Champions Trophy 2025 : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પીઓકેમાં (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) ચેમ્પિયન્સ ટ્રોફીને ફેરવવાની ગંદી ચાલ ચલવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીને સ્કાર્દુ, મુરી અને મુઝફ્ફરાબાદમાં ફેરવવા માંગતું હતું. આ વિસ્તારો પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં આવે છે. જોકે આસીસીઇએ આ પ્રવાસ રદ કરી દીધો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ શહેરોને આ કાર્યક્રમમાં સામેલ કર્યાની જાહેરાત કર્યા બાદ તરત જ આઇસીસી તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આ મામલે તત્કાલ વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (પીસીબી) 16 થી 24 નવેમ્બર દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફીના રાષ્ટ્રવ્યાપી ટ્રોફી પ્રવાસની જાહેરાત કરી હતી.
પીસીબીએ લખ્યું – તૈયાર થઇ જાવ, પાકિસ્તાન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) દ્વારા ભારતને ઉશ્કેરતું આ કૃત્ય 14 નવેમ્બર 2024ની રાત્રે કરવામાં આવ્યું હતું. પીસીબીએ રાત્રે 8:31 વાગ્યે એક્સ (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી. આમાં તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીની તસવીર શેર કરી હતી. તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે તૈયાર થઈ જાવ, પાકિસ્તાન. આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટ્રોફી ટૂરનો પ્રારંભ 16મી નવેમ્બરથી ઈસ્લામાબાદમાં થશે. જેમાં સ્કાર્દુ, મુરી, હુન્ઝા અને મુઝફ્ફરાબાદ જેવા દર્શનીય પ્રવાસન સ્થળો પણ સામેલ છે. આગામી 16 થી 24 નવેમ્બર સુધી 2017માં ઓવલ ખાતે સરફરાઝ અહેમદ દ્વારા ઉપાડેલી ટ્રોફી પર એક નજર નાખો.
આ પણ વાંચો – પાકિસ્તાન હાઇબ્રિડ મોડલમાં તૈયાર નહીં થાય તો દક્ષિણ આફ્રિકામાં રમાઇ શકે છે ટૂર્નામેન્ટ
આઇસીસીએ હાઇબ્રિડ મોડલ પર PCB પાસેથી જવાબ માંગ્યો
ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ કાર્યક્રમની જાહેરાત કરી નથી. જોકે ટ્રોફી 16 નવેમ્બરથી શરૂ થનારા પ્રવાસ માટે ગુરુવાર 14 નવેમ્બર 2024ના રોજ પાકિસ્તાન પહોંચી હતી. આ ટ્રોફી એવા સમયે આવી છે જ્યારે આઇસીસીએ BCCI દ્વારા ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજવાના પ્રસ્તાવ પર PCB પાસેથી જવાબ માંગ્યો છે. આ દરમિયાન જિયો ન્યૂઝે સૂત્રોને ટાંકીને લખ્યું છે કે જવાબમાં પીસીબીએ આઈસીસીને ભારતના જવાબની એક નકલ ઉપલબ્ધ કરાવવાનો અનુરોધ કર્યો છે.
આઠ ટીમોની આ ટૂર્નામેન્ટ (ચેમ્પિયનશિપ ટ્રોફી) પાકિસ્તાનમાં આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે. ક્રિકેટના આ મહાકુંભની તૈયારી માટે પીસીબીએ ટ્રોફી ટૂરનું આયોજન કર્યું હતું. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 વિવાદોમાં ઘેરાયેલી છે કારણ કે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કર્યો છે.
PCBએ ICCને પત્ર લખ્યો
પીસીબીએ આઈસીસીને પત્ર લખીને ભારતે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાના ઈન્કાર અંગે સ્પષ્ટતા માંગી છે. ICCને લખેલા પત્રમાં PCBએ ભારતના સ્ટેન્ડ અંગે સત્તાવાર સ્પષ્ટતા માંગી છે. પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં ઇવેન્ટના ફોર્મેટ અથવા સંભવિત હાઇબ્રિડ મોડલની ચર્ચા કરવામાં આવી નથી.