JioHotstar Breaks All Records in India vs Pakistan Champions Trophy Match : ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે(24 ફેબ્રુઆરી 2025) દુબઈમાં રમાયેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ઘણા રેકોર્ડ તૂટ્યા હતા. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની આ પાંચમી મેચમાં જિયોહોટસ્ટાર પર દર્શકોની સંખ્યા 60.2 કરોડ સુધી પહોંચી ગઈ હતી. જિયો હોટસ્ટાર પર સૌથી વધુ રેકોર્ડ દર્શકો ત્યારે હતા જ્યારે વિરાટ કોહલીએ વિજયી બાઉન્ડ્રી ફટકારી હતી અને ભારતે આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાન સામેની આ મેચમાં વિરાટે વન-ડેમાં પોતાની 51મી સદી ફટકારી હતી.
જોકે મેચ શરુ થયાના થોડા સમય બાદ જ લાગતું હતુ કે ભારત આ મેચ જીતી જશે. ભારતે શરૂઆતમાં કેટલીક વિકેટ ગુમાવી હતી પરંતુ કોહલી પીચ પર જ રહ્યો હતો અને યુઝર્સ પણ તેમના સ્માર્ટફોન, પર્સનલ કમ્પ્યુટર અને ટીવી સેટ પર ચોંટી ગયા હતા અને જિયો હોટસ્ટાર પર મેચ જોનારા દર્શકોની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો.
જિયો હોટસ્ટારે તોડ્યા તમામ રેકોર્ડ
જિયો હોટસ્ટાર પરની આ વ્યૂઅરશિપે આ વખતે તમામ રેકોર્ડ તોડ્યા હતા. પાકિસ્તાનના કેપ્ટન રિઝવાનના પ્રથમ બેટિંગના નિર્ણય બાદ જ્યારે મોહમ્મદ શમીએ મેચનો પહેલો બોલ ફેંક્યો ત્યારે જિયો હોટસ્ટાર પર 6.8 કરોડ દર્શકો હતા. હાલમાં જ જિયો સિનેમા અને ડિઝની+ હોટસ્ટારના મર્જર બાદ જિયો હોટસ્ટારને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઓટીટી પ્લેટફોર્મ પર, જિયોસિનેમા અને ડિઝની + હોટસ્ટાર બંને પ્લેટફોર્મનું કન્ટેન્ટ એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે.
જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ જિયો હોટસ્ટાર પર દર્શકોની સંખ્યા પણ વધતી ગઈ. ભારત અને પાકિસ્તાન ક્રિકેટ મેચનો ક્રેઝ એટલો હતો કે ઈનિંગ બ્રેક દરમિયાન જિયોહોટસ્ટાર પર દર્શકોની સંખ્યા 32.2 કરોડ સુધી પહોંચી ગઈ હતી.
આ પણ વાંચો – હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ વાયરલ, ભારત પાકિસ્તાન મેચમાં રહી હતી હાજર
ટીમ ઇન્ડિયા જ્યારે બેટિંગ કરવા ઉતરી ત્યારે જિયો હોટસ્ટાર પર દર્શકોની સંખ્યા વધુ વધી ગઇ હતી. રોહિત શર્મા અને શુભમન ગિલ પહેલા બેટિંગ કરવા માટે આવ્યા હતા અને તે પછી જ્યારે વિરાટ કોહલી મેદાન પર ઘણા રન બનાવી રહ્યો હતો, ત્યારે તે સમયે 500 મિલિયન યૂઝર્સ જિયો હોટસ્ટાર પર મેચ જોઈ રહ્યા હતા.
આ પહેલા 2023ના આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ડિઝની+ હોટસ્ટાર પર 3.5 કરોડ દર્શકો સુધી પહોંચી હતી. પરંતુ આ વખતે બંને હરિફો વચ્ચેની મેચ 17 ગણી વધુ વ્યૂઅરશિપ સુધી પહોંચી હતી અને તમામ જૂના રેકોર્ડ તૂટી ગયા હતા.
તે સમયે કુલ 22.5 કરોડ લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ પર આ મેચનું લાઇવ સ્ટ્રીમ નિહાળ્યું હતું. જ્યારે ડિઝની-સ્ટાર નેટવર્ક અને ટીવી પર દૂરદર્શન પર 17.3 કરોડ લોકોએ મેચ જોઇ હતી
જોકે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીએઆરસી) દ્વારા દુબઇમાં રવિવારની ભારત-પાક મેચના ટીવી વ્યૂઅરશિપના આંકડાની જાહેરાત કરવાની બાકી છે અને તે એક અઠવાડિયામાં ઉપલબ્ધ થવાની ધારણા છે.