India vs Australia semi final match : વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર બેટિંગ કરતા 84 રન બનાવ્યા હતા. તે થોડાક માટે વનડે ક્રિકેટ કેરિયરની 52મી સદીથી ચૂકી ગયો હતો. કોહલી હવે આ ઇનિંગ્સના આધારે ભારત માટે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે, જ્યારે ઓવરઓલ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે બીજા ક્રમે આવી ગયો છે.
આ ઈનિંગના આધારે કોહલીએ ઘણા વધુ શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ મેચમાં વિરાટ કોહલીએ 98 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 84 રનની મહત્વની ઈનિંગ રમી હતી અને ભારતને અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મેચમાં એડમ ઝમ્પાના બોલ પર કોહલી કેચ આઉટ થયો હતો.
કોહલીએ મહેલા જયવર્દનેનો રેકોર્ડ તોડ્યો
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં કોહલી બીજા ક્રમે આવી ગયો છે અને તેણે મહેલા જયવર્દનને પાછળ છોડી દીધો છે. કોહલીના નામે હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 746 રન છે, જ્યારે જયવર્દનેએ 742 રન ફટકાર્યા હતા. આ લિસ્ટમાં ક્રિસ ગેલ 791 રન સાથે પહેલા નંબર પર છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન
- 791 રન – ક્રિસ ગેલ (17 ઇનિંગ્સ)
- 746 રન – વિરાટ કોહલી (16 ઇનિંગ્સ)
- 742 રન – મહેલા જયવર્દને (21 ઇનિંગ્સ)
- 701 રન – શિખર ધવન (10 ઇનિંગ્સ)
કોહલીએ આઈસીસી નોકઆઉટમાં 1,000 રન બનાવ્યા
વિરાટ કોહલી આઈસીસી નોકઆઉટ મેચોમાં 1000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો છે, જ્યારે રોહિત શર્મા 808 રન સાથે આ યાદીમાં બીજા નંબર પર છે. રિકી પોન્ટિંગ આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે આઇસીસી નોકઆઉટ મેચોમાં 731 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો – ચેમ્પિયન્સ ટ્રોફી 2025, ભારત ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયાને હરાવી 2023ના વર્લ્ડ કપનો બદલો લીધો
આઈસીસી નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન
- વિરાટ કોહલી – 1003 રન
- રોહિત શર્મા – 808 રન
- રિકી પોન્ટિંગ – 731 રન
કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
વિરાટ કોહલી હવે આઈસીસી વનડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50 પ્લસ ઇનિંગ્સ રમનાર ખેલાડી બની ગયો છે. કોહલીએ 24મી વખત આ કમાલ કરી છે અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિને 23 વખત આવી સિદ્ધિ મેળવી છે.
આઇસીસી વન-ડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર
- 24 – વિરાટ કોહલી
- 23 – સચિન તેંડુલકર
- 18 – રોહિત શર્મા
- 17 – કુમાર સંગાકારા
- 16 – રિકી પોન્ટિંગ
કોહલીએ સ્મિથની બરાબરી કરી
કોહલીએ આઇસીસી વન-ડે નોકઆઉટ મેચોમાં 5મી વખત 50 પ્લસનો સ્કોર કર્યો હતો અને તે સ્ટીવ સ્મિથની બરોબરી કરી છે. સ્મિથે આવી સિદ્ધિ 5 વખત મેળવી છે અને હવે કોહલીએ તેની બરાબરી કરી લીધી છે. આ લિસ્ટમાં પહેલા નંબરે તેંડુલકર છે, જેણે 6 વખત આવી સિદ્ધિ મેળવી છે.
આઇસીસી વન-ડે નોકઆઉટમાં સૌથી વધુ 50+ સ્કોર
- 6 – સચિન તેંડુલકર
- 5 – વિરાટ કોહલી
- 5 – સ્ટીવ સ્મિથ
- 4 – સૌરવ ગાંગુલી
- 4 – શિવનારાયણ ચંદ્રપોલ
- 4 – જેક્સ કાલિસ
- 4 – રિકી પોન્ટિંગ
- 4 – શેન વોટસન