indian national anthem play in pakistan : ચેમ્પિયન્સ ટ્રોફીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થઇ રહ્યો છે. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઇ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચ શરૂ થતા પહેલા સ્ટેડિયમમાં મોટી ભૂલ થઇ હતી. મેચનો પહેલો બોલ ફેંકાતા પહેલા જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાન પર આવી ત્યારે સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું હતું. ગ્રાઉન્ડ સ્પીકર પર જેવું ‘જન-ગણ-મન’ ગીત ચાલ્યું તો સ્ટેડિયમમાં અચાનક હલચલ મચી ગઈ હતી.
લાહોરમાં ‘ભારત ભાગ્ય વિધાતા…’
પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટની આ ભૂલ ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના થોડા સમય પહેલા જ થઈ હતી. ઇંગ્લેન્ડનું રાષ્ટ્રગીત પહેલા વગાડવામાં આવ્યું અને તે પૂર્ણ થયું હતું. એ પછી ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવાનું હતું પણ અચાનક મેદાનમાં ‘ભારત ભાગ્ય વિધાતા…’ રિંગ વાગી. ઉતાવળમાં ભારતનું રાષ્ટ્રગીત બંધ કરી દેવામાં આવ્યું હતું અને તે પછી ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વગાડવામાં આવ્યું હતું.
પાકિસ્તાનમાં ટીમ ઈન્ડિયાની કોઈ મેચ નથી
જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી આ એક મોટી ભૂલ છે કારણ કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનમાં એકપણ મેચ રમ્યું નથી અને આ ટૂર્નામેન્ટની કોઈ મેચ પાકિસ્તાનમાં રમશે પણ નહીં. આ ટૂર્નામેન્ટના પ્રારંભ અગાઉ જ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના પ્રવાસે જવાનો ઈનકાર કરી દીધો હતો, જે પછી ભારતની તમામ મેચો દુબઈમાં યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે જ્યારે ભારત પાકિસ્તાનમાં કોઈ મેચ રમવાનું નથી ત્યારે ભારતનું રાષ્ટ્રગીત કેવી રીતે વાગ્યું?
આ પણ વાંચો – મોહમ્મદ શમીએ રેકોર્ડની વણઝાર સર્જી, એક જ મેચમાં મેળવી આટલી બધી સિદ્ધિ
કરાચીના મેદાનમાં બિલાડી ઘૂસી ગઈ હતી
પાકિસ્તાનની આ ભૂલ બાદ ભારતીય યૂઝર્સ સોશિયલ મીડિયા પર મજા લઇ રહ્યા છે. ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને પીસીબીની કામગીરી પર અત્યાર સુધી પ્રશ્નાર્થ સર્જાયો છે. શુક્રવારે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચમાં બિલાડી મેદાન પર આવી જવાના કારણે બે વખત રમત અટકાવવી પડી હતી. આ મેચ કરાચીમાં રમાઈ હતી. હવે ભારતનું રાષ્ટ્રગીત વગાડવાની આ ઘટનાએ મેનેજમેન્ટ પર વધુ સવાલો ઉભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર યૂઝર્સે આ જ સવાલ પૂછવાનું શરૂ કરી દીધું છે કે પાકિસ્તાનમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ દરમિયાન પ્લે લિસ્ટમાં ભારતનું રાષ્ટ્રગીત શું કરતું હતું?





