Champions Trophy 2025 India vs Pakistan Match: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નો કાર્યક્રમ તૈયાર કરી લીધો છે. તે જાહેર કરવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોવાઈ રહી છે. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. 10 માર્ચે રિઝર્વ ડે રહેશે. ભારતને ગ્રૂપ એમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સાથે રાખવામાં આવ્યું છે. ગ્રૂપ બીમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન છે.
ચેમ્પિયન્સ ટ્રોફીના પ્રસ્તાવિત કાર્યક્રમ અનુસાર 1 માર્ચે લાહોરમાં ભારત-પાકિસ્તાનની મેચ છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) હજુ સુધી કામચલાઉ કાર્યક્રમ માટે પોતાની સંમતિ આપી નથી. આઈસીસી બોર્ડના એક વરિષ્ઠ સભ્યએ બુધવારે પીટીઆઈને આ માહિતી આપી હતી. આ ટૂર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. 10 માર્ચ રિઝર્વ ડે રહેશે.
ભારતની તમામ મેચ લાહોરમાં
પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીને બાર્બાડોસમાં ટી20 વર્લ્ડ કપ ફાઇનલ જોવા માટે આમંત્રણ અપાયું હતું. તેઓએ 15 મેચોનો કાર્યક્રમ રજૂ કર્યો છે. તેમા ભારતની તમામ મેચ સુરક્ષા અને તાર્કિક કારણોસર લાહોરમાં રાખવામાં આવી છે. પીસીબીએ 15 મેચોની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ડ્રાફ્ટ રજૂ કર્યો છે. લાહોરમાં સાત, કરાચીમાં ત્રણ અને રાવલપિંડીમાં પાંચ મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ કરાચીમાં યોજાશે, જ્યારે બે સેમી ફાઇનલ કરાચી અને રાવલપિંડીમાં અને ફાઇનલ લાહોરમાં યોજાશે. ભારતીય ટીમની તમામ મેચો (સેમીફાઈનલ સહિત, જો ટીમ ક્વોલિફાય થાય તો) લાહોરમાં યોજાશે.
હાઇબ્રિડ મોડેલમાં યોજાયો હતો એશિયા કપ
તાજેતરમાં જ આઇસીસીના ઇવેન્ટ હેડ ક્રિસ ટેટલીએ ઇસ્લામાબાદમાં પીસીબીના ચેરમેન મોહસીન નકવી સાથે મુલાકાત કરી હતી. આઇસીસીની સિક્યોરિટી ટીમે સ્થળો અને અન્ય વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાને છેલ્લે 2023માં એશિયા કપની યજમાની કરી હતી. તે ‘હાઇબ્રિડ મોડેલ’ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. સરકારે ખેલાડીઓને બોર્ડર પાર કરવાની મંજૂરી આપવાનો ઈનકાર કર્યા બાદ ભારતે શ્રીલંકામાં પોતાની મેચ રમી હતી.
આ પણ વાંચો | IPL મેગા હરાજી : પોતાના 30% ખેલાડીઓને રિટેન કરવા માંગે છે ફ્રેન્ચાઇઝી, પર્સમાં થઇ શકે છે 20 કરોડનો વધારો
બીસીસીઆઈ સરકાર વિરુદ્ધ જવાની ફરજ પાડી શકે નહીં
સૂત્રએ જણાવ્યું હતું કે, ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનારા રાષ્ટ્રોના તમામ બોર્ડ વડાઓએ (બીસીસીઆઈ સિવાય) ભાગ લેનારા દેશોને તેમના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી છે, પરંતુ બીસીસીઆઈ તેની સરકાર સાથે પરામર્શ કરશે અને આઈસીસીને આ અંગે જાણ કરશે. આઈસીસી તેના તરફથી કોઈ પણ બોર્ડને તેની સરકારની નીતિની વિરુદ્ધ જવા માટે દબાણ કરી શકશે નહીં. તે જોવું રસપ્રદ રહેશે કે બીસીસીઆઈ આ મામલે ક્યારે અંતિમ નિર્ણય લે છે.





