Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી આગામી વર્ષે પાકિસ્તાન ખાતે રમાનાર છે. આગામી ફેબ્રુઆરી 2025 થી ક્રિકેટ વર્લ્ડ ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થશે. જે માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જોરશોરથી તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. પરંતુ ભારતીય ટીમ મેચ રમવા માટે પાકિસ્તાન જશે કે કેમ? સવાલ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારત પાકિસ્તાન નહીં જાય. ભારત પાકિસ્તાન જવા નથી ઇચ્છતું જેને પગલે ચેમ્પિયન્સ ટ્રોફી આયોજનને લઇને સમસ્યા ઉભી થઇ શકે છે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનમાં તૈયારીઓ શરુ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આયોજન માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પીસીબીએ કરાંચી, લાહોર અને રાવલપિંડી સ્થિત ક્રિકેટ સ્ટેડિયમ સમારકામ કરવા માટે અંદાજે 17 કરોડ રુપિયા પણ ફાળવી દીધાનું સામે આવી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી યજમાન પાકિસ્તાન ખાતે જ રમાય એવું પાકિસ્તાન ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઇચ્છી રહ્યું છે.
બીસીસીઆઇ મક્કમ, સરકાર કરશે નિર્ણય
પાકિસ્તાન ખાતે ફેબ્રુઆરી 2025 થી શરુ થનાર ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન રમવા જાય એવી સંભાવના નહીવત છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ પાકિસ્તાન પ્રવાસ ન કરવા મામલે મક્કમ છે. જોકે આ મામલે છેવટનો નિર્ણય તો ભારતની કેન્દ્ર સરકારે કરવાનો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ આ મામલે છેવટનો નિર્ણય સામે આવી શકે છે.
BCCI કરી શકે છે આ માંગ
ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસ નહીં કરે એવા સંકેત સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર ભારતીય ક્રિકેટ ટીમની ચેમ્પિયન્સ ટ્રોફી રમવા પાકિસ્તાન જવાની સંભાવના ઘણી ઓછી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ સુત્રો અનુસાર બીસીસીઆઇ ભારતીય ટીમને પાકિસ્તાન મોકલવા ઇચ્છતું નથી અને આ માટે આઇસીસીમાં રજુઆત કરી શકે છે. ભારતની મેચો શ્રીલંકા કે દુબઇ જેવા વિદેશી સ્થળોએ ખસેડવા માંગ કરી શકે છે.
આ પણ વાંચો – નતાશા સાથે તલાકની અફવા વચ્ચે હાર્દિક પંડ્યાની આ રશિયન મોડલ સાથે તસવીર વાયરલ, જાણો શું છે કહાની
ભારત પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ બંધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2012-13 સિઝન પછી અત્યાર સુધી કોઇ દ્વિપક્ષીય સિરીઝ રમાઇ નથી. ભારતીય ટીમ છેલ્લે 2008 માં પાકિસ્તાની જમીન પર મેચ રમ્યું હતું. એ પછી ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે ગઇ નથી. ભારતીય સરહદે ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિઓને પગલે ભારત સરકાર પાકિસ્તાન સામે ખફા છે.
કુલ 8 વખ ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ છે
ચેમ્પિયન્સ ટ્રોફીની આ નવમી સિઝન હશે. આ પહેલા કુલ 8 વખત આ ટૂર્નામેન્ટ રમાઇ છે. સૌ પ્રથમ 1998-99માં બાંગ્લાદેશમાં રમાઇ હતી. તેમાં દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન બન્યું હતું. જોકે તે વખતે ટૂર્નામેન્ટનું નામ વિલ્સ ઇન્ટરનેશનલ કપ હતું. ભારત અને ઓસ્ટ્રેલિયા 2-2 વખત ચેમ્પિયન બન્યા છે. જોકે ભારત 2002માં એક વખત શ્રીલંકા સાથે સંયુક્ત વિજેતા રહ્યું હતું. ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ અને પાકિસ્તાન 1-1 વખત ચેમ્પિયન બન્યા છે. છેલ્લે આ ટૂર્નામેન્ટ 2017માં રમાઇ હતી. ત્યારે પાકિસ્તાન ભારતને હરાવીને વિજેતા બન્યું હતું.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં આઠ ટીમો કેવી રીતે નક્કી થાય છે
ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો ભાગ લેશે. આ વખતે આ ટીમોમાં યજમાન પાકિસ્તાન સિવાય ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આઈસીસીએ જાહેરાત કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ક્વોલિફાય કરનાર ટીમનો નિર્ણય વર્લ્ડ કપ 2023 પોઇન્ટ ટેબલના આધાર પર રહેશે. જેના આધારે ટીમો નક્કી થઇ છે. આ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં એક કટ ઓફ તારીખ પર વન-ડેમાં ટોચની આઠ ટીમો ક્વોલિફાય થતી હતી.