સારો ટાર્ગેટ રાખવા માંગીએ છીએ. આઇસીસીની ઈવેન્ટમાં દરેક મેચ મહત્વની હોય છે. અમે અમારી છેલ્લી મેચ હારી ગયા હતા, પરંતુ હવે તે અમારા માટે ભૂતકાળની વાત છે.
બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી.
પાકિસ્તાન : બાબર આઝમ, ઇમામ-ઉલ હક, સઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કેપ્ટન), સલમાન અલી આગા, તૈયબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, હરિસ રૌફ, અબરાર અહેમદ.