Champions Trophy 2025 India Squad : ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમની જાહેરાત માટે હજુ થોડા દિવસોની રાહ જોવી પડશે. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આ ટૂર્નામેન્ટ માટે ટીમની જાહેરાત ક્યારે કરશે તેનો ખુલાસો ભારતીય ક્રિકેટ બોર્ડે કર્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત 18 અથવા 19 જાન્યુઆરીએ કરવામાં આવશે.
2017 બાદ ફરી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે અને આમાં ભારત પ્રથમ મેચ 20મી ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે અને 23મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે રમશે. ભારત તેની ત્રીજી ગ્રુપ મેચ 2 માર્ચે ન્યૂઝીલેન્ડ સામે રમશે. ત્રણેય મેચ ભારત માટે મહત્વની બની રહેશે અને જો તેઓ આગળ વધવા માગતા હોય તો દરેક મેચ જીતવી પડશે, પરંતુ એવા અહેવાલો છે કે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ ટૂર્નામેન્ટની ગ્રુપ મેચોથી દૂર રહી શકે છે.
બુમરાહ ગ્રુપ સ્ટેજની મેચો ચુકી શકે છે
રેવસ્પોર્ટ્ઝમાં છપાયેલા એક અહેવાલ મુજબ જસપ્રીત બુમરાહની પસંદગી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ટીમમાં થશે પરંતુ પીઠની ઈજાના કારણે તેને આખા ગ્રુપ સ્ટેજમાંથી બહાર થવું પડી શકે છે. આથી આ ત્રણ મેચમાં ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ અનુભવી મોહમ્મદ શમી આગેવાનીમાં હોઈ શકે છે. જેને હાલમાં ઇંગ્લેન્ડ સામેની ટી 20 ટીમમાં સામેલ કરાયો છે. અર્શદીપ સિંહ ટીમનો બીજો પેસ બોલર હશે જે પોતાની લેફ્ટ આર્મ સીમ બોલિંગથી વિવિધતા લાવશે.
આ પણ વાંચો – ઈંગ્લેન્ડ સામે ટી 20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત, શમીની 14 મહિના પછી વાપસી
રોહિત-ગિલ ઓપનિંગ કરશે, ચોથા નંબર પર રહેશે શ્રેયસ ઐયર
રોહિત શર્મા ભારતીય ટીમનું નેતૃત્વ કરશે અને તે શુભમન ગિલ સાથે ઓપનિંગ કરશે. યશસ્વી જયસ્વાલને ભલે બેકઅપ ઓપનર તરીકે ટીમમાં સ્થાન મળે, પણ તે ભાગ્યે જ પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બનશે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર જ્યારે શ્રેયસ ઐયર 4 નંબર પર ઉતરશે. ગ્રુપ સ્ટેજ દરમિયાન ઋષભ પંત વિકેટકીપર-બેટ્સમેન તરીકે પહેલી પસંદ માનવામાં આવે છે, પરંતુ તેને કેએલ રાહુલથી સ્પર્ધા મળી શકે છે. હાર્દિક પંડ્યા ટીમમાં મુખ્ય ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર હોવાની સાથે સાથે ત્રીજો ફાસ્ટ બોલિંગ વિકલ્પ પણ હશે અને તે 6ઠ્ઠા નંબર પર બેટિંગ કરતો જોવા મળશે.
જાડેજા કે વોશિંગ્ટન સુંદરમાં કોને મળશે તક?
રવિન્દ્ર જાડેજાને તેના અનુભવના આધારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમમાં સ્થાન મળી શકે છે. પરંતુ વોશિંગ્ટન સુંદર તરફથી તેને આકરી સ્પર્ધા મળી શકે છે. ટીમમાં બે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા કે પછી વોશિંગ્ટન સુંદર હોઈ શકે છે. કુલદીપ યાદવને ગ્રુપ સ્ટેજની મેચો માટેની પ્લેઈંગ ઈલેવનમાં સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકેની જવાબદારી સોંપવામાં આવશે તેમ મનાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ગ્રુપ મેચો માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા/વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ.